Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd July 2018

ગુજરાતમાં ક્યાંક ભારે તો ક્યાંક છૂટોછવાયો વરસાદઃ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની શક્યતા

અમદાવાદઃ ગુજરાતમાં મેઘરાજાના શ્રીગણેશ તો થઇ ગયા છે. મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ પડ્યો છે. રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારે તો કેટલાક જિલ્લામાં છૂટોછવાયો વરસાદ પડ્યો છે. અત્યારે વરસાદે વિરામ લીધો છે. જોકે, રાજ્યમાં ઠેકઠેકાણે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. મધ્ય- ઉત્તર, સૌરાષ્ટ્ર, અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો થયો છે. મળતી માહિતી પ્રમાણે સેનદ્રનગર,અરવલ્લી, ખેડા આણંદમાં વાતાવરણમાં પલટો થયો છે. આ ઉપરાંત રાજ્યમાં 4થી 6 જુલાઇમાં વરસાદની આગાહી છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. ભાવનગરમાં મેઘરાજાની એન્ટ્રી થઇ છે. જેના પગલે વીજળી ગૂલ થવાની સમસ્યા પણ સર્જાઇ છે.

મળતી માહિતી પ્રમાણે સોમવારે સવારથી સુરેન્દ્રનગર જિલ્લામાં વાદળછાયું વાતાવરણ રહ્યા બાદ વરસાદનું આગમન થયું હતું. લીમડી પંથકમાં વરસાદ પડતા ખેડૂતોમાં આનંદની લાગણી છવાઇ હતી. તો ભાવનગરની વાત કરીએ તો પાલીતાણા શહેરમાં વાતાવરણમાં પલટો થયા બાદ કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. વરસાદ પડવાથી આ વિસ્તારોમાં વીજળી ગૂલ થઇ હતી. બીજી તરફ ભાવનગર જિલ્લાના દરિયાકાંઠાના ઘોઘા ગામે જોરદાર વરસાદ પડ્યો હતો.

દક્ષિણ ગુજરાતમાં સુરતમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. જેના પગલે કેટલાક વિસ્તારોમાં ઝરમર વરસાદ પડ્યો હતો. આમ લોકોએ ગરમી અને બફારામાંથી રાહત મેળવી હતી. મધ્યગુજરાતમાં આણંદ જિલ્લાના બોરસદ, આંકલાવમાં વરસાદી ઝાપટાં પડ્યા છે. સોમવાર સવારથી બપોર સુધી વરસાદી ઝાપડા પડ્યાના સમાચાર મળી રહ્યા છે. ઉત્તર ગુજરાતમાં અરવલ્લી જિલ્લાના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો થતાં લોકો વરસાદની મીટ માંડીને બેઠા છે.

ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરતા જણાવ્યું છે કે, રાજ્યમાં ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ રહી છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડે તેવી શક્યતા છે. અપર એર સરક્યુલેશન સિસ્ટ સક્રિય થતાં 4-5 જુલાઈએ દક્ષિણ ગુજરાતમાં પવન સાથે ભારે વરસાદ પડે તેવી શક્યતા છે.

(5:28 pm IST)