Gujarati News

Gujarati News

News of Thursday, 3rd June 2021

જુલાઈના બીજા સપ્તાહમાં બોર્ડ દ્વારા ધો-10નું માર્કશીટનું વિતરણ કરાશે

ધોરણ-9 અને 10ની શાળાકીય પરીક્ષાના ગુણને ગણતરીમાં લઈને પરિણામ જાહેર કરાશે: ધોરણ-10ના પરિણામ તૈયાર કરવાની માર્ગદર્શિકા જાહેર

અમદાવાદ : ધોરણ-10ના પરિણામ તૈયાર કરવાની માર્ગદર્શિકા શિક્ષણ બોર્ડ દ્વારા આજે જાહેર કરવામાં આવી છે. તે પ્રમાણે ધોરણ-9ની શાળાકીય પરીક્ષા અને ધોરણ-10ની શાળાકીય પરીક્ષાના ગુણને ગણતરીમાં લઈને ધોરણ-10નું પરિણામ જાહેર કરવાનું રહેશે. ધોરણ-9ની પરીક્ષાના 40 ગુણ અને ધોરણ-10ની પરીક્ષાના 40 ગુણ અને ધોરણ-10ના શાળાકીય આંતરીક મુલ્યાંકનના 20 ગુણ મળી કુલ 100 ગુણના આધારે પરિણામ જાહેર કરાશે. જો કોઈ વિદ્યાર્થીને પરીક્ષામાં પાસ થવા માટે પુરતા ગુણ નહીં મળ્યા હોય તો તેને તેટલા ગુણ આપીને પાસ કરી દેવામા આવશે. બોર્ડ દ્વારા માર્ગદર્શિકા જાહેર કરાયા બાદ શાળાઓને પરિણામ માટે વિદ્યાર્થીઓના ગુણ ઓનલાઈન મોકલી આપવા સૂચના જારી કરાઈ છે. જેથી જુલાઈના બીજા સપ્તાહમાં બોર્ડ દ્વારા ધોરણ-10ની માર્કશીટનું વિતરણ કરવામાં આવશે તેમ બોર્ડના સુત્રોએ જણાવ્યું હતું.

કોરોનાના કારણે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-10ની બોર્ડની નિયમિત પરીક્ષાના બદલે વિદ્યાર્થીઓને માસ પ્રમોશનથી પાસ જાહેર કરવાનો નિર્ણય મુખ્યમંત્રી દ્વારા લેવામાં આવ્યો હતો. આ જાહેરાત અંતર્ગત પરિણામ તૈયાર કરવા અંગેની માર્ગદર્શિકા આજે જાહેર કરવામાં આવી છે. જેમાં ધોરણ-10ના નિયમિત વિદ્યાર્થીઓનું મુલ્યાંકન હાલની પધ્ધતિ મુજબ બે ભાગમાં કરવામાં આવશે. જેમાં પ્રથમ ભાગમાં શાળાકીય આંતરિક મુલ્યાંકન હશે અને બીજા ભાગમાં શાળાકીય કસોટીના આધારે મુલ્યાંકન કરવામાં આવશે. શાળાકીય આંતરીક મુલ્યાંકનના કુલ 20 ગુણ નક્કી કરાયા છે. જેમાં ધોરણ-10ના નિયમિત વિદ્યાર્થીઓનું શાળા દ્વારા 20 ગુણનું આંતરિક મુલ્યાંકન કરવામાં આવશે. શાળા દ્વારા નિયમિત વિદ્યાર્થીઓને તેઓ દ્વારા પસંદ કરવામાં આવેલા વિષયોમાં બોર્ડ દ્વારા નિયત કરેલા ધારાધોરણ મુજબ 20 ગુણનું આંતરીક મુલ્યાંકન કરવાનું રહેશે. શાળાકીય આંતરીક મુલ્યાંકનના વિષયવાર 20 ગુણમાંથી મેળવેલા ગુણને બોર્ડ દ્વારા તૈયાર કરવામાં આવેલી એપ્લિકેશનમાં ઓનલાઈન કરવાના રહશે.

માસ પ્રમોશનના કારણે બોર્ડ દ્વારા લેવામાં આવતી 80 ગુણની જાહેર પરીક્ષા યોજાઈ નથી. જેથી તેના બદલે માધ્યમિક કક્ષાએ લેવામાં આવેલી કસોટી- પરીક્ષાના આધારે ગુણાંકન કરવાનું રહેશે. તે માટે બોર્ડ દ્વારા પધ્ધતિ જાહેર કરવામાં આવી છે. જેમાં ધોરણ-9ની પરીક્ષાના 40 ગુણ અને ધોરણ-10ની પરીક્ષાના 40 ગુણ મળી કુલ 80 ગુણના આધારે પરિણામ તૈયાર કરવામાં આવશે. ધોરણ-10ના પરિણામ તૈયાર કરવા માટે શાળાના આચાર્યની અધ્યક્ષતામાં માધ્યમિક શાળાના વિષય શિક્ષકોની સમિતિની રચના કરવાની રહેશે. શાળા પરિણામ સમિતિએ ધોરણ-10ના નિયમિત વિદ્યાર્થીઓનું પરિણામ તૈયાર કરતી વખતે તે માટે ઉપયોગમાં લીધેલા તમામ આધારો ઉપર સહી કરીને તારીખ દર્શાવવાની રહેશે. શાળા પરિણામ સમિતિ આ પરિણામ માટે જવાબદાર રહેશે.

બોર્ડ દ્વારા જાહેર કરાયેલી પધ્ધતિ મુજબ વિદ્યાર્થીઓના પરિણામનું કાર્ય શાળાઓ દ્વારા 4 જૂનથી લઈને 10 જૂન સુધીમાં પૂર્ણ કરવાનું રહેશે. ત્યારબાદ શાળા દ્વારા તૈયાર કરેલા પરિણામ બોર્ડની વેબસાઈટ પર 8 જુનથી 17 જૂન સુધી અપલોડ કરવાની કાર્યવાહી કરવાની રહેશે. બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓના ઓનલાઈન પરિણામની જાહેરાત જૂનના અંતિમ અઠવાડીયામાં કરવામાં આવશે. જ્યારે જુલાઈના બીજા અઠવાડીયામાં વિદ્યાર્થીઓને ધોરણ-10ની માર્કશીટ વિતરણ કરવામાં આવશે.

સામયિક કસોટી અને એકમ કસોટીના ગુણને રૂપાંતરીત કરી માર્ક અપાશે

વિદ્યાર્થીના ધોરણ-9ની 50 ગુણની પ્રથમ સામયિક કસોટીમાંથી મેળવેલા ગુણને 40 ટકામાં રૂપાંતરીત કરીને ગુણ આપવાના રહેશે. જેના મહત્તમ 20 ગુણ રહેશે. જયારે ધોરણ-9ની 50 ગુણની દ્વીતીય સામયિક કસોટીમાં મેળવેલા ગુણને પણ 40 ટકામાં રૂપાંતરીક તરીને ગુણ આપવાના રહેશે તેના પણ મહત્તમ 20 ગુણ રહેશે. આમ, ધોરણ-9ની પરીક્ષાના કુલ 40 ગુણ રહેશે. જ્યારે ધોરણ-10ની 19 માર્ચથી 21 માર્ચ દરમિયાન યોજાયેલી 80 ગુણની પ્રથમ કસોટીના કુલ ગુણમાંથી 37.5 ટકામાં રૂપાંતર કરીને ગુણ આપવાના રહેશે. જેના મહત્તમ 30 ગુણ રહેશે. જ્યારે વિદ્યાર્થીના ધોરણ-10ની 25 ગુણની એકમ કસોટીમાંથી મેળવેલા ગુણને 40 ટકામાં રૂપાંતરીત કરીને ગુણ આપવાના રહેશે. જેના મહત્તમ 10 ગુણ રહેશે. આમ, ધોરણ-10ની પરીક્ષાના પણ 40 ગુણ રહેશે. આમ, ધોરણ-9 અને 10ના મળી કુલ 80 ગુણના આધારે મુલ્યાંકન કરાશે.

ઉમેદવારને માસ પ્રમોશનના કારણે પાસ થવામાં ખુટતા ગુણની તુટ બોર્ડ દ્વારા પરિણામમાં દર્શાવી ગુણ તુટ ક્ષમ્ય ગણવામાં આવશે. વિદ્યાર્થીને પાસ થવામાં જેટલા ગુણ ખુટતા હશે તેટલા ગુણની તૂટ માફ કરીને પરિણામ પાસ જાહેર કરવામાં આવશે. આવા ઉમેદવારના પરિણામ પત્રકમાં ગ્રેડ- ડી દર્શાવવામાં આવશે. ધોરણ-10 પરીક્ષામાં દરેક વિષયમાં 80 ગુણમાંથી 26 ગુણ અને 20 ગુણમાંથી 7 ગુણ મેળવી શક્યા ન હોય તેવા ઉમેદવરોને માસ પ્રમોશનના કારણે પાસ જાહેર કરવામાં આવશે.

બોર્ડ દ્વારા પરિણામ તૈયાર કરવા માટે આપવામાં આવેલા સુચના મુજબ શાળા યોગ્ય, સાચુ અને જરૂરી આધારો સિવાયની કામગીરી કરે તો તેની સામે કાર્યવાહી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ શાળાઓની નોંધણી રદ કરવાની કાર્યવાહી કરવી અથવા તો શાળાને નાણાકીય દંડ કરવાનું નક્કી કરાયું છે, અથવા તો વર્ષ 2021નું ધોરણ-10નું પરિણામ જ્યાં સુધી શાળા દ્વારા સ્પષ્ટતા પુર્તતા ન થાય ત્યા સુધી અટકાવવાનું નક્કી કરાયું છે.

(8:47 pm IST)