Gujarati News

Gujarati News

News of Thursday, 3rd June 2021

સ્ટેચ્યુ ઓફ યુનિટી: ટેન્ટ સીટી-1 બાદ ટેન્ટ સીટી-2 ને અનઅધિકૃત બાંધકામ હટાવવા નોટિસ :ખળભળાટ

ટેન્ટ સીટી-1 ને કેવડિયા વન વિભાગે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ પૂછતાછ માટે સમન્સ જારી કર્યો હતો

રાજપીપળા: સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક ટેન્ટ સીટી-1 ને કેવડિયા વન વિભાગે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ પૂછતાછ માટે સમન્સ જારી કર્યો હતો તો બીજી બાજુ ગરુડેશ્વર મામલતદારે  અધિકૃત બાંધકામ દૂર કરવા નોટિસ ફટકારી હતી.તો હવે ટેન્ટ સીટી-2 ને પણ અન અધિકૃત બાંધકામ દૂર કરવા નોટિસ ફટકારતા ખળભળાટ મચ્યો છે.

SOU ADTG ઓથોરીટી અધિક કલેક્ટર, SOU ADTG ઓથોરીટી એડમીનીસ્ટ્રેટર, SOU ADTG ઓથોરીટી મામલતદાર ગરૂડેશ્વર, કેવડિયા પરિક્ષેત્ર વન અધિકારી-કેવડીયા તથા ડી.આઈ.એલ.આર. SOU ADTG દ્વારા 29/05/2021 રોજ સંયુક્ત તપાસ દરમ્યાન મે. પ્રવેગ કોમ્યુનીકેશન્સ લિ. દ્વારા ગુજરાત રાજ્ય પ્રવાસન નિગમ-ગાંધીનગર દ્વારા તેમની સાથે કરવામાં આવેલ કરારની વિગતો રજૂ કરવા જણાવ્યા હોવા છતાં રજુ કરેલ ન હતી. સંયુક્ત ટીમ દ્વારા સ્થળ નિરીક્ષણ કરી જમીનની માપણી કરાવેલ વિગતો આધારે પ્રથમ દ્રષ્ટિએ ટેન્ટસીટી-2 લીમડી ગામનાં સર્વે નંબર 60ની હે. 48-87-86 આરે ચોમી પૈકી હે. 1-89-23 આરે ચોમી (સરકારી ખરાબાની) અને સર્વે નં.64, ક્ષેત્રફળ હે.13-53-73આરે ચોમી છે તે પૈકી હે.05-76-28 આરે ચોમીનાં ક્ષેત્રફળ જેટલી જમીનનો ઉપયોગ કરી ટેન્ટસીટી-2 નું નિર્માણ કરવામાં આવ્યું છે.

આમ, 1-89-23 ચોમી (સરકારી ખરાબાની) તથા 5-76-28 ચોમી મળી કુલ હે. 7-65-51 ચોમી જમીનનો ઉપયોગ તેમના દ્વારા કરવામાં આવેલ હોવાનું જણાયેલ છે.આમ, TCGL દ્વારા મે. પ્રવેગ કોમ્યુનીકેશન્સ લિ. ને 5.2 હેક્ટરની ફાળવણી કરેલ હોવાં છતાં કોઈ પણ જાતની મંજૂરી વગર તેમના દ્વારા હે.7-65-51 ચોમી જમીનનો ઉપયોગ કરવામાં આવેલ છે. ટેન્ટસીટી-2 નાં બાંધકામ બાબતે મંજૂર થયેલ બાંધકામનાં નકશા બાબતે તપાસણી ટીમ દ્વારા માગણી કરેલ હોવાં છતાં તેમના તરફથી કોઈ પણ આધાર પૂરાવા રજૂ કરવામાં આવેલ નથી, જેથી મંજૂર થયેલ નકશા મુજબ બાંધકામ થયેલ છે કે કેમ તે બાબત પણ સ્પષ્ટ થતી નથી.

સરદાર સરોવર નર્મદા નિગમની સંપાદિત જમીન પૈકી TCGL દ્વારા મે. પ્રવેગ કોમ્યુનીકેશન્સ લી. સાથે કરાર કરીને ફાળવવામાં આવેલ 5.2 હેક્ટર જમીન પર જ ટેન્ટસીટીનું નિર્માણ કરવાનું હતું, જ્યારે તેમના દ્વારા લીમડી તા.ગરૂડેશ્વરનાં સર્વે નં.60 ની ક્ષેત્રફળ હે. 48-87-86 આરે ચોમી પૈકી હે.1-89-23 ચોમી સરકારી ખરાબાની જમીનમાં પણ દબાણ કરી વાણિજ્ય હેતુસરનો ઉપયોગ કરેલ જણાય છે.જેથી સરકારી ખરાબાની જમીન પર અનધિકૃત કબ્જો કરી કરેલ અનધિકૃત કબજો છોડવા પણ ગરૂડેશ્વર મામલતદાર નોટીસમાં ફટકારી છે.મે. પ્રવેગ કોમ્યુનીકેશન્સ લી. દ્વારા સરદાર સરોવર નર્મદા નિગમની સંપાદિત જમીન પર TCGL દ્વારા થયેલ કરારની શરતોમાં ઉલ્લેખ હોવાં છતાં કોઈ પણ નકશા મંજૂર કરાવ્યા વગર બિનખેતી કૃત્ય કરેલ છે જે અન્વયે પણ દંડનીય કાર્યવાહી કરવાની થાય છે.

વધુમાં, મે. પ્રવેગ કોમ્યુનીકેશન્સ લી. દ્વારા બદઈરાદાપૂર્વક નફાકીય હેતુસર સરકારી ખરાબાની જમીન પચાવી પાડવાના ઉદ્દેશ્યથી કોઈ પણ મંજૂરી વગર સરકારી ખરાબાની જમીન ઉપર અનધિકૃત કબજો કરી, બિનખેતી ઉપયોગનું કૃત્ય કરેલ છે, તે સબબ મે. પ્રવેગ કોમ્યુનીકેશન્સ લી. સામે દંડનીય કાર્યવાહી તથા ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ-2020 હેઠળ ફોજદારી કાર્યવાહી કેમ ન કરવી, તે માટે જરૂરી આધાર પૂરાવા સહિત સ્પષ્ટતા કરવા 07/06/2021 ના રોજ 11-00 કલાકે ગરૂડેશ્વર મામલતદાર સમક્ષ હાજર થવાનું ફરમાન કરાયું છે.

(7:47 pm IST)