Gujarati News

Gujarati News

News of Thursday, 3rd June 2021

કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઇ શાહના હસ્તે VYO દ્વારા ગુજરાતમાં નિર્મિત ૦૯ ઓક્સિજન પ્લાન્ટનું ઇ-લોકાર્પણ કરાયું

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ગાંધીનગરથી જ્યારે સાંસદ - ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા:VYOના સંસ્થાપક વૈષ્ણવાચાર્ય પૂ. શ્રી વ્રજરાજકુમારજી મહારાજની અધ્યક્ષતામાં ઓક્સિજન પ્લાન્ટ લોકાર્પણ કાર્યક્રમ સંપન્ન

અમદાવાદ :વલ્લભ યૂથ ઓર્ગેનાઇઝેશન- VYOના ઉપક્રમે આજે ગુજરાતના વિવિધ શહેરોમાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઇ શાહના હસ્તે નવ ઓક્સિજન પ્લાન્ટનું ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
  આ લોકાર્પણ પ્રસંગે ગાંધીનગરથી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી જ્યારે સાંસદ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા.
  આ સમગ્ર કાર્યક્રમ VYOના સંસ્થાપક વૈષ્ણવાચાર્ય પૂ. શ્રી વ્રજરાજકુમારજી મહારાજની અધ્યક્ષતામાં યોજાયો હતો.
  કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઇ શાહે કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં તેમજ નાગરિકો અને સેવાભાવિ સંસ્થાઓના સહયોગથી આપણે કોરોનાની પ્રથમ લહેરમાં ઓછા સમયમાં બહાર આવ્યા હતા જ્યારે કોરોનાની બીજી લહેર વધુ ઘાતક હોવા છતાં આપણે હવે તેમાંથી ખૂબ જ ઝડપે બહાર આવી રહ્યા છીએ. કોરોનાની પ્રથમ લહેરમાં દેશભરના શ્રમિકોને VYO જેવી હજારો NGOઓએ સેવાના ભાવથી મદદ કરી હતી જે અભિનંદનને પાત્ર છે.
   તેમણે કહ્યું હતું કે, કોરોનાની બીજી લહેરમાં ઓક્સિજનની માંગ ખૂબ વધી ગઈ હતી ઓક્સિજનની માંગ દૈનિક ૮૦૦ મે. ટનથી વધીને ૧૦,૦૦૦ મે. ટન સુધી પહોંચી ગઈ હતી, તેવા સમયમાં કેન્દ્ર અને રાજ્ય સરકારોની સાથે સાથે VYO જેવી સેવા ભાવી સંસ્થાઓ દ્વારા ઓક્સિજન ઉપલબ્ધ કરવાની પહેલ ખૂબ જ સરાહનીય રહી છે. PM કેર ફંડ દ્વારા નવા PSA પ્લાન્ટ શરૂ કરવામાં આવી રહ્યા છે, જેથી ભવિષ્યની ઓક્સિજન માંગ પૂર્ણ કરી શકાય.
તેમણે ઉમેર્યું હતું કે, ભારતમાં અત્યાર સુધીમાં કરોડો નાગરિકોનું વેક્સિનેશન પૂર્ણ થયું છે. ગુજરાતે તમામના સહયોગથી અપેક્ષા મુજબ કોરોના સંક્રમણ ઉપર નિયંત્રણ મેળવ્યું છે અને આગળ પણ આ પ્રકારની કામગીરી કરતું રહેશે તેવી આશા પણ ગૃહમંત્રીએ વ્યક્ત કરી હતી.
   મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું હતું કે, પૂ. શ્રી વ્રજરાજકુમારજીના નેતૃત્વમાં વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન અને તેના લાખો વૈષ્ણવજનો દ્વારા ભારતીય સંસ્કૃતિનું જતન, સમાજ સેવા, માનવ સેવા અને રાષ્ટ્ર સેવાનું ભગીરથ કાર્ય કરવામાં આવી રહ્યું છે. આ સેવા કાર્યને આગળ વધારતા હવામાંથી ઓક્સિજન ઉત્પન્ન કરતાં વધુ નવ PSA ઓક્સિજન પ્લાન્ટનું આજે ગૃહમંત્રી અમિતભાઈ શાહના હસ્તે ઇ-લોકાર્પણ કરાયું છે. કોરોનાની બીજી વેવમાંથી આપણે ઝડપી બહાર આવી રહ્યા છીએ જ્યારે ત્રીજી વેવ સામે મક્કમતાથી લડવા આપણે તૈયાર છીએ.
   તેમણે કહ્યું હતું કે, કોરોનાની બીજી લહેરમાં ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને ગૃહમંત્રી અમિતભાઇ શાહે ઓક્સિજનની ઘટ પડવા દીધી નથી. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ભારતમાં ઉદ્યોગોનો ખૂબ વિકાસ થયો છે ત્યારે ગુજરાતમાં ઉદ્યોગો દ્વારા ખૂબ મોટા જથ્થામાં મેડિકલ ઓક્સિજનનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે એટલે આગામી સમયમાં ગુજરાતમાં ઓક્સિજનની ઘટ પડશે નહીં. કેન્દ્ર સરકાર, ગુજરાત સરકાર, NRI, VYO અને વિવિધ NGO ગુજરાતમાં PSA પ્લાન્ટ સ્થાપી રહ્યા છે ત્યારે PSA દ્વારા મહત્તમ ઓક્સિજન હવામાંથી ઉત્પન્ન કરવાનું લક્ષ્ય છે. જેમાં VYO દ્વારા ૨૯ PSA ઓક્સિજન પ્લાન્ટ લગાવાનું ભગીરથ કાર્ય કરાઇ રહ્યું છે, ઓક્સિજન પૂર્તિમાં VYOનું પ્રદાન મહત્વનું રહેશે તેમ જણાવી મુખ્યમંત્રીએ VYOના પૂજ્ય શ્રી વ્રજરાજકુમારજીનો ગુજરાતની જનતા વતી માનવ સેવા બદલ આભાર માન્યો હતો.
  VYOના સંસ્થાપક - વૈષ્ણવાચાર્ય શ્રી વ્રજરાજકુમારજી મહારાજે આર્શીવચન આપતાં જણાવ્યું હતું કે, VYOના ભારત સહિત વિશ્વભરના વૈષ્ણવજનો કોરોના મહામારી સામે લડવા - માનવજાતને બચાવવા એકજૂથ થયા છે. ગુજરાતમાં જરૂરિયાત મુજબ નવા નવા ઓક્સિજન પ્લાન્ટ લગાવવા દાતાઓ દ્વારા દાનનો પ્રવાહ વહી રહ્યો છે. ભારત અને ગુજરાત સરકારે પણ કોરોનાના કારણે માતા-પિતા ગુમાવનાર બાળકોને આર્થિક અને શૈક્ષણિક સહાય જાહેર કરી છે તે ખૂબ જ અભિનંદનને પાત્ર છે. VYO દ્વારા આવા બાળકોના અભ્યાસ હેતુથી લખવા માટે ફૂલ સ્કેપના ચોપડા વિનામૂલ્યે આપવાની પણ આ પ્રસંગે શ્રી વ્રજરાજકુમારજીએ જાહેરાત કરી હતી.
  અત્રે ઉલ્લેખનીય છે કે, વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન - VYO દ્વારા ગુજરાતના સોલા સિવિલ હોસ્પિટલ (અમદાવાદ), સિંગારવા હોસ્પિટલ (કઠવાડા-દસક્રોઈ), CHC તિલકવાડા, CHC સાગબરા,  CHC ભાણવાડ (દ્વારકા), લાયન્સ જનરલ હોસ્પિટલ (મહેસાણા), સામુહિક આરોગ્ય કેન્દ્ર (કાલાવાડ-જામનગર), એમ. આર. હોસ્પિટલ (લેડીઝ હોસ્પિટલ) (પોરબંદર) અને સામુહિક આરોગ્ય કેન્દ્ર (કપડવંજ) ખાતે ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત કરાયા હતા.
ઇ-લોકાર્પણ પ્રસંગે વિવિધ સ્થળોએ સાંસદઓ, USA - UK સહિત વિશ્વભરમાંથી VYOના અનુયાયીઓ-ભક્તો, દાતાઓ મોટી સંખ્યામાં ઓનલાઇનના માધ્યમથી જોડાયા હતા.

(6:31 pm IST)