Gujarati News

Gujarati News

News of Thursday, 3rd June 2021

જીટીયુ-બીઇ સેમેન્સ્ટર ૮ના વિદ્યાર્થીઓની મોટી રાહતઃ વિદ્યાર્થીઓને સહ અભ્યાસક પ્રવૃત્તિના ૧૦૦ પોઇન્ટ મેળવવા હવે ફરજીયાત નહીં

અમદાવાદ: કોરોનાની અસર શિક્ષણ પર પડી રહી છે. કોરોનાને કારણે ગત્ત વર્ષથી વિદ્યાર્થીઓ ઓનલાઇન જ અભ્યાસ કરી રહ્યા હતા. સ્કુલ લેવલે વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાયું છે. બીજી તરફ યુનિવર્સિટી- કોલેજોમાં પણ ગ્રેજ્યુએશન સુધીના ઇન્ટરમીડિએટ વિદ્યાર્થીઓને પ્રોગ્રેશન આપવાનો નિર્ણય કરાયો છે. જેમાં GTU - BE સેમેસ્ટર 8 ના વિદ્યાર્થીઓને મોટી રાહત આપી છે. જે અનુસાર તેમની વિદ્યાર્થીઓને સહઅભ્યાસક પ્રવૃતિના 100 પોઇન્ટ મેળવવા હવે ફરજિયાત નથી.

ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી દ્વારા બીઇ સેમેસ્ટર 8ના વિદ્યાર્થીઓ માટે મહત્વપુર્ણ નિર્ણય લેવાયો છે. જેમાં GTU એ 100 પોઇન્ટ એક્ટિવિટી માટે વિદ્યાર્થીઓને રાહત આપી છે. હવે સર્ટીફિકેટ ડાઉનલોડ કરવા માટે 100 પોઇન્ટ હોવા ફરજીયાત નહી રહે. કોરોનાને કારણે વિદ્યાર્થીઓને 100 પોઇન્ટ પુરતા મેળવવા માટે મુશ્કેલી પડી રહી હતી. જેથી BE ડીગ્રી માટે વિદ્યાર્થીઓને સહઅભ્યાસક પ્રવૃતિના 100 પોઇન્ટ મેળવવા હવે ફરજિયાત નહી રહે તેવો નિર્ણય લેવાયો છે.

જીટીયુનાં વિદેશમાં અભ્યાસ કરતા ઇચ્છુક વિદ્યાર્થીઓને ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં મદદ મળે તે માટે ઇજનેરી, ફાર્મસી, મેનેજમેન્ટ સહિતના 40 કોર્સના 7 લાખથી વધારે વિદ્યાર્થીના 2011 થી 2020 સુધીના સર્ટિફિકેટ ડીજીલોકર પર મુક્યા છે. જેથી વિદ્યાર્થીઓ વિશ્વના કોઇપણ ખુણેથી ડિગ્રી સર્ટિફિકેટ ડાઉનલોડ કરી શકશે. આ પ્રકારે સર્ટિફિકેટ ડાઉનલોડ કરનારી જીટીયુ દેશની એકમાત્ર યુનિવર્સિટી બની છે. બહોળા પ્રમાણમાં ડેટા અપલોડ કરી દેશની ટોપ 10 યુનિવર્સિટીમાં પણ જીટીયુએ સ્થાન પ્રાપ્ત કર્યુ છે.

(4:40 pm IST)