Gujarati News

Gujarati News

News of Thursday, 3rd June 2021

બેઘર લોકો, ફેરીવાળા, કચરો વીણનારા વગેરેને રેશનકાર્ડ આપવા ગુજરાતમાં અભિયાન ચલાવાશે

રાજકોટ, તા. ૩ :. ભારત સરકારની સૂચના મુજબ રેશનકાર્ડથી વંચિત સૌથી સંવેદનશીલ અને આર્થિક રીતે નબળા વર્ગના તમામ લોકોને રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળનો લાભ આપવા રેશનકાર્ડ આપવાનું અભિયાન શરૂ થનાર હોવાનું જાણવા મળે છે.

ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગે તમામ રાજ્યો - કેન્દ્રશાસિત પ્રદેશોને ૨ જૂન ૨૦૨૧ના રોજ એક સૂચન આપવામાં આવ્યુ હતું કે તેઓ એક ખાસ અભિયાન શરૂ કરે કે જેથી શહેરી તેમજ ગ્રામીણ વિસ્તારોની વસતિના અતિ સંવેદનશીલ અને આર્થિક રીતે નબળા વર્ગની ઓળખ કરે તથા તેમને રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ (એનએફએસએ) રેશનકાર્ડ આપવામાં આવે. આ ખાસ અભિયાનમાં રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ પોતાની એનએફએસએ મર્યાદા હેઠળ બાકીનો અવકાશ પૂર્ણ કરશે.

વિભાગે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સમાજના સંવેદનશીલ અને નબળા વર્ગ સુધી પહોંચવા પગલા લેવા જણાવ્યુ છે. આ કેટેગરીમાં બેઘર લોકો, કચરો ઉપાડનારા, ફેરીવાળા, રિક્ષાચાલકો અને અન્ય લોકો સામેલ છે. રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની જવાબદારી છે કે તેઓ એનએફએસએ હેઠળ લાયક વ્યકિતઓ/ઘરોને રેશનકાર્ડની ઓળખ કરી તેમને રેશનકાર્ડ પ્રદાન કરે.

(4:15 pm IST)