Gujarati News

Gujarati News

News of Thursday, 3rd June 2021

વિદ્યાર્થીઓ અને વાલીઓ અસમંજસમાં

ધો. ૧૦ અને ૧૨નાં વિદ્યાર્થીઓને માસ પ્રમોશન મળ્યું પરંતુ સૌથી મોટો પ્રશ્ન- 'પ્રવેશ કઇ રીતે મળશે?'

માસ પ્રમોશનને કારણે સેલ્ફ ફાઇનાન્સ કોલેજોને આ વર્ષે ભરપૂર વિદ્યાર્થીઓ મળી રહેશે

અમદાવાદ, તા.૩: ધોરણ ૧૦ બાદ ધો.૧૨ની પરીક્ષા પણ ગુજરાત શિક્ષણ બોર્ડે પણ રદ કરી દીધી છે. આ પહેલા સીબીએસઇએ (CBSC) પણ ધોરણ ૧૨દ્ગક પરીક્ષા રદ કરવાનો નિર્ણય કર્યો હતો. જેના કારણે એકબાજુ લોકો કોરોનાકાળમાં સરકારનાં નિર્ણયને ઉત્સાહથી આવકારી રહ્યાં છે તો બીજીબાજુ વાલીઓ અને વિદ્યાર્થીઓને ચિંતા છે કે હવે, આગળ કોલેજોમાં પ્રવેશ શેના આધારે મળશે? ત્યારે ગુજરાત સરકાર હવે આ માટે કેન્દ્ર સરકારની નીતિની રાહમાં છે. જયારે બીજી બાજુ આગામી ૭મી જૂનથી ઓનલાઇન નવું શૈક્ષણિક સત્ર શરૂ થવાની જાહેરાત કરવામાં આવી છે. તો આ વખતે માસ પ્રમોશનને કારણે શાળામાં વર્ગો પણ વધારવા પડે તેવી પરિસ્થિતિનું પણ નિર્માણ થઇ શકે છે.

ધોરણ ૧૦ની પરીક્ષા રદ થઇ પછી આટલા દિવસ પછી પણ આગળ પ્રવેશ માટેની પ્રક્રિયા સ્પષ્ટ થઇ નથી. ત્યારે ધોરણ ૧૨ની પ્રક્રિયા અંગે વાલીઓ અને વિદ્યાર્થીને વધારે મૂંઝવણ છે. આ વર્ષે ધોરણ-૧૨ સાયન્સમાં ૧.૨૮ લાખ વિદ્યાર્થીઓ અને સામાન્ય પ્રવાહમાં ૫.૮૨ લાખ વિદ્યાર્થીઓ હતાં. જે તમામ પ્રમોટ થઇ ગયા છે. ત્યારે શિક્ષણ સંકુલોમાં જોરશોરથી ચર્ચા ચાલી રહી છે કે, ઉચ્ચ શિક્ષણ વિભાગ ૧૨ સાયન્સ પછીના પ્રોફેશનલ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે તેની નિયત પ્રણાલી જાળવી રાખી શકે છે. એટલે તેઓ એન્ટરન્સ ટેસ્ટ આધારિત પ્રવેશ કરશે, જેમાં નીટ, ગુજસેટ કે અન્ય તમામ પરીક્ષા ઓનલાઇન પદ્ઘતિ મારફતે લેવાશે અને તેને આધારે મેરિટ તૈયાર થઇ શકે છે. માસ પ્રમોશનને કારણે સેલ્ફ ફાઇનાન્સ કોલેજોને આ વર્ષે ભરપૂર વિદ્યાર્થીઓ મળી રહેશે. એડમિશનના છેલ્લાં થોડા વર્ષોને ધ્યાનમાં લઇએ તો ચાર વર્ષથી એન્જિનિયરિંગની ૫૫ ટકા જયારે ડેન્ટલ કોલેજોમાં ત્રણ વર્ષથી ૨૦૦ જેટલી બેઠકો ખાલી રહે છે. આ વખતે બેઠકો ખાલી રહેવાનો કોઇ પ્રશ્ન જ નહીં આવે. પરંતુ અહીં પ્રવેશ કઇ રીતે આપવો તે અંગે હાલ કોઇ સ્પષ્ટતા થઇ નથી. અત્યારે જેઈઈ, નીટ, કલેટ સહિતની સ્પર્ધાત્મક પરીક્ષા લેવાશે તેવું સ્પષ્ટ થયું છે.

અમદાવાદની વિજયનગર સ્કૂલનાં પ્રિન્સિપલ, ધવલ પાઠકનાં જણાવ્યાં પ્રમાણે, હજુ સુધી રાજય સરકાર તરફથી પ્રવેશ અંગેની કોઇ ગાઇડલાઇન આવી નથી પરંતુ ધોરણ૧૦માં લેવાયેલી એકમ કસોટી, પ્રથમ કસોટી અને એસાઇમેન્ટનાં ઇન્ટરન્લ માકર્સનાં આધારે આ પ્રવેશ પ્રક્રિયા થઇ શકે તેવી સંભાવના અત્યારે દેખાઇ રહી છે. ધોરણ ૧૦માં તો ગુજરાત બોર્ડની ગાઇડલાઇન પ્રમાણે એસાઇમેન્ટનાં ઇન્ટર્નલ માકર્સ મૂકવાનાં હોય છે જેના આધારે બોર્ડનું પરિણામ જાહેર થાય છે. પરંતુ ધોરણ ૧૨માં એસાઇમેન્ટનાં ઇન્ટરન્લ માકર્સને અત્યાર સુધી મૂકવામાં આવ્યાં નથી. જેથી તેમાં એકમ કસોટી અને પ્રથમ કસોટીનાં માકર્સ ધ્યાને લઇને માર્કશીટ બનાવવામાં આવી શકે છે. આ સાથે ધોરણ ૧૨માં શાળા કક્ષામાં લેવાયેલા એસાઇમેન્ટને પણ ધ્યાને લેવામાં આવી શકે છે.

કોંગ્રેસના પ્રવકતા ડો. મનીષ દોશીએ પણ આ અંગે પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, આ સ્થિતિમાં તેજસ્વી વિદ્યાર્થીઓને સારી કોલેજમાં કે સરકારી બેઠકોમાં પ્રવેશ મેળવવો અઘરો થશે. તે ઉપરાંત આવા પ્રોફેશનલ કોર્સમાં એડમિશન મેળવતાં વિદ્યાર્થીઓની ગુણવત્તા ઘટશે. કારણ કે, આવા કોર્સમાં એડમિશન માટે પ્રવેશ પરિક્ષા ઉપરાંત બોર્ડની પરિક્ષામાં લદ્યુત્તમ ટકાવારીનું ધોરણ જળવાવું જોઇએ. પણ માસ પ્રમોશનમાં આમ નહીં થાય અને તેજસ્વી કે સામાન્ય વિદ્યાર્થીઓ સમાન પાયરીમાં આવી ગયા ગણાશે.

(3:34 pm IST)