Gujarati News

Gujarati News

News of Thursday, 3rd June 2021

સરકાર પાસે રસી નથી

રાજયભરની ખાનગી હોસ્પિ.માં ૧૫૦૦ રૂ.માં માંગો એટલી રસી

સરકારી વ્યવસ્થામાં ૧૮ થી ૪૪ વર્ષના લોકોને રસી માટે સ્લોટ જ નથી મળતા : પાંચ મહાનગરોની ખાનગી હોસ્પિટલોની ખુલ્લી લૂંટઃ એક જ રસીના અલગ-અલગ ભાવ!

અમદાવાદ, તા.૩: રાજયના મહાનગરોમાં ૧૮થી ૪૪ વર્ષના લોકોને રસીના સ્લોટ હજુ નથી મળી રહ્યાં. બીજી તરફ ખાનગી હોસ્પિટલોમાં ચાર્જ ચૂકવવા તૈયાર હો તો રસી માટે જોઈએ તેટલા ઓનલાઈન સ્લોટ મળી રહ્યાં છે. રાજયના પાંચ મહાનગરોમાં ૧પ ખાનગી હોસ્પિટલો જાણે ખુલ્લી લૂંટ ચલાવતી હોય તેમ ૮પ૦થી લઈને ૧પ૦૦ રૂપિયા સુધીનો ચાર્જ વસુલવામાં આવી રહ્યો છે. ત્યારે ખાનગી હોસ્પિટલોના રસીના ભાવનું બાંધણું કરવામાં આવે તેવી પ્રજામાંથી માંગ ઊઠી છે.

૧ મેથી રાજયમાં ૧૮થી ૪૪ વર્ષના લોકોને રસી આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. પરંતુ રસીની સતત અછતના લીધે હજુ પણ લોકોને રસી લેવા માટે ઓનલાઈન સ્લોટનું બુકિંગ થતું નથી. રસીની અછત કયારે દૂર થશે તે હજુ નક્કી નથી ત્યારે ખાનગી હોસ્પિટલો પાસે રસીનો પુરતો સ્ટોક આવી જતાં મનફાવે તેટલા ભાવે રસીનો વેપલો શરૂ કરી દીધો છે.

કોવિન પોર્ટલ પર ખાનગી હોસ્પિટલોમાં રસીના ભાવ અને તેના સ્લોટની ઉપલબ્ધતા દર્શાવાઈ છે. જેમાં અમદાવાદની પાંચ હોસ્પિટલ, ગાંધીનગરની એક હોસ્પિટલ, રાજકોટની એક હોસ્પિટલ, સુરતની બે હોસ્પિટલ અને વડોદરાની બે હોસ્પિટલનો સમાવેશ થાય છે. આ તમામ ખાનગી હોસ્પિટલોમાં કોવિશીલ્ડ રસીનો ચાર્જ ૮પ૦થી ૯પ૦ રૂપિયા સુધીનો દર્શાવાયો છે. જયારે કોવેકિસન રસીનો ચાર્જ ૧,રપ૦થી ૧પ૦૦ રુપિયા સુધીનો દર્શાવાયો છે.

આમ, એક જ કંપનીની રસી હોવા છતાં શહેર અને હોસ્પિટલ મુજબ અલગ-અલગ ચાર્જ વસૂલવામાં આવી રહ્યો છે. વળી, કોવિન પોર્ટલ પર રસી માટેના સ્લોટનું આસાનીથી ઓનલાઈન બુકિંગ થઈ શકે છે. મતલબ કે ખાનગી હોસ્પિટલો પાસે રસીનો જોઈએ તેટલો સ્ટોક ઉપલબ્ધ છે.

નાગરિકોમાં એવી લાગણી જોવા મળી રહી છે કે, કેન્દ્ર સરકારે ખાનગી હોસ્પિટલોને રસી આપવાની પરવાનગી આપી છે. તોતિંગ ચાર્જ વસુલીને નાગરિકોને લૂંટવાની મંજુરી નથી આપી. ખાનગી હોસ્પિટલો શરૂઆતમાં રસીના એક ડોઝના રપ૦ રૂપિયા ચાર્જ લેતી હતી. જે વધારતાં વધારતાં ૧પ૦૦ રૂપિયાએ પહોંચ્યો છે. જો સરકાર ખાનગી હોસ્પિટલો પર રસીના ચાર્જ મામલે નિયંત્રણો નહીં લાદે તો આગામી દિવસોમાં રસીનો ભાવ હજુ વધારતા જશે. ત્યારે રસીનું ભાવબાંધણું થાય તે જરૂરી છે.

(11:53 am IST)