Gujarati News

Gujarati News

News of Thursday, 3rd June 2021

સુરત ટેક્સટાઈલના વેપારક્ષેત્રે સંકળાયેલા તમામ વેપારીઓ, પેઢીઓ અને દુકાનદારોની વિગતો સ્થાનિક પોલીસ સ્ટેશનમાં આપવી પડશે

ટેક્સટાઈલ માર્કેટના વેપારી, દલાલો, દુકાનદારો માટે સુરત પોલીસ કમિશનરનું જાહેરનામુ

સુરત શહેરમાં ટેક્સટાઈલ માર્કેટમાંથી ચોરી, પાર્સલ ચોરી, ટ્રાન્સ્પોર્ટરો દ્વારા વિશ્વાસધાત, છેતરપીડીના બનાવો બને છે. કપડાના વેપારીઓના ઓછાયા તળે કેટલાક ઈસમો ખોટી ઓળખ ધારણ કરી, વેપારીરૂપે ગોઠવાઈ જઈ, વિવર્સ વેપારી એમ્બ્રોઈડરી કે કાપડની મુલ્યવૃધ્ધિના વ્યવસાયકારોનો વિશ્વાસ કેળવી મોટાપાયે કાવતરાઓ રચીને ઠગાઈઓ કરે છે. જેથી કાયદો અને વ્યવસ્થાને ધ્યાને લેતા આ બદીના નિવારણ માટે પોલીસ કમિશનર અજય તોમરે એક જાહેરનામા દ્વારા આ ક્ષેત્રમાં કામ કરતા કારીગરો, મજુર, વેપારીઓ, કાપડના વિવિધ પ્રકારના દલાલો, ટ્રાન્સપોર્ટ વ્યવસાય તેમજ અન્યોના હિતોને ધ્યાને લઈ એક જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે

. જાહેરનામા અનુસાર(1) ટેક્સટાઈલના વેપારક્ષેત્રે સંકળાયેલા તમામ વેપારીઓ વેપારી પેઢીઓ અને દુકાનદારોએ પોતાની વિગત નિયત ફોર્મમાં સ્થાનિક પોલીસ સ્ટેશનના જે તે માર્કેટના એસોસીએશનની કચેરી અને સંબંધિત ટેક્સટાઇલ એસોસિએશન સમક્ષ રજુ કરવાનું રહેશે.

(2) ટેક્સટાઇલ વેપાર ક્ષેત્રે સંકળાયેલ તમામ પ્રકારના દલાલો, દા.ત. ગ્રે કાપડ દલાલ , ફીનીશ કાપડ દલાલ, એમ્બ્રોઇડરી દલાલ, યાર્ન દલાલ વિગેરે અને દુકાન મિલકત ભાડે આપનાર દલાલોએ પોતાની સંપૂર્ણ વિગતો નિયત ફોર્મ સ્વરૂપે સ્થાનિક પોલીસ સ્ટેશન, સબંધિત દલાલ એસોસીએશન અને સંબંધિત ટેક્સટાઇલ એસોસીએશન સમક્ષ રજુ કરવાનું રહેશે દરેક દલાલ માટે પોલીસ દ્વારા વેરીફિકેશન પણ કરવાનું રહેશે.

(3) દુકાન, મિલ્કત ભાડે આપનાર દલાલોએ મિલકતના માલિકી હક્કોની અને માલીકોની ખરાઇ કર્યા બાદ તેમજ તે ભાડે લેવા ઇચ્છતી પેઢી કે વેપારીની વિગતની સંપૂર્ણ ચકાસણી કરી નિયત ફોર્મમાં વિગત ભરી ભાડે લેનારની ઓળખ આપનાર અને સંદર્ભની પરસ્પર ખરાઇ કર્યા બાદ આ ફોર્મની એક નકલ પોતે જાળવવાની રહેશે. તેમજ એક નકલ સ્થાનિક પોલીસ સ્ટેશન, સંબંધિત ટેક્સટાઇલ એસોસીએશન સમક્ષ રજુ કરવાની રહેશે. આ મિલકત ભાડા કરાર ફરજિયાત પણે નોંધાયેલ હોવા જોઇશે, અને ભાડાની ચુકવણી ચેકથી કરવાની રહેશે. ટેક્સટાઈલ વેપાર માટે દુકાન ભાડે લેનાર વેપારીની ઓળખ અને સંદર્ભ બે સ્વતંત્ર અને બે વર્ષ ટેક્સટાઈલ ક્ષેત્ર સાથે સંકળાયેલ વેપારી કે ઉત્પાદક દ્રારા જ આપવાની રહેશે.

(4) દરેક બિલ્ડર કે ડેવલપરે પોતાની માર્કેટ કે બિઝનેસ હાઉસમાંની દૂકાન / ઓફિસ વેચતી વખતે ખરીદનારની ઓળખની ખાત્રી કરવાની રહેશે. તેમજ મિલકત ખરીદનારની સંપુર્ણ વિગત સબંધિત માર્કેટ બિઝનેસ હાઉસની જાળવણી કરતા એસોસીએશન ઉપલબ્ધ કરવાની રહેશે . દરેક માર્કેટ એસોસીએશને તે માર્કેટના બિલ્ડીંગ યુઝ સર્ટીફીકેટ મેળવ્યાની સ્થિતીએ અને તે પછી તેમાં અધિકૃત કે બિનઅધિકૃત ફેરફાર કરી ઉમેરેલી દુકાનો - ઓફીસો માટે તેના માલીક અને ભાડુઆતો સબંધે સંપૂર્ણ રેકર્ડ જાળવવાનું રહેશે. તેમજ વખતો વખત અપડેટ કરવાનું રહેશે.

(5) ટેક્સટાઈલ વ્યાપારક્ષેત્રે કામ કરતી તમામ પેઢીઓએ પોતાના તમામ કર્મચારીઓની વિગત જાળવી દરેક કર્મચારીની બાયોમેટ્રીક વિગત અને ફોટા સાથેનું ઓળખકાર્ડ આપવાનું રહેશે. આ ઓળખકાર્ડમાં સબંધિત કર્મચારીનું બ્લડગૃપ અને પેઢીના જનસંપર્ક વિભાગનો મોબાઈલ નંબર આપેલ હોવો જોઈશે. ઓળખકાર્ડ સબંધિત એકમ / માર્કેટની સલામતી વ્યવસ્થા અને ઉપકરણોને અનુરૂપ રાખવાનું રહેશે. ટેક્સટાઈલના વિવિધક્ષેત્રે કાર્યરત દલાલો માટેનું ઓળખકાર્ડ સબંધિત દલાલ એસોસીએશન તથા સંબંધિત ટેક્સટાઇલ એસોસીએશન દ્વારા પ્રમાણીત કરેલું હોવું જોઈએ. દરેક માર્કેટ એસોસિએશન અને વેપારી ગૃહ કે એક થી વધુ વેપારી પેઢી સમાવિષ્ટ કરતા બિલ્ડીંગની વ્યવસ્થા સંભાળનાર મંડળે તે માર્કેટ / બિલ્ડીંગમાં અને સલામતિ વ્યવસ્થા સંભાળતા કર્મચારીઓ, માર્કેટ જાળવણીનું કામ કરતી એજન્સીના અધિકૃત વ્યકિતઓ તેમજ મજૂર કે હમાલોને ફોટો ઓળખપત્ર જારી કરવાના રહેશે. આ તમામ ઓળખપત્રો અદ્યતન ટેક્નોલોજી યુક્ત સલામતિ વ્યવસ્થા ઉપકરણોને અનૂરૂપ અને ઓળખપત્ર ધારકની બાયોમેટ્રીક વિગત સાથેના રાખવાના રહેશે. આ હુકમ તા.1/6/2021 થી તા.30/07/2021 સુધી અમલમાં રહેશે.

(11:43 pm IST)