Gujarati News

Gujarati News

News of Thursday, 3rd June 2021

કોરોના લોકડાઉનથી કંટાળીને સુરતમાં ઘરેથી 13 વર્ષની સગીરા ભાગી ગઈ :વડોદરા પહોંચી

પોલીસની સતર્કતાને કારણે સગીરાનો ફરી તેના પરિવારના સભ્યો સાથે મેળાપ કરાવાયો: પરિવારના સભ્યો સગીરાને ઘરની બહાર નીકળવા નહિ દેતા આખરે કંટાળીને સગીરા પિતા પાસે કારખાને જવાનું કહીને ઘરેથી નીકળી ગઈ

સુરતમાં માનસિક તણાવમાં ગરકાવ થયેલી એક વિદ્યાર્થિની પોતાના ઘરેથી કંટાળીને ભાગી ગઈ હતી અને ત્યારબાદ તે ટ્રેનમાં બેસીને વડોદરા જતી રહી હતી પરંતુ પોલીસની સતર્કતાને કારણે આ સગીરા ફરી તેના પરિવારના સભ્યો પાસે પહોંચી હતી

રિપોર્ટ અનુસાર સુરતના કાપોદ્રા વિસ્તારમાં રહેતી એક 13 વર્ષની સગીરા કોરોનાના લોકડાઉનથી પોતાના ઘરમાં જ બંધ રહી હતી.પરિવારના સભ્યો આ સગીરાને ઘરની બહાર નીકળવા દેતા ન હતા અને તેથી આખરે કંટાળીને આ સગીરા પિતા પાસે કારખાને જવાનું કહીને ઘરેથી નીકળી ગઈ હતી

13 વર્ષીય સગીરા તેના પિતા પાસે પહોંચી ન હતી અને ઘરે પણ પહોંચી ન હતી. તેથી પરિવારના સભ્ય સગીરાની શોધખોળ કરી હતી પરંતુ સગીરાનો કોઇ અત્તોપત્તો લાગ્યો ન હતો. તેથી પરિવારના સભ્યોએ સમગ્ર મામલે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં બાબતે ફરિયાદ નોંધાવી હતી. સગીરા ગુમ હોવાના કારણે કાપોદ્રા પોલીસ સ્ટેશનની SEE ટીમના ઇન્ચાર્જ PSI એચ.એલ. કડછા અને તેમની ટીમે તપાસ શરૂ કરી હતી અને સ્થાનિક વિસ્તારમાં લાગેલા CCTV કેમેરાના ફુટેજની તપાસ કરી હતી.

પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે, સગીરા સુરત રેલ્વે સ્ટેશન ગઈ છે અને તે રેલવે સ્ટેશનથી સગીરા વડોદરાની ટ્રેનમાં બેસીને વડોદરા પહોંચી છે. તેથી સુરતની કાપોદ્રા પોલીસે તાત્કાલીક અસરથી વડોદરા રેલવે પોલીસ સ્ટેશનને આ બાબતે માહિતી આપવામાં આવી હતી અને સગીરાના ફોટાના આધારે તેની શોધખોળ કરવાનું પણ કહ્યું હતું. તેથી વડોદરા પોલીસે રેલવે સ્ટેશન પર તપાસ કરતાં તેમને સગીરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર નજર પડી હતી. સગીરા વડોદરા રેલવે સ્ટેશન પરથી મળી આવી હોવાના કારણે વડોદરા રેલવે પોલીસે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં આ બાબતે માહિતી આપી હતી.

સગીરા વડોદરામાં હોવાના કારણે કાપોદ્રા પોલીસ તાત્કાલિક અસરથી વડોદરા પહોંચી હતી અને સગીરાને સુરતમાં લાવવામાં આવી હતી. સગીરાની પૂછપરછમાં તેણે જણાવ્યું હતું કે, તે સવા વર્ષથી ઘરે રહીને કંટાળી ગઈ છે કારણ કે, સવા વર્ષમાં સ્કૂલે જવાયુ નથી. ફરવા જવાયુ નથી. ઘરની બહાર રમવા પણ જવાયુ નથી અને તે ઘરમાં કંટાળી ગઈ હતી અને આજ કારણે ઘરની બહાર નીકળી ગઈ હતી.

(11:16 pm IST)