Gujarati News

Gujarati News

News of Monday, 3rd June 2019

અમદાવાદ નરોડાના ભાજપના ધારાસભ્યની દાદાગીરી : મહિલાને લાફા માર્યા ;લાતો મારીને નીચે પછાડી દીધી

ઓફિસે પાણી પ્રશ્ને રજુઆત કરવા ગયેલ મહિલા પર ધારાસભ્ય બલરામ થવાણી ઉશ્કેરાઈ ગયા:વિડિઓ વાયરલ

અમદાવાદના ભાજપના જ એક ધારાસભ્યની દાદાગીરીનો વીડિયો વાયરલ થતા ચકચાર મચી ગઈ છે. અમદાવાદના નરોડાના ધારાસભ્ય બલરામ થાવાણી કોઈ મહિલાને જાહેર રસ્તા પર માર મારતા હોય તેવો વીડિયો વાયરલ થતા, શહેરના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે

   મળતી વિગત મુજબ એક વીડિયો વાયરલ થયો છે, જેમાં નરોડાના ધારાસભ્ય અને એક અન્ય વ્યક્તિ એક મહિલાને જાહેર રોડ પર પગેથી લાતો મારી માર મારી રહ્યા છે. ધારાસભ્ય બલરામ થાવાણીનો આ વીડિયો વાયરલ થતા જ લોકો ધારાસભ્યની દાદાગીરી વિરુદ્ધ ફિટકાર વરસાવી રહ્યા છે.
   ધારાસભ્ય સાથે મીડિયાએ સંપર્ક સાધતા તેમણે જણાવ્યું કે, પહેલા મહિલાએ મારા પર હુમલો કર્યો હતો. મે આવેશમાં આવીને આ રીતનું કૃત્ય કર્યું છે. હું ભૂલ કબુલ કરૂ છું. હું મહિલાની માફી માંગીશ પરંતુ લેખિતમાં માફી નહી માંગુ. હું કોઈ ગુનેગાર નથી. મારા 22 વર્ષના કરિયરમાં મારા પર કોઈ જ આરોપ નથી લાગ્યો.

(11:01 pm IST)