Gujarati News

Gujarati News

News of Thursday, 3rd May 2018

અમદાવાદમાં વ્‍યાજખોરો, બુટલેગરો અને લુખ્ખાગીરી કરનારા તત્વો સામે પોલીસનું ઓપરેશન જુલૂસઃ જાહેરમાં લોકો પાસે માફી મંગાવીને ઉઠક-બેઠકની શિક્ષા

અમદાવાદઃ અમદાવાદમાં પોલીસ દ્વારા વ્યાજખોરો, બુટલેગરો અને લુખ્ખાગીરી કરનારા અસામાજિક તત્વોની શાન ઠેકાણે લાવવા માટે ઓપરેશન જુલૂસ અભિયાન શરૂ કરાયું છે. જેમાં આવા તત્વોનું જાહેરમાં જુલૂસ કાઢીને માફી મંગાવવામાં આવે છે અને ઉઠક-બેઠક પણ કરાવવામાં આવે છે.

લોકો પરથી લુખ્ખાં તત્ત્વોનો ખૌફ દૂર થાય તે માટે પોલીસે તેમનું જુલૂસ કાઢવાનું શરૂ કર્યું છે. પૂર્વ વિસ્તારોમાં પોલીસે ૧૦ કરતાં વધુ કેસમાં લુખ્ખાં તત્ત્વોનું જુલૂસ કાઢીને લોકોની માફી મગાવી છે. પોલીસે શરૂ કરેલાં ઓપરેશન જુલૂસથી ગુંડાગીરી કરતા લોકો દસ વખત વિચાર કરી રહ્યા છે.

શહેરના રામોલ, બાપુનગર, સરદારનગર, ઓઢવ, કૃષ્ણનગર જેવા અનેક વિસ્તારોમાં ગુંડાગીરી અને ગેરકાયદે પ્રવૃત્તિ એટલી હદે વધી ગઇ છે કે સ્થાનિકો ત્રાસી ગયા છે. જો કોઇ વ્યકિત આવાં તત્ત્વો વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા માટે પગલું પણ ભરે તો તેમના પર હુમલો થાય છે અથવા તો જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવે છે. આવા ગુંડારાજને ડામવા માટે પોલીસે ઓપરેશન જુલૂસનો પ્રારંભ કર્યો છે. છેલ્લા ત્રણ મહિનામાં ૨૦ કરતાં વધુ લુખ્ખાં તત્ત્વોનું જુલૂસ કાઢવામાં આવ્યું છે.

બાપુનગરમાં ગત શનિવારના દિવસે તલવારો અને ધોકા લઇને જાહેર રોડ પર આતંક મચાવનાર અલતાફ, યુસુફ, આદિબ અને આરિફનું તેમના વિસ્તારમાં દોરડાંથી બાંધીને પોલીસે જુલૂસ કાઢ્યું હતું. તો બીજી તરફ બાપુનગરમાં ત્રણેક મહિના પહેલાં બાઇક લઇને આવેલા ચાર શખ્સોએ છરીઓ કાઢીને દુકાનો બંધ કરાવી હતી.

જેમાં પોલીસે ચારેય શખ્સોની ધરપકડ કરીને તેમનું સરઘસ કાઢ્યું હતું. જ્યારે બાપુનગરમાં સ્થાનિકો સાથે ખોટી માથાકૂટ કરવાના કિસ્સામાં ત્રણ લોકોની ધરપકડ કરીને તેમને જાહેર રોડ પર ફેરવ્યા હતા. ઓઢવમાં ૨૭ એપ્રિલના રોજ સોનીની ચાલી પાસે આવેલી કિષ્ણા પેલેસ હોટલમાં ગેરકાયદે ચાલતા સેક્સ રેકેટ પર પોલીસે દરોડા પાડ્યા હતા.

સ્થાનિકોની ફરિયાદના આધારે પોલીસે દરોડા પાડીને હોટલના માલિક સમ્રાટસિંહ રાજપૂત, મેનેજર વિક્રમસિંહ રાવ અને ગ્રાહક સુરેશ રાવની ધરપકડ કરીને જાહેરમાં ઊઠક બેઠક કરાવીને જુલૂસ કાઢ્યું હતું.

તો બીજી તરફ રામોલ વિસ્તારમાં બુટલેગર અને લુખ્ખાં તત્ત્વોના આતંકથી સ્થાનિકો પરેશાન હતા. જેમાં તમામ લોકોએ ભેગા મળીને જોઇન્ટ કમિશનર અશોક યાદવને રજૂઆત પણ કરી હતી. આ ઘટનાને પગલે રામોલ પોલીસે અક્ષય પટેલ, નીલેશ વિહોલ અને અજિતસિંહની ધરપકડ કરી હતી અને જ્યાં તેમને ખૌફ હતો તે જગ્યાએ તેમનું જુલૂસ કાઢીને સોસાયટીના રહીશોની માફી મગાવી હતી. પોલીસે કૃષ્ણનગર વિસ્તારમાં દાદાગીરી કરતા ચાર શખ્સોની ધરપકડ કરીને જુલૂસ કાઢ્યું હતું.

ઇસનપુરમાં પણ વ્યાજખોરીનો ધંધો કરતા પિતા પુત્રની ધરપકડ કરીને તેનું સરઘસ કાઢ્યું હતું. સરદારનગરમાં પણ એક દિવ્યાંગ વ્યકિત અનિલ ખૂબાણી પર હુમલો કરીને ખંડણી માગવાના ચકચારી કિસ્સામાં દીપક ઉર્ફે દીપુ જય માતાજી ચેતનાની ધરપકડ કરીને હુમલો કર્યો તે જગ્યાએ તેનું જુલૂસ કાઢ્યું હતું.

નિકોલ વિસ્તારનો દાદો હોવાનું કહીને શ્રમજીવીઓ પાસે ખંડણી ઉધરાવતા ઝેરી બાપુની પણ ધરપકડ કરીને તેનું પણ જુલૂસ કાઢ્યું હતું. આવા અનેક કિસ્સા છે જેમાં લોકો ગુંડાઓથી પરેશાન હોય તેવા કિસ્સાઓમાં પોલીસે લુખ્ખાં તત્ત્વોનું જુલૂસ કાઢ્યું છે.

આ મામલે સેક્ટર ૨ના જોઇન્ટ પોલીસ કમિશનર અશોક યાદવે જણાવ્યું છે કે ગુંડાગીરી, વ્યાજખોરી અને બુટલેગરોને ત્રાસ એટલો વધી ગયો છે કે લોકો તેમના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાંવતાં દસ વખત વિચાર કરે છે જેના કારણે આવાં તત્ત્વોનો ખૌફ ઓછો થાય તે માટે હવે ઓપરેશન જુલૂસ શરૂ કર્યું છે. અત્યાર સુધી ૧૦ કરતાં વધુ કેસમાં પોલીસે આરોપીઓનું જુલૂસ કાઢ્યું છે જેથી લોકો પરથી તેમનો ખૌફ હટી જાય.

(6:48 pm IST)