Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd April 2018

ગરમીનો કેર : સુરેન્દ્રનગરમાં પારો વધીને ૪૧.૧ ડિગ્રી થયો

અમદાવાદમાં મહત્તમ તાપમાન ૩૯.૫ ડિગ્રીઃ વધતી ગરમી વચ્ચે પાણીજન્ય રોગના કેસોમાં તીવ્ર વધારો થયો : અમરેલીમાં પણ મહત્તમ તાપમાન ૪૧ ડિગ્રી થયું

અમદાવાદ,તા. ૩ : અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાનમાં નજીવા ફેરફારની સ્થિતિ જોવા મળી છે. જો કે, ગરમીનો કેર જારી રહ્યો છે. રાજ્યના અનેક ભાગોમાં પારો ૪૦થી ઉપર રહ્યો હતો જ્યારે સુરેન્દ્રનગર અને અમરેલીમાં પારો ૪૧થી પણ ઉપર પહોંચ્યો હતો. આજે અમરેલી અને સુરેન્દ્રનગરમાં મહત્તમ તાપમાન ક્રમશઃ ૪૧ અને ૪૧.૧ ડિગ્રી રહ્યું હતું. બીજી બાજુ વડોદરામાં ૪૦, રાજકોટમાં ૪૦.૫, ભુજમાં ૪૦.૪ અને કંડલા એરપોર્ટ ખાતે ૪૦.૬ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગ તરફથી ઉંચા તાપમાન અથવા તો હિટવેવ માટેની કોઇ ચેતવણી જારી કરવામાં આવી નથી પરંતુ તીવ્ર ગરમી રહેવાના સંકેત દેખાઈ રહ્યા છે. હવામાન વિભાગ તરફથી એમ પણ જણાવવામાં આવ્યું છે કે, આગામી બે દિવસ દરમિયાન ગુજરાતમાં મહત્તમ તાપમાનમાં કોઇ વધારે ફેરફાર થનાર નથી. અમદાવાદ શહેરમાં આજે મહત્તમ તાપમાન સોમવારના દિવસે ૩૯.૬ની સરખામણીમાં ૩૯.૫ ડિગ્રી રહ્યું હતું. એટલે કે, નહિવત ફેરફારની સ્થિતિ જોવા મળી હતી. બીજી બાજુ અમદાવાદમાં લઘુત્તમ તાપમાન ૨૩.૪ ડિગ્રી રહ્યું હતું. સૌરાષ્ટ્ર અને કચ્છના વિવિધ ભાગોમાં પણ તીવ્ર ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. સુરેન્દ્રનગરમાં સૌથી વધુ ગરમીનો અનુભવ આજે થયો હતો. બીજી બાજુ વધતી ગરમી વચ્ચે  સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગના કેસો નોંધાઈ રહ્યા છે.ગરમીના પ્રમાણમાં વધારો થતાં પાણીજન્ય રોગોના કેસમાં ઝડપથી વધારો થઇ રહ્યો છે. પાણીજન્ય રોગના કેસોની વાત કરવામાં આવે તો માત્ર ૩૧ દિવસના ગાળામાં જ માર્ચ મહિનામાં ઝાડા ઉલ્ટીના ૭૨૭, કમળાના ૧૯૬, ટાઇફોઇડના ૨૭૯ કેસ સપાટી ઉપર આવ્યા છે. જ્યારે માર્ચ ૨૦૧૭માં ઝાડા ઉલ્ટીના ૬૧૬ કેસ નોંધાયા હતા. મચ્છરજન્ય કેસોની વાત કરવામાં આવે તો માર્ચ મહિનાના ૩૧ દિવસના ગાળામાં જ સાદા મેલેરિયાના ૯૯ કેસ આ મહિનામાં સપાટી ઉપર આવ્યા છે. ઝેરી મેલેરિયાના ૯ કેસો નોંધાયા છે.  ગરમીના લીધે જનજીવન પણ ખોરવાઈ ગયું છે. લોકો બપોરના ગાળામાં ઘરમાં રહેવાનું પસંદ કરી રહ્યા છે. દિવસ દરમિયાન ગરમ પવનો ફુંકાઈ રહ્યા છે. અલબત્ત સાંજે આંશિક રાહત જોવા મળી રહી છે.પવનોની ગતિ અને પદ્ધતિ બદલાઈ રહી છે. જો કે, આઈએમડી દ્વારા સૌરાષ્ટ્ર અને કચ્છના જુદા જુદા ભાગો માટે ઉંચા તાપમાનની પણ વાત કરવામાં આવી છે. ગુજરાતના ઘણા ભાગોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતા ઉંચુ રહ્યું છે. કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં વધતી જતી ગરમીની સ્થિતિને ધ્યાનમાં લઇને પ્રાણીઓ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. ખાસ કરીને મોટા પ્રાણીઓ માટે વિશેષ જોગવાઈ થઇ રહી છે. સૌથી ગરમ વિસ્તારોની વાત કરવામાં આવે તો અમરેલી, રાજકોટ સુરેન્દ્રનગર, કંડલા એરપોર્ટ અને ઇડરનો સમાવેશ થાય છે. વધતી ગરમી વચ્ચે જુદા જુદા ઇન્ફેક્શનના કેસોમાં વધારો થયો છે. ખાસ કરીને પેટમાં દુખાવાની ફરિયાદો વધી છે. જાણકાર લોકોના કહેવા મુજબ વધતી ગરમી વચ્ચે ભોજન વહેલીતકે ખરાબ થવાની સ્થિતિમાં હાલ ગરમ અને શુદ્ધ ભોજનનો ઉપયોગ કરવાની જરૂર દેખાઈ રહી છે.

(9:47 pm IST)