Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd April 2018

મગફળી પેટે રાજ્યના ખેડૂતો માટે કુલ ૬૨૮ કરોડની ગ્રાંટ

કેન્દ્ર સરકારનો ગુજરાતના ખેડૂતોના હિતમાં નિર્ણયઃ આગામી દિવસોમાં ૯૦ હજાર મેટ્રિક ટન રાયડો તેમજ ૮૦ હજાર મેટ્રિક ટન ચણાની ખરીદી કરવા માટે તૈયારી

અમદાવાદ, તા. ૩ : કેન્દ્ર સરકારે ગુજરાતના મગફળી પકવતા ખેડૂતો માટે કુલ રૂપિયા ૬૨૮ કરોડની ગ્રાન્ટ આજે છુટી કરી છે. ગુજરાતના ૨૫૪ જેટલા કેન્દ્રો પર જે ખેડૂતોએ પોતાની મગફળીનું વેચાણ કર્યું હતું તેવા ખેડૂતોના બેંક ખાતામાં આ રકમ આગામી બેથી ત્રણ દિવસમાં જમા થઇ જશે. આ ઉપરાંત કેન્દ્ર સરકારે ૯૦ હજાર મેટ્રીક ટન રાયડો અને ૮૦ હજાર મેટ્રિક ટન ચણાની ખરીદી માટે પણ મંજુરી આપી છે. આગામી ટૂંક સમયમાં આ ખરીદી પણ રાજ્યમાં શરૂ કરવામાં આવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને કૃષિ મંત્રી આરસી ફળદુએ ભારત સરકારે ગુજરાતના ૧૮ હજાર ગામોના ધરતીપુત્રોને આર્થિક ધસારો ન પડે અને મગફળી ઓછા ભાવે વેચવી ન પડે તેમજ રાયડો અને ચણાની ખરીદી માટેના આ કિસાન હિતકારી નિર્ણય અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.  કેન્દ્ર સરકારે ખેડૂતોને તમામ પ્રકારની મદદ કરવાની ખાતરી આપી છે. કેન્દ્ર સરકારે મગફળી પકવતા ખેડૂતો માટે ગ્રાન્ટ છુટી કરતા મોટી સંખ્યામાં ખેડૂતોને સીધો ફાયદો થનાર છે. ખેડૂતોના બેંક ખાતામાં રકમ ટૂંક સમયમાં જ પહોંચી જશે તેવી વાત પણ કરવામાં આવી છે. ઓછી કિંમતે ખેડૂતોને પોતાની પેદાશો વેચવી ન પડે તે દિશામાં પણ પહેલ થઇ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર ગુજરાત સરકાર અને ખેડૂતો દ્વારા પણ માનવામાં આવી રહ્યો છે કેન્દ્ર સરકાર તરફથી ગ્રાન્ટ છુટી કરવાના સંદર્ભમાં આજે માહિતી રાજ્ય સરકાર તરફથી આપવામાં આવી હતી. ખેડૂતોના હિતમાં આ મોટો નિર્ણય કરાયો છે.

(10:48 pm IST)