Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd April 2018

સુરેશની સોપારી આપનારા સુત્રધારનો વિડિયો વાયરલ

વિડિયો વાયરલ થતાં ભારે સનસનાટી ફેલાઈ : આરોપી રાજ શેખવા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા સાથે વીડિયોમાં : રાજકીય વગના કારણે ધરપકડ ન થઇ

અમદાવાદ,તા. ૩ : શહેરના વાસણા વિસ્તારમાં લાવણ્ય સોસાયટીમાં આવેલા મહાદેવના મંદિરમાં જ ધોળાદહાડે ટ્રાન્સપોર્ટના વેપારી સુરેશ શાહની ગયા મહિને પોઇન્ટ બ્લેન્ક રેન્જથી ગોળી મારી હત્યા કરવાના ચકચારભર્યા કેસમાં મુખ્ય સૂત્રધાર આરોપી રાજ શેખવાનો પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા સાથેનો એક વીડિયો વાયરલ થતાં ભારે રાજકારણ ગરમાયું છે અને આરોપી રાજ શેખવાની રાજકારણીઓ સાથેની વગના કારણે હજુ સુધી પોલીસ તેના સુધી પહોંચી શકી નથી તે સહિતના અનેક તર્ક વિતર્કો અને ચર્ચાએ ભારે જોર પકડયું છે. ટ્રાન્સપોર્ટના વેપારી સુરેશ શાહની હત્યાના ચકચારભર્યા કેસમાં શહેર ક્રાઈમ બ્રાન્ચે રેકી કરનારા એલમખાન મુરીદખાન જતમલેક અને રફિક અબ્દુલભાઈ સુમરા બે આરોપીઓની ધરપકડ કરી હતી. આરોપીઓની પૂછપરછમાં ક્રાઈમ બ્રાન્ચે સુરેશ શાહની હત્યા માટે ૫૦ લાખ રૂપિયાની સોપારી અપાઇ ેહોવાનો પણ ઘટસ્ફોટ કર્યો હતો. આ સોપારી અમરેલીના કુખ્યાત બિલ્ડર રાજ શેખવાએ આપી હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. આરોપી રાજ શેખવાના રાજકીય સબંધો હોવાની વાત પણ બહાર આવી છે. સોશ્યલ મીડિયામાં વાયરલ થઇ રહેલા એક વીડિયોમાં શેખવા લોક ડાયરાના એક કાર્યક્રમમાં ભાજપના ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ સાથે રુપિયાની નોટો ઉછાળતો જોવા મળે છે. આ વિડીયો વાયરલ થયા બાદ હજુ સુધી આરોપી રાજ શેખવાની ધરપકડ નહી થવા પાછળ અનેક તર્ક વિતર્કો  અને અટકળો ચાલી રહ્યા છે. વાયરલ થયેલા આ વીડિયોમાં આરોપી રાજ શેખવા અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા એક સ્ટેજ પર ઉભા રહી કિર્તીદાન ગઢવી પર નોટો ઉછાળતા જોવા છે. હવે આ વિડીયો ક્યા અને કયા સંજોગોમાં લેવાયો હતો તે મુદ્દે પણ અનેક પ્રશ્નાર્થ સર્જાયો છે. ઉલ્લેખનીય છે કે, મૃતક સુરેશ શાહ કોંગ્રેસના શહેર પ્રમુખ પદે પણ રહી ચૂક્યા હતા. ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૦૯માં સુરેશ શાહે શૂટર શબ્બીર મેડમને સોપારી આપી રાજ શેખવા પર પાલડીમાં ગોળીબાર કરાવ્યો હતો. જેનો રાજ શેખવાએ ૯ વર્ષ બાદ રૂ.૫૦ લાખની સોપારી આપી બદલો લીધો હતો. ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએ ચોક્કસ બાતમીના આધારે વેજલપુર એ.પી.એમ.સી. માર્કેટ પાસેથી એલમખાન મુરીદખાન જતમલેક (રહે. જેજરી મસ્જિદની પાછળ, પાટડી) અને રફિક અબ્દુલભાઈ સુમરા (રહે. રોનક પાર્ક, સોસાયટી, વેજલપુર, મૂળ પાટડી, સુરેન્દ્રનગર)ને ઝડપી લીધા હતાં. આકરી પૂછપરછમાં આરોપી એલમખાને કબૂલાત કરી હતી કે, રાજ શેખવા તેનો મિત્ર છે અને એક દિવસ રાજ શેખવાએ અગાઉની અદાવતમાં સુરેશ શાહની હત્યા કરવા માટે તેને વાત કરી ૫૦ લાખ રૂપિયા આપવાનું નક્કી કર્યું હતું. એલમે હત્યાનો કોન્ટ્રાક્ટ લીધા બાદ હત્યાના ૨૫ દિવસ પહેલા પાડોશના ગામમાં રહેતા પરિચીત રફિક સુમરાને ઘરે બોલાવ્યો હતો. આ સમયે રાજ શેખવા પણ એલમના ઘરે હાજર હતો અને તેણે સુરેશ શાહનો ફોટો પોતાના મોબાઈલમાં બતાવ્યો હતો. રાજ શેખવાએ આ દિવસે રફિકને અમદાવાદ આવવા જવા માટે પહેલીવાર ૩૦ હજાર રૂપિયા પણ આપ્યા હતા. આ દિવસે રાજ શેખવા એલમ અને રફિકને પોતાની કારમાં લઈ અમદાવાદ આવ્યો હતો અને સુરેશ શાહનું ઘર, ઓફિસ સહિતની જગ્યાઓ બતાવી ગયો હતો. ત્યાર બાદ રેકી શરૂ થતા રાજ શેખવાએ એલમ અને રફિકને એડવાન્સમાં ૧૫ લાખ રૂપિયા અને બે તમંચા તથા બે પિસ્ટલ પણ આપી હતી.

(8:23 pm IST)