Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd April 2018

અંગારકી ચોથ પ્રસંગે ગણેશ મંદિરોમાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા

મંદિરો ઓમ ગં ગણપતયે નમઃ ના નાદથી ગુંજી ઉઠયા : અમદાવાદ અને રાજ્યના તમામ ગણપતિ મંદિરોમાં દર્શન કરવા ભક્તોની લાંબી લાઈનો : સવારથી જ ભીડ જામી

અમદાવાદ,તા. ૩ : આજે મંગળવાર અને ચોથ હોઇ અંગારકી ચોથનો અનોખો સંયોગ સર્જાયો હતો, અંગારકી ચોથનું સવિશેષ મહત્વ હોઇ આજે વિધ્નહર્તા દેવ ગણેશજીના દર્શન, પૂજા-ભકિત અને આરાધના માટે શહેર સહિત રાજયભરના ગણેશમંદિરોમાં શ્રધ્ધાળુ ભકતોએ રીતસરની પડાપડી કરી હતી. શહેરના લાલદરવાજાના સિધ્ધિવિનાયક,  ગણપતિપુરાના સુપ્રસિધ્ધ ગણપતિમંદિર, મહેમદાવાદના સિધ્ધિવિનાયક સહિતના મંદિરોમાં ભકતોની લાંબી લાઇનો લાગી હતી, ગણેશમંદિરોમાં અંગારકી ચોથને લઇ આજે ગણેશભકતોનું જાણે ઘોડાપૂર ઉમટયું હતું. રાજયભરના ગણેશમંદિરો ભકતોના ઓમ ગં ગણપતયે નમઃ ના નાદથી ગુંજી ઉઠયા હતા. આજે અંગારકી ચોથ એટલે કે, સંકટ ચતુર્થી અને મંગળવારનો અનોખો સંયોગ બનતાં વહેલી સવારથી જ ગણેશભકતોમાં ભારે ઉત્સાહ અને ભકિતનો માહોલ જોવા મળતો હતો. વહેલી સવારથી જ ગણપતિ દાદાના શહેર સહિત રાજયભરના વિવિધ મંદિરોમાં ભકતોની ભારે ભીડ અને લાંબી લાઇનો લાગી હતી. અંગારકી ચોથના ગણપતિ દાદાના દર્શન અને પૂજાનું અનન્ય મહાત્મ્ય હોઇ આ દિવસે ગણેશભકતોની ભારે ભીડ જામતી હોય છે. અંગારકી ચોથના દિવસે કરેલી ગણપતિ પૂજા અનેકગણું ફળ આપતી હોઇ ગણેશભકતોમાં તેના દર્શન અને પૂજાનો વિશેષ મહિમા રહેલો છે. આજે શહેરના લાલદરવાજા ખાતેના સિધ્ધિ વિનાયક મંદિર, ધોળકા તાલુકાના કોઠ ગામે ગણપતિપુરા ખાતેના સુપ્રસિધ્ધ ગણપતિ મંદિર, મહેમદાવાદના સિધ્ધિવિનાયક, વસ્ત્રાપુરના ગણપતિ મંદિર, શાહીબાગના ગણેશ મંદિર સહિત રાજયભરના ગણપતિ દાદાના મંદિરોમાં વહેલી સવારથી જ ભકતો દાદાના દર્શન અને પૂજા માટે ઉમટયા હતા. ગણપતિ દાદાને આજે અંગારકી ચોથ-સંકટ ચતુર્થીને લઇ વિશેષ સાજ-શણગાર કરવામાં આવ્યા હતા. ધોળકાના તાલુકાના કોઠ ગામે સ્થિત ગણપતિ મંદિર ખાતે તો અંગારકી ચોથને લઇ અઢીથી ત્રણ લાખ શ્રધ્ધાળુ ભકતો વહેલી સવારે ચાર વાગ્યાથી ઉમટયા હતા અને મોડી સાંજ સુધી ભકતોએ લાંબી લાઇનોમાં કલાકો સુધી ઉભા રહી દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. કોઠ ગણપતિ મંદિરના ટ્રસ્ટી અને પૂજારી કૈલાશગીરી ગોસ્વામી અને મનોજભાઇએ જણાવ્યું હતું કે, અંગારકી ચોથનું શાસ્ત્રોકત દ્રષ્ટિએ પણ અનન્ય મહાત્મ્ય છે કારણ કે, અંગારકી ચોથ કે જેને સંકટ ચતુર્થી પણ કહેવાય છે, તે આખા વર્ષમાં એક કે બે જ વખત આવતી હોય છે. અંગારકી ચોથના દિવસે ગણેશભકતો યથાશકિત દાદાનું પૂજન અને ઉપવાસ કરી ભકિત કરવામાં આવે તો એકવીસ ગણેશ ચોથનું પુણ્ય ફળ આ માત્ર એક અંગારકી ચોથના પૂજનથી જ પ્રાપ્ત થઇ જાય છે, તેથી તેનું સવિશેષ મહત્વ છે. અંગારકી ચોથનો એટલે જ ગણેશભકતોમાં ઘણો મહિમા પ્રવર્તી રહ્યો છે. આજે અઢીથી ત્રણ લાખ ભકતો દાદાના દર્શન માટે ઉમટયા હતા. શ્રધ્ધાળુ ભકતોની દાદાના પ્રત્યેની આસ્થા એટલી બધી છે કે, ભકતોએ બેથી ત્રણ કલાકો સુધી લાઇનમાં ઉભા રહીને પણ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

આજે અંગારકી ચોથને લઇ ગણપતિ દાદાને ઉપવાસનો મૌરેયો-કઢીનો ફરાળી પ્રસાદ ધરાવવામાં આવ્યો હતો, શ્રધ્ધાળુ ભકતો દ્વારા દાદાને બુંદી, મોતીચુરમા અને ગોળના લાડુ ધરાવવામાં આવ્યા હતા. આ મંદિરની ગણપતિદાદાની મૂર્તિ સ્વયંભુ હોઇ તેનો મહિમા અને ચમત્કાર ઘણો છે. દર વર્ષે લાખો શ્રધ્ધાળુ ભકતો દેશના ખૂણેખૂણેથી અહીં દર્શન માટે આવતા હોય છે. અંગારકી ચોથને લઇ આજે શહેર રાજયભરના ગણેશમંદિરોમાં ભકતોએ મોડી સાંજ સુધી દાદાના દર્શન માટે ભારે પડાપડી કરી હતી.

(7:35 pm IST)