Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd April 2018

રાજ્યમાં ઇ-વે બિલના અમલના ત્રણ દિવસમાં ૪૭ હજારથી વધુ બિલ જનરેટ થયા

અમદાવાદઃ એપ્રિલથી ગુજરાત સહિત સમગ્ર દેશમાં ઇ-વે બિલનો અમલ થયો છે. શરૂઆતમાં ટેક્િનકલ કારણસર વેપારીઓને બિલ જનરેટ કરવામાં મુશ્કેલી અનુભવવી પડતી હતી, પરંતુ હવે સરળતાથી બિલ જનરેટ કરી શકાતા હોવાથી વેપારીઓને હવે રાહત થઇ છે.

ડિપાર્ટમેન્ટના સૂત્રો પાસેથી પ્રાપ્ત થયેલી માહિતી મુજબ ઇ-વે બિલ અમલમાં આવ્યા બાદ ૪૭ હજારથી વધુ બિલ જનરેટ થયાં છે. દરમિયાન પ્રાપ્ત થતી માહિતી મુજબ ગઇ કાલે સાંજ સુધીમાં એક અંદાજ મુજબ ત્રણ લાખથી વધુ ઇ-વે બિલ જનરેટ કરાયાં છે. ઉલ્લેખનીય છે કે એનઆઇસીની બિલ જનરેટ કરવાની ક્ષમતા દૈનિક ૭૫ લાખની છે.

દરમિયાન અત્યાર સુધી દેશમાં માત્ર ૧૧ લાખ કારોબારીઓએ જ ઇ-વે બિલ અંતર્ગત રજિસ્ટ્રેશન કરાવ્યું છે, જેના કારણે જીએસટી કાઉન્સિલની ચિંતા વધી છે. રાજ્યના કોમર્શિયલ ટેક્સ ડિપાર્ટમેન્ટના ઉચ્ચ અધિકારીના જણાવ્યા પ્રમાણે ફેબ્રુઆરીમાં અગાઉ ઇ-વે બિલના અમલ અંગે નિર્ણય લેવાયો હતો, પરંતુ બિલ ઈશ્યૂ થવામાં મુશ્કેલીના કારણે ફરજિયાત અમલવારીનો નિર્ણય મોકૂફ રાખ્યો હતો.

ફેબ્રુઆરી અને માર્ચમાં પણ સ્વૈચ્છિક રીતે રાજ્યમાં રોજના ૪૦થી ૪૫ હજાર ઇ-વે બિલ ઈશ્યૂ થતાં હતાં. હવે જ્યારે અમલવારી ફરજિયાત બનાવવામાં આવી છે ત્યારે રોજના ૪૭ હજાર કરતાં પણ વધુ બિલ જનરેટ થઇ રહ્યાં છે. આ અંગે કોમર્શિયલ ટેક્સ ડિપાર્ટમેન્ટના કમિશનર પી.ડી. વાઘેલાના જણાવ્યા પ્રમાણે ઇ-વે બિલના અમલ પૂર્વે પણ રાજ્યમાં સ્વૈચ્છિક રીતે ૪૦થી ૪૫ હજાર બિલ ઈશ્યૂ થતાં હતાં. અમલવારી બાદ તેમાં વધારો નોંધાતો જોવા મળી રહ્યો છે. રોજના ૪૭ હજારથી પણ વધુ બિલ જનરેટ થઇ રહ્યાં છે.

(5:28 pm IST)