Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd April 2018

અમદાવાદમાં ખાડાખબડાવાળા રસ્‍તા અને ટ્રાફિક અવ્‍યવસ્‍થાથી હાઇકોર્ટ ખફાઃ મ્‍યુ. કમિશનરને કોર્ટમાં હાજર થવા આદેશ

અમદાવાદઃ કોર્પોરેશન દ્વારા ટ્રાફિક અવ્‍યવસ્‍થા અને રસ્‍તામાં ખાડાખબડાથી નારાજ હાઇકોર્ટે કમિશનરને કોર્ટમાં હાજર થવા ફરમાન કરતા ખળભળાટ મચી ગયો છે.

જસ્ટિસ એમ.આર. શાહની આગેવાનીમાં હાઈકોર્ટની ડિવિઝન બેંચ દ્વારા શહેરના ખરાબ રોડ રસ્તા અંગે કરવામાં આવેલ PILની સુનાવણી દરમિયાન આદેશ કર્યો છે કે કેસના આગામી સુનાવણી દરમિયાન તારીખ 11 એપ્રિલના રોજ મ્યુનિસિપલ કમિશનરે કોર્ટમાં હાજર રહેવું. ઉલ્લેખનીય છે કે આ કેસમાં આ પહેલા પણ કમિશનરને હાજર રાખવામાં આવ્યા હતા.

હાઈકોર્ટે શહેરના રસ્તાઓની ક્વોલિટી અંગે નારાજગી વ્યક્ત કરી હતી. સુનાવણી દરમિયાન જજીસે કહ્યું કે, રસ્તાઓને રીસરફેસિંગ કરવા માટે ડામરની જગ્યાએ માટીના ઢગલા કરવામાં આવે છે. અનેકવાર આ રસ્તાઓ તૂટી ગયા હોવા છતા પણ હજુ નીચી ગુણવત્તાના કામથી હાઈકોર્ટ આશ્ચર્ય સાથે નારાજગી વ્યક્ત કરી હતી.

ઉપરાંત હાઈકોર્ટે કહ્યું કે, ‘ઓથોરિટીઝ શહેરના ટ્રાફિકનું સુચારુ નિયમન કરવામાં પૂર્ણરુપે નિષ્ફળ નીવડી છે. જજીસે કહ્યું કે, અનેક જગ્યાએ ફક્ત નો પાર્કિંગના બોર્ડ મુકી દેવીથી સમસ્યા હલ નથી થઈ જતી. શહેરમાં જ્યાં પણ જાવ ત્યાં આડેધડ વાહનોનું પાર્કિંગ જોઈ શકાય છે. શહેરના રસ્તાઓ પર 70% ભાગ તો ફક્ત પાર્કિંગ માટે યુઝ થાય છે. ત્યારે લોકો કઈ રીતે ડ્રાઇવિંગ કરી શકે.

આ સાથે જ કોર્ટે નોંધ્યું કે, ‘શહેરના ઘણાખરા રોડ પર સ્ટોલ લાગ્યા હોય છે.આ સાથે જ ઓથોરિટીઝ પાસેથી ટ્રાફિક નિયમન માટે શું પ્લાન બનાવવામાં આવશે અને કઈ રીતે તેનો અમલ થશે તેની તમામ વિગત માગવામાં આવી છે.

કોર્ટે AMCને આ બધા માટે ઝપાટે લેતા કહ્યું કે, ‘જ્યારે કોર્ટમાં વાત કરવાની હોય ત્યારે જ કોર્પોરેશન ગંભરીતા ધારણ કરે છે.કોર્ટે રોડ રસ્તા અને ટ્રાફિક માટે સર્વે કરી બંને સમસ્યાના ઉકેલ માટે શું કરવામાં આવશે તેનો રિપોર્ટ આપવા કહ્યું છે.

ટ્રાફિક ડિપાર્ટમેન્ટ દ્વારા જણાવવામાં આવ્યું કે ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન માટે નિયત કરેલ દંડ ખૂબ જ થોડો છે જેન કારણે લોકો તેને ગંભીરતાથી લેતા નથી. જે માટે વિભાગ હવે દંડની રકમ વધારવા અંગે વિચારી રહ્યો છે.

(5:31 pm IST)