Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd April 2018

મકાન ખાલી કરાવવા જેવી બાબતે પેટલાદમાં બે ભાઈઓ બાખડ્યા

પેટલાદ:શહેરના મલાવ ભાગોળ ખાતે મકાન ખાલી કરાવવા બાબતે બે મોટાભાઈઓ અને તેમના પુત્રો દ્વારા તકરાર કરીને ગડદાપાટુનો માર મારીને આંખ ઉપર ઈંટનો ટુકડો મારી આંખ ફોડી નાંખતા આ અંગે પેટલાદ શહેર પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર પેટલાદ શહેરના મલાવ ભાગોળ ખાતે રહેતા આસીકહુસેન યાવરહુસેન સૈયદ ગઈકાલે સાંજના સાડા પાંચેક વાગ્યાના સુમારે દરગાહ પરથી ઘરે આવતાં મોટાભાઈ ગુલામહુસેન, અહેમદહુસેન તથા તેમના પુત્રો અબ્દુલહુસેન અહેમદહુસેન અને મહંદમહુસેન ગુલામહુસેન દ્વારા તુ મકાન ખાલી કરીને બીજે જતો રહે તેમ જણાવ્યું હતુ. જેથી આસીકહુસેને હું બાને રાખુ છુ, તેમને લઈને ક્યાં જાવ, જેથી ગુલામહુસેને કહ્યું હતુ કે, તું જ્યાં જાય ત્યાં, તારે ઘર ખાલી કરવું પડશે તેમ જણાવીને ચારેય જણાએ ગડદાપાટુનો માર માર્યો હતો. ત્યારબાદ ભત્રીજા મહંમદહુસેને ઈંટનો ટુકડો લઈને ડાબી આંખ ઉપર મારી દેતાં પડદો ચીરાઈને લોહી નીકળવા માંડ્યું હતુ જેથી તેમને તુંરત જ સારવાર માટે દવાખાને લઈ જવામાં આવ્યા હતા.

(5:13 pm IST)