Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd April 2018

ગાંધીનગર સે-22માં ગેરકાયદે બાંધકામથી એપાર્ટમેન્ટના લોકોએ વિરોધ દાખવ્યો

ગાંધીનગર:શહેરમાં ગેરકાયદે બાંધકામોનો મુદ્દો સમવાનું નામ લેતો નથી ત્યારે નવા ગેરકાયદે બાંધકામો પણ થઈ રહયા છે. શહેરના સે-રરમાં આવેલી આનંદવાટિકામાં આવેલા મનન એપાર્ટમેન્ટના ભોંયતળીયે પાર્કિંગની જગ્યામાં થઈ રહેલા બાંધકામનો વસાહતીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. આ એપાર્ટમેન્ટને ૧૪ વર્ષ પહેલા આપવામાં આવેલી બાંધકામ પરવાનગી અંતર્ગત નીચેની જગ્યામાં પાર્કિંગની જગ્યા બતાવવામાં આવી હતી ત્યારે હવે આ બાંધકામ સંદર્ભે કોર્પોરેશન દ્વારા મંજૂરી આપવામાં આવી હોવાનું પણ જાણવા મળતાં વસાહતીઓનો રોષ વધુ ભભુકી ઉઠયો છે.  
રાજ્યના પાટનગર ગાંધીનગર શહેરમાં ગેરકાયદે બાંધકામોનો મુદ્દો ખુબજ જટિલ બન્યો છે. જીડીસીઆરના નિયમોનું ઉલ્લંઘન કરીને વધુ માળ બાંધવા તેમજ પાર્કિંગની જગ્યા નહીં રાખી અને પ્લાનમાં બતાવેલી જગ્યા કરતાં વધુ જગ્યામાં બાંધકામ કરવાના કિસ્સાઓ બની રહયા છે તેની સામે કોર્પોરેશન તંત્ર દ્વારા કોઈ કડક પગલાં ભરવામાં આવતા નથી ત્યારે શહેરના સે-રરમાં આવેલી આનંદવાટીકા વસાહતમાં મનન એપાર્ટમેન્ટ પ્લોટ નં.૧૮૩માં આવેલું છે. જેને વર્ષ ર૦૦૪માં ગુડા દ્વારા મંજૂરી આપવામાં આવી હતી.
જેમાં ભોંયતળીયે પાર્કિંગની જગ્યા રાખવામાં આવી હતી. જો કે હવે ૧૪ વર્ષ બાદ આ પાર્કિંગની જગ્યામાં બિલ્ડર દ્વારા બાંધકામ કરવામાં આવી રહયું છે જેને લઈ આ એપાર્ટમેન્ટમાં રહેતાં વસાહતીઓમાં રોષ ભભુકયો છે. કોર્પોરેશન દ્વારા આ પ્લાનને રીવાઈઝ કરીને મંજુરી આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. જેને લઈ વસાહતીઓએ કોર્પોરેશનની ટાઉન પ્લાનીંગ શાખા સામે પણ શંકાઓ સેવી છે અને મોટા વહીવટના કારણે આ મંજૂરી મળ્યાનું જણાવી રહયા છે ત્યારે તાત્કાલિક અસરથી આ બાંધકામ નહીં અટકાવવામાં આવે તો વસાહતીઓ દ્વારા આંદોલન કરવામાં આવશે તેવી ચિમકી પણ ઉચ્ચારવામાં આવી રહી છે.

(5:12 pm IST)