Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd April 2018

વડોદરામાં ગ્રાહકોના 5.79 લાખની ઉચાપત કરી કંપનીનો કર્મચારી રફુચક્કર

વડોદરા:શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલા વોડાફોન કંપનીના સ્ટોરમાં કેશિયર તરીકે ફરજ બજાવતો કર્મચારી ગ્રાહકોએ જમા કરાવેલા ૫.૭૯ લાખથી વધુની ઉચાપત કરી ફરાર થયો હતો. આ ઉચાપત બાદ કર્મચારીના બનેવીએ બે લાખ કંપનીમાં જમા કરાવ્યા હતા પરંતું ઉચાપત કરીને ભાગેલા કેશિયરનો પત્તો નહી લાગતા પોલીસે તેની શોધખોળ શરૃ કરી છે.

મકરપુરા રોડ પર આવેલા ઘનશ્યામનગરાં રહેતો વિજય જીતુભાઈ જાદવ ગત માર્ચ-૨૦૧૬થી મકરપુરાના વોડાફોન સ્ટોર ઉપર કેશિયર તરીકે ફરજ બજાવતો હતો. તેણે વોડાફોનના ગ્રાહકો દ્વારા જમા કરાવવામાં આવતા બીલ, રિચાર્જ સહિતના નાણાં રોજેરોજ સ્ટોર પર આવતી કેશ પિકઅપ વાનમાં જમા કરાવી તેનો હિસાબ સ્ટોર મેનેજરને આપવાનો હોય છે.

ગત ૧૫,૧૬ અને ૧૮મી સપ્ટેમ્બર-૧૭ના કુલ ત્રણ દિવસમાં સ્ટોરમાં ૫,૭૯,૯૪૩ રૃપિયા ગ્રાહકોએ જમા કરાવ્યા હતા. આ તમામ નાણાં વિજયે કેશ પિકઅપ વાનમાં જમા કરાવ્યા નહોંતા. તેની પાસે ૧૮મી તારીખે સ્ટોર મેનેજરે ઉઘરાણી કરતાં તે મારી તબિયત સારી નથી તેમ કહીને સ્ટોરમાંથી રવાના થયો હતો અને ત્યારબાદ સ્ટોરમાં પાછો આવ્યો નહોંતો. તે નાણાંની ઉચાપત કરી ફરાર થયો હોવાની જાણ થતાં કંપની અધિકારીઓએ ઘરે તેની પત્નીને તેમજ વિજયને તેના ઈ-મેલ પર નાણાં જમા કરાવી દેવાની જાણ કરી હતી.

(5:12 pm IST)