Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd April 2018

વડોદરામાં કેરીના રસના ઉત્પાદકને ત્યાં આરોગ્ય વિભાગના દરોડા

વડોદરા: શહેરના આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ ટીમ બનાવી અને કેરીના રસનું છૂટક અને જથ્થાબંધ વેચાણ કરતા વેપારીઓ તેમજ ઉત્પાદકોને ત્યાં દરોડા પાડી સેમ્પલ લેવાની કામગીરી હાથ ધરી હતી. જ્યારે કેટલીક જગ્યાએ ઉત્પાદકોને નોટિસ પણ ફટકારવામાં આવી હતી.
ઉનાળાની શરૂઆત થતા જ કેરીના રસનું ધૂમ વેચાણ શરૂ થવા પામ્યું છે અનેક સ્થળે કેરીના રસનું વેચાણ કરતા તંબુઓ પણ લાગી જવા પામ્યા છે ત્યારે શહેરીજનોના આરોગ્ય સાથે ચેડાં ન થાય તે માટે વડોદરા મહાનગર પાલિકાની ખોરાક શાખા દ્વારા આજે શહેરમાં ત્રણ ટીમ બનાવી અને જુદી જુદી જગ્યાએ કેરીના રસના સેમ્પલ લેવામાં આવ્યા હતા.
શહેરના મકરપુરા, ગોરવા, સરદાર એસ્ટેટ સહિતના કેરીની રસના ઉત્પાદન કરતા કેન્દ્રો તેમજ શહેરમાં ઠેર-ઠેર છૂટક વેચાણ કરતા કેન્દ્રો પર આરોગ્યની ટીમ દ્વારા સેમ્પલ લેવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં વિવિધ સ્થળેથી સેમ્પલ લઈને નમૂનાઓ પૃથ્થકરણ માટે મોકલી આપ્યા હતા. જ્યારે કેટલીક જગ્યા પર અનહાઈજીનીક ઉત્પાદન થતું હોવાથી નોટિસ પણ ફટકારવામાં આવી હતી.

(5:12 pm IST)