Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd April 2018

નડિયાદ: તમાકુનું વેચાણ ઘટી જતા ખેડૂતોની હાલત કફોડી બની

નડિયાદ:તમાકુ ઉપર ૨૮ ટકા જી.એસ.ટી વેરો લગાવ્યા બાદ ખેડૂતોની હાલત કફોડી બની છે. તમાકુના વેચાણ પર સીધી અસર થતાં ખેડૂતોને આર્થિક રીતે મોટો ફટકો પડયો છે. જેથી આજે રેલીનું આયોજન કરી ખેડા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી પોતાની સમસ્યાઓની રજૂઆત કરી હતી. અને તાકીદે યોગ્ય પગલાં લેવા માટે માંગ કરી છે.
ચરોતરને પ્રદેશ વર્ષોથી તમાકુની ખેતી માટે જાણીતો છે. દર વર્ષે સમગ્ર ગુજરાતમાં અન્ય પ્રદેશોની સરખામણીએ પુષ્કળ પ્રમાણમાં તમાકુનું ઉત્પાદન અહીંયા કરવામાં આવે છે. આગલા વર્ષોમાં તમાકુનો યોગ્ય ભાવ મળતાં અને  તેની પરનો વેરો પણ ઓછો હોવાના કારણે તેનું વેચાણ સરળ બનતું હતુ. વેપારીઓ ખેડૂતો પાસેથી નિયત કિમંતમાં તમાકુની ખરાદી કરી લેતાં હતા. જેના કારણે તમાકુના ઉત્પાદનથી લઈ વેચાણ માટે કોઈ પણ જાતના પ્રશ્નો ઉદ્ભવતા ન હતા.ત્યારબાદ ગત વર્ષે ભારત સરકાર દ્વારા આર્થિક સુધારાના હેતુથી જીએસટી વેરો લાગુ કરવામાં આવ્યો હતો. જીએસટીમાં સરકાર દ્વારા જુદાં-જુદાં પાંચ સ્લેબ નક્કી કરવામાં આવ્યા હતા. જેમાં સૌથી ઉંચા ૨૮ ટકાના સ્લેબમાં તમાકુને નિયત કરવામાં આવી હતી. તમાકુ ઉત્પાદિત સામગ્રી અને તમાકુના ઉત્પાદન અને વેચાણમાં ૨૮ ટકા જીએસટી દર લગાવવામાં આવ્યો હતો. તમાકુ ઉપર વધારે વેરો લાગુ કરાતા ખેડૂતો અને વેપારી માટે મોટી મુશ્કેલીઓ ઉભી થઈ છે. જે અંતર્ગત તમાકુના હબ ગણાતા ચરોતર પ્રદેશના ખેડૂતોમાં વ્યાપક રોષ  જોવા મળી રહ્યો છે. નડિયાદ તાલુકાના અરેરા ગામના ખેડૂતોએ આજે વિશાળ રેલી યોજી હતી. અને ૨૮ ટકા જીએસટીનો વિરોધ કર્યો હતો. નડિયાદ સંતરામ મંદિર ખાતેથી જિલ્લા કલેક્ટર કચેરી સુધી રેલીનું આયોજન કર્યું હતુ. જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યાં હતા. જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવ્યું હતુ. જેમાં તેઓેએ જણાવ્યું છે કે, તમાકુની ખેતીના ઉત્પાદનમાં ૨૮ ટકા જી.એસ.ટીના કારણે પડતી મુશ્કેલીઓથી વેપારીઓની ખરીદ શક્તિ ઘટી ગઈ છે.

(5:10 pm IST)