Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd April 2018

‘ઇ-ધરા'માં મહેસુલી નોંધના દસ્‍તાવેજ સ્‍કેન કરી અપલોડ કરવાનું ફરજીયાત

ગાંધીનગર, તા. ૩ : રાજય સરકારે ઇ-ધરા વ્‍યવસ્‍થાપનમાં ઓનલાઇન મ્‍યુટેશન પ્રોસેસ અંતર્ગત અગત્‍યના પાંચ ડોકયુમેન્‍ટ સ્‍કેન કરી ફરજીયાત રીતે અપલોડ કરવા અંગે આદેશ કર્યો છે. આ અંગે મહેસુલ વિભાગના પ્રોજેકટ ઓફીસર (સ્‍ટેટ મોનીટરીંગ સેલ) રીન્‍કેશ પટેલની સહીથી ર એપ્રિલે પરિપત્ર પ્રસિદ્ધ કરવામાં આવ્‍યો છે.

પરિપત્રમાં જણાવાયું છે કે, ઇ-ધરા વ્‍યવસ્‍થાપન અંતર્ગત સ્‍કેન કરવામાં આવતા અગત્‍યના પાંચ પ્રકારના ડોકયુમેન્‍ટને અપલોડ કરવા માટે ઇ-ધરા કેન્‍દ્રમાં ફરજ બજાવતા ઇ-ધરા નાયબ મામલતદારના થમ્‍બ ઇમ્‍પ્રેશનથી ચકાસણી કર્યા બાદ જ અપલોડ કરવામાં આવે છે. સ્‍કેન્‍ડ ડોકયુમેન્‍ટ બલ્‍ક અપલોડ કરવા એક ઇ-ધરા નાયબ મામલતદાર દ્વારા કામગીરી ઝડપી થઇ શકે તેમ નથી. તેમજ સને ર૦૦૪થી ઓનલાઇન દાખલ થયેલી ફેરફાર નોંધો અંગેના કાર્ય ભારણને ધ્‍યાને લેતા બેકલોગનો બલ્‍કી ડેટા અપલોડ કરવાનો હોવાથી વિવિધ જિલ્લાઓ તરફથી બેકલોગની કામગીરી પૂર્ણ કરવા માટે મલ્‍ટિપલ યુઝર ક્રિએટ કરવાની રજુઆત થયેલ છે જે મુજબ મલ્‍ટિપલ યુઝર ક્રિએટ કરવાના થાય. તાલુકા કક્ષાએ ડેટા ઇનપુટ માટે મલ્‍ટિ યુઝર તથા મલ્‍ટિપલ વેરીફાયર એટલે કે ચકાસણીની કામગીરી માટે એક કરતા વધારે નાયબ મામલતદારના યુઝર ક્રિએટ કરી લોક કરી શકે તેવી વ્‍યવસ્‍થા ભૂલેખ સોફટવેરમાં કરવા રજૂઆત થયેલ છે. આગામી દિવસોમાં રાજયના તમામ તાલુકાઓમાં હાઇસ્‍પીડ સ્‍કેનર તથા મલ્‍ટીફંકશનર પ્રીન્‍ટર (સ્‍કેન, પ્રીન્‍ટ, કોપીયર) આપવાના હોઇ તા. ૧-૪-ર૦૧૮થી અગત્‍યના ડોકયુમેન્‍ટ જયાં સુધી સ્‍કેન કરી અપલોડ કરવામાં ન આવે ત્‍યાં સુધી કમ્‍પ્‍યુટરાઇઝડ મહેસૂલી ડેટામાં ફેરફાર નોંધની અસર આપી ન શકાય તેવું વેલિડેશન (લોક) મૂકવાની જરૂરીયાત જણાય છે.

 આ પરિપત્રથી પરિપત્રિત કરવામા આવે છે કે ઉપરોકત બાબતોને ધ્‍યાનમાં લેતા તા. ૧-૪-ર૦૧૮થી ઉકત બાબતોને યાને લઇને નીચે દર્શાવ્‍યા મુજબના પ (પાંચ) દસ્‍તાવેજોને ઓનલાઇન મ્‍યુટેશન પ્રોસેસમાં સ્‍કેનર દ્વારા સ્‍કેન કરી ફરજિયાત રીતે અપલોડ કરવાના રહેશે.

(૧) ફેરફાર નોંધ દાખલ કરવા માટેની અરજી સાથેના દસ્‍તાવેજી કાગળો.

(ર) સક્ષમ અધિકારીએ નિર્ણય કરેલ VF-૬ની નોંધની પ્રિન્‍ટ.

(૩) બજવણી અંગેની સહીઓ થયેલ હોય તેવી ૧૩પ-ડી નોટીસની ઓફીસ કોપી.

(૪) સક્ષમ અધિકારીએ નોંધની સંભવિત અસરના પ્રિવ્‍યૂને સમજીને, સહમતિ સૂચક સહી કરેલ એસ-ફોર્મની પ્રિન્‍ટ.

(પ) હુકમી ફેરફાર નોંધના કિસ્‍સામાં હુકમ.

(4:44 pm IST)