Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd April 2018

IPS અધિકારી-ઓનાં ખાનગી ચર્ચા ચોરાની વાત

કોણ જિલ્લામાં જશે કે પછી કોણ રેન્‍જમાં જશે ? કોને ક્રીમ પોસ્‍ટીંગ મળશે ? કોણ સાઈડલાઈન થશે ? ‘હોટ ટોપીક'

રાજકોટના મ્‍યુનિસિપલ કમિશ્નર ન બદલાતા આ પેટર્ન મુજબ રાજ્‍ય સરકારની ગુડસ બુકમાં સ્‍થાન ધરાવતા ઘણા આઈપીએસ છેવટ સુધી લડી લેશે કે શું ? એએસપી ઓ બઢતી માટે ‘ડયુ': એડીશ્‍નલ એસપી કે એડીશ્‍નલ ડીસીપી બનાવાતા નારાજ થયેલા વગદારો હવે સારા જિલ્લા માટે દબાણ વધારી રહ્યા છેઃ ચૂંટણી પંચના નવા નિયમ પણ તંત્ર માટે શિરદર્દઃ પોસ્‍ટીંગ માટે કયુ માપદંડ રહેશે? આઈપીએસ અધિકારીઓ સતત આ મુદ્દે જ મનોમંથન કરવામાં પડયા છે

રાજકોટ, તા. ૩ :. આવતા વર્ષે અર્થાત ૨૦૧૯માં યોજાનારી લોકસભાની ચૂંટણીને ધ્‍યાને રાખી સરકારની વિવિધ યોજનાઓને સારી રીતે કાર્યાન્‍વીત કરવામાં અગત્‍યનો ભાગ ભજવનાર આઈએએસ અધિકારીઓને વિવિધ સારા પોસ્‍ટીંગ તથા હજુ પણ જેમની પાસેથી ચોક્કસ શહેરના મહત્‍વના પ્રોજેકટો પાર પાડવાના છે તેઓને જે તે શહેરમાં ચાલુ રાખવાની રાજ્‍ય સરકારની રણનીતિના ભાગરૂપે ૨૧ કલેકટર અને ૨૦ ડીડીઓ સહિત ૬૭ જેટલા આઈએએસ અધિકારીઓની બદલી બાદ હવે રાજ્‍ય સરકાર આઈપીએસ કક્ષાના સિનીયર-જૂનીયરોની બદલીઓ તથા બઢતી કરવાના પ્રશ્નને આખરી ઓપ આપવા માટે સ* થઈ છે. જેમાં પ્રથમ વખત એક સિનીયર મોસ્‍ટ અધિકારીની પણ મદદ લેવાઈ રહી છે. જો કે આ બધા હુકમોમાં મંજુરીની મ્‍હોર તો દિલ્‍હીથી અર્થાત અમિતભાઈ દ્વારા જ લાગશે.

આઈપીએસ લેવલે વાત કરીએ તો એએસપી કક્ષાના અધિકારીઓ એસપી માટે ડયુ થયા છે. તેઓને જિલ્લા ફાળવવાના છે. બીજુ રાજ્‍ય સરકારે પ્રથમ વખત એએસપીને સીધા એસપી તરીકે બઢતી આપવાના બદલે એડીશ્‍નલ એસપી કે ડીસીપી બનાવાતા આ અધિકારીઓમાં ખાનગીમાં ભારોભાર રોષ પ્રવર્તે છે. આ પૈકીના અમુક તો ખૂબ વગદાર છે. આવા અધિકારીઓએ જિલ્લા મેળવવા માટે તમામ પ્રયત્‍નો કામે લગાડયા છે.

એસપી કક્ષાના જિલ્લા કે બીજા સારા પોસ્‍ટીંગ અન્‍ય અધિકારીઓને આપવા માટે ઘણા જિલ્લા કે બીજા સમકક્ષ અધિકારીઓને બદલવા સાથે ૨૦૦૪ બેચના સિનીયર એસપીઓને પણ ડીઆઈજી તરીકે બદલવામાં આવે તેવી પુરી સંભાવના છે. આ અફસરો ડીઆઈજીનો સિલેકશન ગ્રેડ મેળવે જ છે તેથી તેઓની પાસે જવાબદારીવાળુ કામ પણ લઈ શકાય અને સંબંધક અધિકારીઓ ડીજીપી અને રાજ્‍ય સરકારની પોલીસી મુજબ સમયસર પ્રમોશન મળવાથી ખંતથી કામ પણ લઈ શકાય. તાબાના લેવલે તો ડીજીપી શિવાનંદ ઝાએ ઝડપથી બઢતી આપવા આદેશ પણ કર્યા છે તે જાણીતી વાત છે.

રાજ્‍યના પોલીસ તંત્રમાં એસપી, ડીઆઈજી અને આઈજીને બઢતી મળનાર છે ત્‍યારે હોટ ટોપીક એ છે કે, કોને સારા જિલ્લા મળશે ? કોને સારી કે મધ્‍યમ રેન્‍જ મળશે ? કોને ક્રીમ પોસ્‍ટીંગ મળશે ? કે કોણ સાઈડમાં ધકેલાઈ જશે ? આ પ્રશ્ન એટલો ચર્ચાનો વિષય બન્‍યો છે કે અધિકારીઓની ટી મીટીંગમાં કે પછી બંદોબસ્‍ત કે અન્‍યત્ર જ્‍યાં ભેગા થાય ત્‍યારે મોટે ભાગે આ જ ચર્ચા હોય છે. બીજી તરફ રાજકોટના મ્‍યુનિસિપલ કમિશ્નર બંછાનીધિ પાની પાસે રાજકોટના હજુ પણ અગત્‍યના પ્રોજેકટો કરાવવાના હોય તેમને યથાવત રખાયા બાદ આઈપીએસ કક્ષાએ પણ સિનીયર કક્ષાના આઈપીએસ ઓ કે જેઓ રાજ્‍ય સરકારની ગુડસબુકમાં છે તેઓના મામલે પણ પુનરાવર્તન થશે કે શું ? આ નવો મુદ્દો પણ ગઈકાલથી ચર્ચામાં આવ્‍યો છે.

અત્રે યાદ રહે કે, એસપી કક્ષાના અધિકારીઓ સાથે ડીઆઈજી ટુ આઈજી અને આઈજી ટુ એડી. ડીજી કક્ષાએ પણ બઢતી આપવામાં આવનાર છે ત્‍યારે સૌથી મોટો સવાલ એ છે કે, આઈપીએસ અધિકારીઓની બઢતી-બદલી સમયે તેમના પોસ્‍ટીંગમાં કયુ માપદંડ રખાશે ? આ સવાલનો જવાબ મેળવવા આઈપીએસ અધિકારીઓ સતત મથામણ કરી રહ્યા છે.

(4:44 pm IST)