Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd April 2018

તંત્ર મુઝવણમાં!! કાર્પેટ વેરાની ફાઇલ ગાંધીનગરમાં અટવાઇઃ બિલ બજવણી અટકી

નવા વેરાના બિલ તૈયાર છે પરંતુ સરકારની મંજુરી બાદ વિતરણ થઇ શકે

રાજકોટ,તા.૩: નવા નાણાકીય વર્ષ થી એટલે કે, આ એપ્રિલ ૨૦૧૮થી મ્યુનિ. કોર્પોરેશન દ્વારા મકાન વેરાની આકરણી કાર્પેટ એરિયા મુજબ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.અને તે મુજબ વેરા બિલ પણ મિલ્કત ધારકો સુધી પહોંચાડવાની તમામ વ્યવસ્થા થઇ ચુકી છે પરંતુ હજુ સુધી નવી કાર્પેટ વેરા આકરણીને રાજય સરકારની વહીવટી મંજુરી નહિ મળતા વેરા બિલની બજવણી હાલ તુંરત અટકી ગઇ છે.

આ અંગે સતાવાર વિગતો મુજબ અત્યાર સુધી મકાનનો વેરો બિલ્ટઅપ એટલે કે બાંધકામ મુજબ આકરવામાં આવતો હવે આ આકરણી પધ્ધતીમાં ધરખમ ફેરફારો કરી નવી કાર્પેટ એટલેકે તળિયાનું ક્ષેત્રફળ આધારીત વેરા આકરણી પધ્ધતી અમલી બનાવવા ૧૫ દિવસ અગાઉ મળેલ જનરલ બોર્ડમાં કાર્પેટ વેરાના દર અને નિયમો બહુમતીએ મંજુર કરવામાં આવ્યા હતા અને આ નિયમોને દર સરકારની મંજુરી માટે મોકલી આપેલ છે.પરંતુ ૧૫-૧૫ દિવસ થવા છતા હજુ રાજકોટ મ્યુનિ. કોર્પોરેશનની કાર્પેટ વેરાની અત્યંત મહત્વની ફાઇલ અટકેલી પડી છે. જેના કારણે નવા વેરા બીલ મિલ્કત ધારકો સુધી પહોંચ્યા નથી.

નોંધનીય છે કે, શહેરમાં કુલ ૪.૫૭ લાખ મિલ્કત ધારકોને નવા કાર્પેટ વેરાના પ્રથમ બિલ રૂબરૂ મળે તે અત્યંત જરૂરી છે. આ માટે તંત્રએ જડબેસલાક વિતરણ વ્યવસ્થાનું આયોજન કર્યુ છે.પરંતુ ખાટલે મોટી ખોટ એ કહેવત મુજબ જયા સુધી રાજય સરકાર કાર્પેટ વેરાને મંજુરી નહિ આપે ત્યાં સુધી કાર્પેટ મુજબના નવા વેરા બિલનું વિતરણ અટકેલુ રહેશે.

(4:32 pm IST)