Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd April 2018

જાણીતા ગાયક-સંગીતકાર મહેશ કનોડિયાને ડોકટરેટની માનદ્ પદવી એનાયત કરાશે

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી દ્વારા ડી.લીટની પદવી અપાશે

 

ગાંધીનગર: ગુજરાતી સિનેમાના જાણીતા ગાયક - સંગીતકાર મહેશ કનોડિયાને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી દ્વારા ડી.લીટની પદવી એનાયત કરાશે  મહેશ કનોડિયા સાથે ગાયક કલાકાર સ્વ. મણીરાજ બારોટનું પણ સન્માન કરવાનું યુનીવર્સીટીની વાર્ષિક સભામાં સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું હતું .

   ૮૧ વર્ષીય મહેશ કનોડિયાએ જીદંગીના ૫૦ વર્ષથી વધુ સમય ગુજરાતી સિનેમા અને ગુજરાતી સંગીત માટે આપ્યા છે ઉપરાંત તેઓ ગુજરાતના રાજકારણમાં પણ સક્રિય રહ્યા છે. મહેશ કનોડિયા ગુજરાતી મેગા સ્ટાર નરેશ કનોડિયાના મોટા ભાઈ છે અને બન્ને સાથે મળી ગુજરાતી ફિલ્મી દર્શકોને દસકો સુધી મનોરંજન પુરું પાડ્યું છે.

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટીના પાટણના ગાંધીસ્મૃતિ હોલમાં વાઈસ ચાન્સેલર ડો. બી પ્રજાપતિની અધ્યક્ષતામાં યોજાયેલી યુનિવર્સીટીની વાર્ષિક બેઠકમાં સેનેટ સભ્યો દ્વારા મહેશ કનોડિયાને સર્વાનુમતે ડી.લીટની પદવી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો.

   હિતુ કનોડિયાએ વિષયે વાત કરતાં જણાવ્યું, "હું મહેશભાઈ કનોડિયાને અભિનંદન પાઠવું છું કે તેમના ગજરાતી સિનેમા અને ગુજરાતી પારંપરિક સંગીતને આપેલા યોગદાન સ્વરૂપે તેમને ડી.લીટની પદવી એનાયત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. માટે હું હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી, પાટણના વાઈસ ચાન્સેલર ડો બી પ્રજાપતિ, ઇન-ચાર્જ રજીસ્ટ્રાર ડો ડી એમ પટેલ, એક્જીક્યુટીવ કાઉન્સિલના સભ્યો અને સેનેટ સભ્યોનો આભાર માનું છું કે તેઓએ સર્વાનુમતે નિર્ણય લીધો."

    ફિલ્મ ક્રિટિક પ્રો. કાર્તિકેય ભટ્ટે જણાવ્યું કે, "હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી, પાટણનો ખુબ પોઝીટીવ નિર્ણય છે. મહેશ કનોડિયા આખી જિંદગી સંગીતની આરાધના કરી છે એમ કહી શકાય અને પદ્મ ભૂષણના હકદાર છે એવું અંગત રીતે માનું છું. મહેશભાઈ એક વ્યક્તિ તરીકે પણ એક મહાન આત્મા છે જેણે જીવન સંગીતને સમર્પિત કર્યું છે.

મહેશ કનોડિયા નરેન્દ્ર મોદીની ખુબ નજીકના વ્યક્તિઓમાં માનવામાં આવે છે. મહેશ કનોડિયા રાજકારણમાં રહ્યા તે દરમિયાન તેઓ વખત પાટણથી લોકસભાના સાંસદ તરીકે ચૂંટાયા. નરેશ કનોડિયા ૨૦૦૨માં કરજણ બેઠક પરથી ધારાસભ્ય ચૂંટાયા હતા જ્યારે ૨૦૧૭ની ચૂંટણીમાં હિતુ કનોડિયા ઇડર બેઠક પરથી ચૂંટણી જીત્યા છે. હાલ કનોડિયા પરિવાર ગાંધીનગરમાં વસવાટ માટે સ્થાયી થયો છે.

(12:07 am IST)