Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd April 2018

અમદાવાદમાં ઝિબ્રા ક્રોસિંગ ચર્ચાનો વિષયઃ સફેદ અને કાળા રંગને બદલે લાલ રંગનો ઉપયોગ કરાયો

ફોટોઃ amdavad red-zebra-crossing

અમદાવાદઃ અમદાવાદના યુનિવર્સિટી રોડ પર આવેલા દાદા સાહેબના પગલા ચાર રસ્‍તા પર આવેલ ઝિબ્રા ક્રોસિંગના કલરને લઇને ભારે ચર્ચા જાગી છે. સામાન્ય રીતે ઝિબ્રા ક્રોસિંગ સફેદ અને કાળા રંગનો હોય છે, પરંતુ અહીં લાલ અને સફેદ રંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓનું કહેવું છે કે, લાલ રંગ વધારે ડાર્ક હોવાને કારણે પગપાળા ચાલતા લોકો માટે રસ્તાઓ સુરક્ષિત બને તે માટે આમ કરવામાં આવ્યું છે. પરંતુ રોડ સેફ્ટીના નિષ્ણાંતોનું માનવું છે કે આ રીત અસરકારક નથી.

અમદાવાદના રોડ સેફ્ટી એક્સપર્ટ અમિત ખત્રી કહે છે કે, રોડ સાઈન અને માર્કિંગના માનકો ઈન્ડિનય રોડ્સ કોંગ્રેસ(IRC) દ્વારા નક્કી કરવામાં આવે છે. ઝિબ્રા ક્રોસિંગનો ઉપયોગ રોડ પર પગપાળા ચાલીને પસાર થઈ રહેલા લોકોને સુરક્ષિત રસ્તો પુરો પાડવા માટે થતો હોય છે, જ્યારે લાલ રંગ ભયનો સૂચક હોય છે. IRCના નિયમોમાં ક્યાંય પણ ઝિબ્રા ક્રોસિંગ માટે આ રીતે લાલ રંગનો ઉપયોગ કરવાનો ઉલ્લેખ નથી.

અમિત ખત્રી જણાવે છે કે, લોકોએ રોડ માર્કિંગ અને ચિહ્નોના અર્થ સમજવાની ખાસ જરુર છે. પીળા અને સફેદ રંગના કોમ્બિનેશનની રાતના સમયે દ્રષ્ટિમર્યાદા વધતી હોવાને કારણે તે કોમ્બિનેશનનો ઉપયોગ કરવામાં આવે છે.

AMCના મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમાર આ વિષે જણાવે છે કે, આ નવા માર્કિંગથી કોઈ નિયમભંગ નથી થયો. રસ્તા પર પગપાળા ચાલતા લોકોની સુરક્ષા વધારવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે અને નિષ્ણાંતોની સલાહ લેવામાં આવી હતી. આ અત્યારે એક પ્રયોગ છે અને રિવ્યુની ચકાસણી કર્યા પછી આગળ નિર્ણય લેવામાં આવશે.

(7:52 pm IST)