Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd April 2018

અમદાવાદને મળશે નવી ઓળખઃ વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્‍ટેડિયમનું નિર્માણ કરાશેઃ ૧.૧પ લાખ ક્રિકેટરસીકો ક્રિકેટની મજા માણી શકશે

અમદાવાદઃ અમદાવાદમાં આવેલ સરદાર પટેલ મોટેરા સ્‍ટેડિયમ હવે વિશ્વની ઓળખ બનશે. મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્‍ડ કરતા અમદાવાદના ક્રિકેટ સ્‍ટેડિયમમાં વધુ પ્રમાણમાં ક્રિકેટરસીકો ક્રિકેટની મજા માણી શકશે.

મેલબર્ન ક્રિકેટ સ્ટેડિયમમાં 1,00,024 ક્રિકેટ રસિકો બેસી શકે તેવી વ્યવસ્થા છે. મોટેરા સ્ટેડિયમમાં કૉંક્રિટના બીમ તૈયાર થઈ રહ્યા છે. આ વિરાટ બીમ પર બે માળની 18 મીટરમાં ફેલાયેલી બેઠક વ્યવસ્થા હશે, જેમાં 1.15 લાખ ક્રિકેટ ફેન્સ બેસીને મેચ નિહાળશે.

63 એકરમાં ફેલાયેલા સ્ટેડિયમમાં કૉંક્રિટના મોટા ચોસલા હવે એક પર એક ગોઠવાઈ રહ્યા છે. રેકર બીમ, રિંગ બીમ, કોલમ્સ અને લાકડાંના પાટિયા આ બધું ભેગું મળીને સ્ટેડિયમની વિશાળ બેઠક વ્યવસ્થા બનશે. શરૂઆતમાં આ પ્રોજેક્ટનો ખર્ચો 644 કરોડ જેટલો હતો, જે વધીને હવે 700 કરોડ થયો છે. જો કે ગુજરાત ક્રિકેટ અસોસિએશનના સીનિયર અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, નવી બેઠક વ્યવસ્થાને કારણે ખર્ચો વધી શકે છે.

ગુજરાતની ક્રિકેટ ટીમનું હોમ ગ્રાઉંડ ભવિષ્યમાં અન્ય કેટલીક મોટી ઈવેન્ટ્સનું પણ સાક્ષી બનશે. કોર્પોરેટ હાઉસ માટે 76 સ્કાય બોક્સ હશે અને 6 માળના સંપૂર્ણ માળખામાં 50 રૂમ બનશે. સ્ટેડિયમની દક્ષિણ દિશા તરફ ઓલમ્પિક સાઈઝનું સ્વિમિંગ પુલ પણ હશે. GCAના સીનિયર અધિકારીએ જણાવ્યું કે, “સ્ટેડિયમના કેમ્પસમાં આવેલું સ્થાનિક મંદિર ત્યાં જ રહેશે અને ભક્તોને ત્યાં દર્શન માટે આવવા દેવાશે.

સ્ટેડિયમનું નિર્માણ ચાલી રહ્યું છે ત્યારે AMC અને ટ્રાફિક ડિપાર્ટમેંટ માટે ટ્રાફિક મેનેજમેંટ ચિંતાનો વિષય છે, કારણ કે સ્ટેડિયમનો એક્ઝિટ પોઈંટ એક સાંકડા રસ્તા તરફ છે. AMCના સીનિયર અધિકારીએ કહ્યું કે, “પહેલા જ્યારે મોટેરા સ્ટેડિયમમાં 54,000 લોકોને બેસાડવાની ક્ષમતા હતી ત્યારે પણ ટ્રાફિક જામની સ્થિતિ સર્જાતી હતી. હવે અમે નવા રોડ સ્ટ્રક્ચર વિશે વિચારી રહ્યા છીએ.નવા સ્ટેડિયમમાં જવાના 3 મોટા રસ્તા હશે. જેને નવા સબ-વે સ્ટેશન સાથે જોડવામાં આવશે. 3500 કાર અને 12,000 ટુ વ્હીલર સમાવી શકાય તેટલી પાર્કિંગની જગ્યા હશે.

(9:34 am IST)