Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd March 2021

ગુજરાતના સર્વાંગી વિકાસમાં ક્લિન એન્ડ ગ્રીન એનર્જી મહત્વનું પરિબળ પૂરવાર થશે :મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી

રાજ્યમાં સ્મોલ સ્કેલ ડિસ્ટ્રીબ્યુટેડ સોલાર પ્રોજેક્ટ અંતર્ગત 12,404 અરજીઓ આવી : 9 હજાર મેગાવોટ સોલાર ઊર્જા ઉત્પન્ન થશે

 અમદાવાદ : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું છે કે, ગુજરાતના સર્વાંગી વિકાસમાં ક્લિન એન્ડ ગ્રિન એનર્જી મહત્વનું પરિબળ પૂરવાર થશે એટલા માટે જ આપણે સોલાર ઊર્જાને પ્રાધાન્ય આપી રહ્યાં છીએ
સ્મોલ સ્કેલ ડિસ્ટ્રીબ્યુટેડ સોલાર પ્રોજેક્ટ અંતર્ગત લોકો ઘર આંગણે જ ઊર્જા ઉત્પન્ન કરી શકશે તેના પરિણામે ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન લોસ ઓછો થશે અને ગુણવત્તાયુક્ત વીજળી મળશે અને રોજગારી પણ મળશે તેમ પણ તેમણે ઉમેર્યું હતુ
મુખ્યમંત્રી વિધાનસભા ગૃહની પ્રશ્નોતરી દરમિયાન અબડાસાના ધારાસભ્યએ કચ્છ જિલ્લામાં સ્મોલ સ્કેલ ડિસ્ટ્રીબ્યુટેડ સોલાર પ્રોજેક્ટ યોજના અંગેની અરજીઓના સંદર્ભમાં ઉપસ્થિત કરેલા પ્રશ્નના ઉત્તરની ચર્ચામાં સહભાગી થયા હતા..
તેમણે ઉમેર્યું કે, સોલાર ઊર્જા માટે ગુજરાતે ઈનિશિયેટિવ લીધું છે અને કચ્છ ખાતે વિશ્વના સૌથી મોટા 30 હજાર મેગાવોટ પાર્કનું ભૂમિપૂજન કર્યું છે જે દરરોજ 30 હજાર મેગાવોટ ઉત્પન્ન કરશે. સોલાર ઊર્જા ઉત્પાદનથી આપણે હવે થર્મલમાંથી બહાર નીકળી સૌર ઊર્જા ક્ષેત્રે આગળ વધીશું  રાજ્યમાં 4 મેગાવોટના સ્મોલ ડિસ્ટ્રીબ્યુટેડ સોલાર પ્રોજેક્ટમાં 20 પૈસાનો દર અપાશે. આ પ્રોજેક્ટ અંતર્ગત રાજ્યમાં અત્યાર સુધીમાં 12,404 અરજીઓ આવી છે જેના પરિણામે 9 હજાર મેગાવોટ સૌરઊર્જા ઉત્પન્ન થશે.
કચ્છ જિલ્લામાં સ્મોલ સ્કેલ ડિસ્ટ્રીબ્યુટેડ સોલાર પ્રોજેક્ટના પ્રશ્નના આ ઉત્તરમાં ઊર્જામંત્રી સૌરભભાઈ પટેલે વધુ વિગતો આપતા જણાવ્યું હતુ કે, રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેતૃત્વ લીધું છે અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ એને આગળ વધારી રહ્યાં છે. આ નાના સોલાર પ્રોજેક્ટ જયાં વીજ વપરાશ હશે ત્યાં જ વીજ ઉત્પાદન થશે જેના કારણે ટેકનિકલ લોસ ઓછો થશે અને ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન ખર્ચ બચશે અને જે વીજ ઉત્પાદન થશે એનાથી લોકો વધારાની વીજળી વેચી રોજગારી પણ મેળવશે.

(6:36 pm IST)