Gujarati News

Gujarati News

News of Saturday, 3rd March 2018

ડીજીપી તરીકે કાર્યભાર સાંભળતાજ DGP શિવાનંદ ઝાએ ડયુટી દરમ્યાન પોલીસ કર્મીઓએ ફરજીયાત યુનિફોર્મ પહેરવાનો કર્યો આદેશ

અમદાવાદ : નવા નિમાયેલા રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાએ આદેશ કર્યો છે કે, ફરજ દરમિયાન તમામ પોલીસ કર્મચારી અને અધિકારીઓએ યુનિફોર્મ પહેરવાનો રહેશે. તેમની ઓફિસ દ્વારા રજૂ કરાયેલ સ્ટેટમેન્ટ અનુસાર, નવા ડીજીપીએ નોંધ્યું છે કે, અનેક ઓફિસરો અને અન્ય અધિકારીઓ ડ્યુટી પર યુનિફોર્મ પહેરતા નથી. તેથી તેમણે આદેશ આપ્યો છે કે, તમામ જિલ્લા, શહેર અને અન્ય યુનિટના વડાઓએ ધ્યાન રાખવું તેમના અંતર્ગત આવતા તમામ ઓફિસર્સ ડ્યુટી અવર્સમાં ફરજિયાત યુનિફોર્મ પહેરે.

તેમણે સુપરવાઈઝરી ઓફિસર્સ દ્વારા આ બાબતને રેગ્યુલર ચેક કરાવવાનો પણ આદેશ કર્યો છે. તેમજ નવા ડીજીપીએ સૂચના આપી છે કે, યુનિફોર્મ કોર્ડને ન અનુસરનારા કર્મચારીઓ સામે શિસ્તભંગના પગલા લેવામાં આવે. નવા ડીજીપીએ આ સરક્યુલર, તમામ પોલીસ સ્ટેશન અને અન્ય પોલીસ ઓફિસર્સને મોકલવાની સૂચના આપી દીધી છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજ્યના ઈન્ચાર્જ ડીજીપી પ્રમોદકુમાર વય મર્યાદાના કારણે 28 ફેબ્રુઆરીએ નિવૃત્ત થતા રાજ્ય સરકારે શિવાનંદ ઝાની ડીજીપી તરીકે નિમણૂક કરી છે. શિવાનંદ ઝા 1983 ની બેચના આઈપીએસ અધિકારી છે અને તેઓ ગુજરાત આઈબીના વડા તરીકે કાર્યભાર સંભાળતા હતા. બુધવારે સાંજે 6.10 વાગ્યે શિવાનંદ ઝાએ ગુજરાત રાજ્યના 37મા ડીજીપી તરીકે કાર્યભાર સંભાળ્યો હતો.

 

(12:57 am IST)