Gujarati News

Gujarati News

News of Saturday, 3rd March 2018

આવતા વર્ષથી અમદાવાદ-ગાંધીનગર વચ્ચે મેટ્રો રેલ સુવિધાનો પ્રારંભઃ વિધાનસભા ગૃહમાં ભ્રષ્‍ટાચારનો મુદ્દો ઉઠ્યો

અમદાવાદઃ મેટ્રો રેલના ભ્રષ્‍ટાચાર મુદ્દે આજે વિધાનસભા ગૃહમાં ભારે ગરમાગરમી થઇ હતી. અમદાવાદના એક સમયના મેયર અને હાલના કોંગ્રેસના ધારાસભ્ય હિંમતસિંહ પટેલે મુદ્દો ઉપસ્થિત કરીને તમામને ચોંકાવ્યા હતા. તેમણે તો પ્રોજેક્ટની જવાબદારી જે અધિકારીને સોંપાઈ હતી, તેનો ઉલ્લેખ કરીને આક્ષેપ કર્યો હતો કે, તે અધિકારીએ તો આખે આખા પ્રોજેક્ટને ભ્રષ્ટાચારમાં નાંખી દીધો હતો.

તેના જવાબમાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે કહ્યું હતું કે, તે અધિકારી ભૂતકાળમાં પૂર્વ મુખ્યમંત્રીના સચિવ તરીકે કામ કરી ચૂક્યાં હતા એટલે તેમને મેટ્રો રેલ પ્રોજેક્ટની જવાબદારી સોંપાઈ હતી પરંતુ પાછળથી ભ્રષ્ટાચાર-પ્રકરણ બહાર આવતાં તેમના સહિતના તમામ સંડોવાયેલાઓને જેલમાં ધકેલી દેવાયા છે.

આમ છતાં અત્યારે પ્રોજેક્ટનું કામ સારી રીતે ચાલી રહ્યું છે અને આવતા વર્ષે તેના પ્રથમ ચરણમાં 6.5 કિલોમીટરના મેટ્રો-રૂટને વિના વિલંબે શરૂ કરાશે.. કોંગ્રેસના હિંમતસિંહ પટેલે એમ કહ્યું હતું કે, માસ ટ્રાન્સપોર્ટેશન જરૂરી છે પણ તેનું આયોજન હોવું જોઈએ. દિલ્હીમાં મેટ્રો રેલ ચાલુ છે. જયપુર-હૈદ્રાબાદમાં પણ તે ચાલુ છે પરંતુ અમદાવાદમાં તો 2011થી કામ શરૂ થયું છે પણ ચારેતરફ ખાડા ખોદ્યા સિવાય બીજુ કંઈ થયું નથી. ઠેર ઠેર ટ્રાફિક જામના દૃશ્યો જામે છે કોઈ આયોજન નથી.

સરકારે બચાવ કરતા કહ્યું કે કોર્ટ મેટરના કારણે પ્રોજેક્ટમાં વિલંબ થયો હતો હવે, તેનું કામ ઝડપથી ચાલી રહ્યું છે અને આવતા વર્ષે પ્રથમ તબક્કાના 6.5 કિલોમીટરના મેટ્રોરૂટની પ્રારંભ કરાવવા સરકાર અને તંત્ર પૂર્ણ તૈયાર છે.

(6:06 pm IST)