Gujarati News

Gujarati News

News of Saturday, 3rd March 2018

સુરતના ટ્રાફિક પોલીસ સામે કારના ડ્રાઇવરે બહાદુરી બતાવતા ચોરીનો ગુનો નોંધાયો

સુરતઃ ટ્રાફિકને અડચણરૂપ વાહનો દૂર કરવા અને વાહનોચાલકોને દંડ ફટકારવા કામગીરી દરમિયાન ટ્રાફિક પોલીસે રસ્‍તામાં અડચણરૂપ પડેલ કારનું લોક કર્યા બાદ કારચાલકે બહાદુરીપૂર્વક ટાયર જ બદલી નાખ્યુ હતું અને કાર લઇને જતો રહેતા તેની સામે પોલીસે કરેલા લોકની ચોરીનો ગુનો નોંધાયો છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરત શહેર ટ્રાફિક પોલીસ રીજીયન-૩માં ફરજ બજાવતા મહેન્દ્રભાઇ બાબલાભાઇ ગામીતે બુધવારે સાંજે ઉધના એસટી બસ ડેપોથી એ.પી. માર્કેટ ઉધના વચ્ચે સોમનાથ ટી સેન્ટરની સામે જાહેર રોડ ઉપર ટ્રાફિકને અડચણરૃપ સફેદ રંગની શેવરોલેટ ક્રુઝ કાર (નં. જીજે-૦૫-સીપી- ૭૩૭૦)ને લૉક માર્યું હતું. જો કે, લૉક મારી અડધો કલાક બાદ ટ્રાફિક પોલીસ સ્થળ ઉપર પહોંચી ત્યારે કારચાલક લૉક મારેલું ટાયર બદલી લૉક લઇ ફરાર થઇ ગયો હતો.

આ અંગે મહેન્દ્રભાઇએ કારચાલક વિરૃદ્ધ ઉધના પોલીસ મથકમાં ચોરીની ફરિયાદ નોંધાવતા પીએસઆઇ એચ.કે. દરજીએ કારના રજીસ્ટ્રેશન નંબરના આધારે કારચાલકને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે.

(5:30 pm IST)