Gujarati News

Gujarati News

News of Saturday, 3rd March 2018

સમગ્ર ગુજરાતનું તંત્ર બિહારના બે સ્કુલ મિત્રોના હાથમાં !!

પટણામાં ચીફ સેક્રેટરી ડો. જે.એન.સિંઘ અને ડીજીપી શિવાનંદ ઝા એક જ સ્કુલમાં સાથે અભ્યાસ કરતા'તા : બેમાંથી એકે સનદી ક્ષેત્ર પસંદ કરી તેમાં જોડાયા, જયારે બીજાએ પોલીસ તંત્ર પસંદ કરી આઇપીએસ બન્યાઃ યોગાનુયોગ બંન્ને મિત્રોને ગુજરાત કેડર મળીઃજાણવા જેવી રસપ્રદ કથા

રાજકોટ, તા., ૩: ગુજરાતના નવનિયુકત ડીજીપી તરીકે અનેકવિધ અટકળોને અનુમાનો (જો કે અકિલાએ બહુ લાંબા સમય થયા જ ૧૯૮૩ બેચના શિવાનંદ ઝા જ મુખ્ય પોલીસવડા બનશે તેમ જણાવ્યું હતું) તેવા મૂળ બિહારના ૧૯૮૩ બેચના સિનીયર મોસ્ટ આઇપીએસ શિવાનંદ ઝાએ મુખ્ય પોલીસવડા તરીકે લાંબા સમયે રેગ્યુલર ડીજીપી તરીકે કાર્યરત થઇ ગયા છે.

સૌરાષ્ટ્ર-ગુજરાતનો બહોળો અનુભવ ધરાવતા આ અનુભવી આઇપીએસ અધિકારીએ ગોધરાકાંડ હોય કે બીજા કોમી તોફાનો તમામ પરિસ્થિતિ વખતે હિંમતપુર્વક પગલા ભર્યા હતા. બી એ (ઓનર્સ) જેવી ડીગ્રી હાંસલ કરી પ્રથમથી જ કંઇક પડકારરૂપ કાર્ય કરવાની ઇચ્છા હોવાથી આઇપીએસ ક્ષેત્ર પસંદ કર્યુ અને તેઓએ આ ક્ષેત્રમાં તંત્ર પાસેથી સારી રીતે કામ લઇ લોકોના પ્રશ્નો સારી રીતે ઉકેલી શકાય તેમાં માસ્ટરી મેળવી અને આજે સર્વોચ્ચ સ્થાન સંભાળી લીધું છે.

યોગાનુયોગ આવો જ એક બીજો પણ રસપ્રદ સંયોગ સર્જાયો છે. શાંત-સૌમ્ય અને સરળ પ્રકૃતિ ઇગોને જેઓ ઘોળીને પી ગયા છે તેવા ધરતી સાથે જોડાયેલા હાર્ડ વર્કીગ તરીકે જાણીતા ગુજરાતના હાલના મુખ્ય સચિવ જે.એન.સિંઘ (ડો. જગદીપ નારાયણસિંઘ) પણ મૂળ બિહારના જ છે. તેમનો સ્કુલનો કાર્યકાળ પણ પટણામાં જ રહયો છે. સૌથી અગત્યની વાત તો હવે શરૂ થાય છે. ડો.જે.એન.સિંઘ અને શિવાનંદ ઝા બંન્ને એક જ સ્કુલમાં સાથે અભ્યાસ કરતા હતા. બંન્ને સ્કુલના સમયથી જ બંન્નેના રસના વિષયો તેજસ્વી કારકીર્દીના હોવાથી સારા મિત્રો પણ હતા. જો કે ડો. જે.એન.સિંઘ શિવાનંદ ઝાથી સ્કુલમાં એક વર્ષ સિનીયર હતા.

આગળ જતા શિવાનંદ ઝાએ બી.એ.(ઓનર્સ)ની ડીગ્રી બાદ આઇપીએસમાં સિલેકટ થયા. જયારે જે.એન.સિંઘ એમ.એ. અને પીએચડી પછી આઇએએસ કેડરમાં સિલેકટ થયા. અહિં એક રસપ્રદ વાત એ બની કે બિહારના પટણાના આ બંન્ને સ્કુલ મિત્રોને યોગાનુયોગ ગુજરાત કેડર મળતા બંન્ને ગુજરાત આવ્યા અને બેઉ ધીમે ધીમે મક્કમતાથી પ્રગતીના પંથે આગળ વધવા લાગ્યા.

ડો. જગદીપ નારાયણસિંઘ સનદી ક્ષેત્રે અનેક પડકારરૂપ ખાતાઓ, નર્મદા જેવા વિભાગો અને ગુજરાત પેટ્રો કેમીકલ કોર્પોરેશન વિ.નો સુંદર વહીવટ કરી થોડો સમય અગાઉ ગુજરાતના મુખ્ય સચિવ પદે પસંદગી પામ્યા.  જે.એન.સિંઘ આવતા વર્ષે નિવૃત થવાના છે. પરંતુ આજે પણ તેઓ દેવાનંદની માફક સદાબહાર પર્સનાલીટી ધરાવે છે. તેઓને જયારે હ્ય્દયની બિમારી થઇ ત્યારે તેમને નજીકથી ઓળખતા તમામ આઇએએસ, આઇપીએસને તેમની નિયમીતતા તથા તેમની શાંત પ્રકૃતિ જોતા ખુબ જ નવાઇ લાગી હતી.

હવે તેમના સ્કુલ મિત્ર એવા શિવાનંદ ઝા પણ ધીમે ધીમે સફળતાની સીડીઓ સર કરી ગુજરાતના સર્વોચ્ચ પોલીસ વડાના સ્થાને કાયમી ડીજીપી તરીકે નિમણુંક પામ્યા છે. આ જોતા આઇએએસ અને આઇપીએસ વર્તુળોમાં મજાકમાં એવું બોલાય છે કે બિહારના બે સ્કુલ મિત્રોના હાથમાં સમગ્ર ગુજરાતનું સુકાન છે. શિવાનંદ ઝા ર૦ર૦માં નિવૃત થવાના છે. આવતા વર્ષ સુધી તો આ સુકાન બંન્નેના હાથમાં રહેશે જ. છે ને રસપ્રદ કથા?

(4:54 pm IST)