Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd February 2021

ગાંધીનગર :શેરથા નજીક બાઈક પર જઈ રહેલ સિક્યુરિટી વનનું અજાણ્યા વાહનની હડફેટે કમકમાટીભર્યું મોત નિપજતા અરેરાટી

ગાંધીનગર:જિલ્લાના હાઈવે માર્ગો ઉપર અકસ્માતોની ઘટના વધી રહી છે ત્યારે અડાલજ કલોલ હાઈવે ઉપર શેરથા પાસે બાઈક ઉપર જઈ રહેલા સિક્યોરીટી જવાનને અજાણ્યું વાહન અડફેટે લઈ ફરાર થઈ ગયું હતું. ગંભીર રીતે ઘવાયેલા આ આધેડનું મોત નીપજયું હતું. અકસ્માતની ઘટનાના પગલે તેમના ભાઈની ફરીયાદના આધારે અડાલજ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી ફરાર વાહનચાલકને પકડવા માટે દોડધામ શરૃ કરી છે.  

જિલ્લાના હાઈવે માર્ગો ઉપર અકસ્માતની સાથે હીટ એન્ડ રનની ઘટનાઓ પણ સતત વધી રહી છે. અકસ્માત સર્જી વાહનચાલકો ઉભા રહી ઘાયલને સારવાર માટે ખસેડવાની જગ્યાએ પોતાનું વાહન લઈ ફરાર થઈ રહયા છે અને આવા વાહનચાલકો પોલીસની પકડમાં પણ આવતાં નથી ત્યારે આવી જ એક હીટ એન્ડ રનની ઘટના ગઈકાલે સાંજે શેરથા પાસે બની હતી. કલોલમાં આવેલા શ્રી એપાર્ટમેન્ટમાં બી-૧ર ખાતે રહેતા અને કોબા પાસે ફાર્મહાઉસમાં સિક્યોરીટી જવાન તરીકે નોકરી કરતાં પપ વર્ષીય મનોહરસિંહ સરદારસિંહ રાજપુત ગઈકાલે સાંજના સમયે તેમની નોકરી પુરી કરીને બાઈક નં.જીજે-૧૮-સીએલ-૨૭૭૬ લઈને પરત કલોલ ઘરે જઈ રહયા હતા તે દરમ્યાન શેરથા પાસે કોઈ અજાણ્યું વાહન તેમના બાઈકને અડફેટે લઈ ફરાર થઈ ગયું હતું. આ અકસ્માતની ઘટનાના પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને મનોહરસિંહને તાત્કાલિક સારવાર માટે ૧૦૮ એમ્બ્યુલન્સ મારફત અડાલજ સીએચસી ખાતે લઈ જવાયા હતા જો કે ફરજ ઉપરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. આ અકસ્માતની ઘટનાના પગલે તેમના ભાઈ કૈલાસસિંહની ફરીયાદના આધારે અડાલજ પોલીસે અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ શરૃ કરી છે.

(4:27 pm IST)