Gujarati News

Gujarati News

News of Thursday, 3rd January 2019

PSI આપઘાત કેસમાં અંતે ફરિયાદ દાખલ કરી દેવાઈ

ફરિયાદ દાખલ થતાં પરિવારે મૃતદેહ સ્વીકાર્યો : ડીવાયએસપી પટેલની સામે મૃતક પીએસઆઇના પિતાએ ફરિયાદ કરી : પીએસઆઈ દેવેન્દ્રસિંહ રાઠોડની હવે કાલે અંતિમવિધિ

અમદાવાદ, તા.૩ : ૨૦૧૬-૧૭ની બેચના ગુજરાતના નંબર વન ગોલ્ડ મેડાલિસ્ટ પીએસઆઈ દેવેન્દ્રસિંહ રાઠોડે કરાઈ એકેડેમીના તાલીમાર્થી ડીવાયએસપી એન.પી.પટેલના ત્રાસથી દાઢીના ભાગે રિવોલ્વરથી આત્મહત્યા કરી હોવાની ચકચારભરી ઘટનામાં ભારે વિવાદ અને પરિવારજનોની ઉગ્ર માંગણી બાદ ઉચ્ચ પોલીસ સત્તાધીશોને નમતું જોખવુ પડયું હતું અને આ સમગ્ર પ્રકરણમાં ક્રાઇમબ્રાંચને વિધિવત્ ફરિયાદ દાખલ કરવાની ફરજ પડી હતી. મૃતક પીએસઆઇના પિતા સત્યેન્દ્રસિંહ રાઠોડ દ્વારા આ સમગ્ર પ્રકરણમાં જેની સામે ગંભીર આક્ષેપો સામે આવ્યા છે તેવા ડીવાયએસપી એન.પી.પટેલ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદ નોંધાયા બાદ પરિવારજનોએ ચાર દિવસ બાદ મૃતક પીએસઆઇ દેવેદન્દ્રસિંહ રાઠોડના મૃતદેહનો સિવિલ હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજ રૂમમાંથી સ્વીકાર કર્યો હતો અને હવે આવતીકાલે સ્વર્ગસ્થ પીએસઆઇ રાઠોડની વાડજ સ્મશાનગૃહ ખાતે અંતિમવિધિ કરવામાં આવશે. બીજીબાજુ, ક્રાઇમબ્રાંચ તરફથી સમગ્ર મામલામાં તટસ્થ અને ન્યાયી તપાસ કરવાની ખાતરી ઉચ્ચારવામાં આવી હતી, તો ડીજીપી દ્વારા સિવિલ હોસ્પિટલના તબીબો પાસેથી મૃતક પીએસઆઇના ગુપ્ત ભાગે કોઇ ઇજાઓ છે કે કેમ તે અંગેનો વિગતવાર રિપોર્ટ પણ માંગ્યો હતો. મતૃક પીએસઆઇના પરિવારજનોની ચાર દિવસથી મૃતક પીએસઆઇના મૃતદેહનો સ્વીકાર નહી કરી પોતાની માંગણીઓ પર અડગ રહેતાં ગઇકાલે ખુદ રાજયના ડીજીપીએ સમગ્ર મામલાની તપાસ આખરે શહેર ક્રાઇમબ્રાંચને તપાસ સોંપવામાં આવી  હતી. બીજીબાજુ, મૃતક પીએસઆઇની પત્ની આ સમગ્ર પ્રકરણમાં જેની પર ગંભીર આરોપ લાગ્યા છે તે ડીવાએસપી એન.પી.પટેલ સામે કેટલાક ગંભીર આક્ષેપ કર્યા હતા, જેમાં મૃતક પીએસઆઇની પત્નીએ ચોંકાવનારો ખુલાસો કર્યો હતો કે, ડીવાયએસપી પટેલ તેમના પતિ દેવેન્દ્રસિંહ રાઠોડ પાસે અઘટિત(સજાતીય સંબંધ)ની માંગણી કરતા હતા. એટલું જ નહી, તેમની નોકરી છીનવી લેવાની વારંવાર ધમકી આપતાં હતા. તેમના ત્રાસથી કંટાળીને જ તેમના પતિએ આત્મહત્યા કરી લીધી છે. તેથી ડીવાયએસપી એન.પી.પટેલ વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરી, તેમને તાત્કાલિક સસ્પેન્ડ કરી આકરી કાર્યવાહી કરવામાં આવે. દરમ્યાન આજે ડીજીપી દ્વારા મૃતકની પત્નીના ગંભીર આક્ષેપો અનુસંધાનમાં સિવિલ હોસ્પિટલના તબીબો પાસેથી મૃતકના ગુપ્ત ભાગોએ કોઇ ઇજાના નિશાનો જોવા મળ્યા છે કે કેમ તે અંગેનો રિપોર્ટ માંગ્યો છે. બીજીબાજુ, પરિવારજનોની માંગણી મુજબ, આજે સાંજે મૃતક પીએસઆઇના પિતા તરફથી ડીવાયએસપી એન.પી.પટેલ વિરૂધ્ધ આત્મહત્યા માટે દુષ્પ્રેરણ અંગેની ફરિયાદ આપવામાં આવી હતી. જેના આધારે હવે પોલીસે ઝીણવટભરી તપાસ આરંભી છે. ઉલ્લેખનીય છે કે, ચાંદલોડિયામાં ચાર દિવસ પહેલાં પીએસઆઇ દેવેન્દ્રસિંહ રાઠોડે તેમના નિવાસસ્થાને સર્વિસ રિવોલ્વર વડે આત્મહત્યા કર્યા બાદ તેમની સ્યુસાઇડ નોટમાં ચોંકાવનારી વાત સામે આવી હતી કે, ડીવાયએસપી એન.પી.પટેલના ત્રાસથી તેઓ આત્મહત્યા કરી રહ્યા છે અને તેથી એન.પી.પટેલને આજીવન કેદની સજા કરાવવા ભારપૂર્વકની માંગણી ચિઠ્ઠીમાં કરી હતી. જેના આધારે કાર્યવાહી આજે હાથ ધરાઇ હતી.

(7:49 pm IST)