Gujarati News

Gujarati News

News of Thursday, 3rd January 2019

અમદાવાદ-મુંબઇ શતાબ્દી એકસપ્રેસમાં પુસ્તક અને મેગેઝિન વાંચવા મળશે

વાંચનના શોખીન પેસેન્જર્સ માટે લાઇબ્રેરી શરૂ કરાઇ

અમદાવાદ, તા.૩ : નવા વર્ષની શરૂઆત જ પશ્ચિમ રેલવેએ પેસેન્જરોને નવી ભેટ આપી છે અને તે મુજબ હવે શતાબ્દી એકસપ્રેસના પ્રવાસીઓને ટ્રેનમાં ટાઇમ પાસ કરવા મોબાઇલ કે લેપટોપનો સહારો નહીં લેવો પડે. વાંચનના શોખીન પ્રવાસીઓએ ઘેરથી પુસ્તકો લઇને મુસાફરી નહીં કરવી પડે. ટ્રેનમાં જ તેમના માટે નિઃશુલ્ક લાઇબ્રેરીની વ્યવસ્થા શરૂ કરાઇ છે, જેના કારણે પ્રવાસીઓને ચાલતી ટ્રેનમાં પુસ્તકો વાંચવા માટે મળશે. પશ્ચિમ રેલવેએ મુંબઇ-અમદાવાદ વચ્ચે દોડતી શતાબ્દી એકસપ્રેસમાં લાઇબ્રેરીની સુવિધા શરૂ કરી દીધી છે. તેથી પ્રવાસીએ કોઇપણ બુક કે મેગેઝિન વાંચવા માટે એક પણ રૂપિયો ચૂકવો પડશે નહીં. લાઇબ્રેરીમાં ઇતિહાસ, રાજનીતિ, રહસ્ય-સાહસ, આત્મકથાઓ, ફિકશન, હેલ્થ સહિતના તમામ પુસ્તકોનો સમાવેશ કરાયો છે.

આ અંગે પશ્ચિમ રેલવેના જનસંપર્ક અધિકારી પ્રદીપ શર્માએ જણાવ્યું હતું કે લાઇબ્રેરીમાં ઇતિહાસ, રાજનીતિ, રહસ્ય-સાહસ, આત્મકથાઓ, ફિકશન, સેલ્ફ હેલ્થ સહિતની અલગ અલગ એવા ૭૦થી વધુ પુસ્તકોની સાથે-સાથે બાળકો માટે રોમાંચક અને રસપ્રદ કાર્ટૂન કેરેકટર સહિતની વાર્તાઓના ૩પ પુસ્તકો પણ મૂકવામાં આવ્યા છે.

આ પુસ્તકો માટે અલગ અલગ વ્યકિત અને સંસ્થાઓ દ્વારા ડોનેશનથી પ્રાપ્ત થયેલ છે. આ પુસ્તકો માટે મુસાફરો પાસે એક પણ રૂપિયો વસૂલાશે નહીં. પેસેન્જરોએ મુસાફરી પૂર્ણ થતાં પુસ્તકો પરત કરવાના રહેશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આજના પેસેન્જરો મુસાફરી સમયે માત્ર મોબાઇલ અને લેપટોપમાં જ રચ્યા-પચ્ચા રહે છે તેવામાં લાઇબ્રેરીની સુવિધાથી પેસેન્જરોને પુસ્તકો વાંચવાનો ઇન્ટરેસ્ટ વધશે. આથી પશ્ચિમ રેલવે દ્વારા આ નવી પહેલ શરૂ કરવામાં આવી છે.

રેલવેના એક સર્વેક્ષણ મુજબ પ્રવાસીઓ સ્વચ્છ ટોઇલેટ, ભોજનની ગુણવત્તા, ડસ્ટબિનની સંખ્યામાં વધારો, ચાર્જિંગ પોઇન્ટમાં વધારો, સ્ટેશન પર પીવાના પાણીની સુવિધા વગેરે સગવડોને પ્રાથમિકતા આપે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ લાંબા અંતરની પ્રીમીયમ ટ્રેનમાં પ્રવાસીઓ માટે પ્રવાસનના સમય દરમિયાન જ શોપીંગ કરી શકે તે માટે સગવડતા ઉભી કરાઇ છે, જેમાં પરફયૂમ્સ, બેગ્સ, વોચિસ અને બીજી મુસાફરીની ચીજવસ્તુઓનું વેચાણ શરૂ કરાયું છે. આમ, રેલવેએ ઓન-બોર્ડ સેલ તો શરૂ કરી જ દીધું જ છે. શતાબ્દી, દુરન્તો, રાજધાની સહિતની પ્રીમીયમ ટ્રેનમાં લાઇબ્રેરીની સુવિધા ટૂંક સમયમાં જ શરૂ થઇ જશે. શરૂઆતના તબક્કે તેમાં ૧૦૦થી વધુ પુસ્તકો હશે. ત્યારબાદ હિન્દી અને અંગ્રેજી ભાષાના પુસ્તકોને પણ પ્રવાસીઓની માગ મુજબ આ લાઇબ્રેરીમાં ઉમેરવામાં આવશે.

(3:48 pm IST)