Gujarati News

Gujarati News

News of Thursday, 3rd January 2019

ગુજરાતમાં વ્હીકલ રજીસ્ટ્રેશન રીવર્સ ગીયરમાં

દેશમાં ૨૦૧૭ની તુલનાએ ૨૦૧૮માં ૬ ટકાની વૃધ્ધિ થઇ પણ ગુજરાતમાં વાહન રજીસ્ટ્રેશનમાં ૩.૪૪ ટકાનો ઘટાડો

નવી દિલ્હી તા. ૩ : વર્ષ ૨૦૧૮માં ગુજરાતમાં વાહન રજિસ્ટ્રેશનમાં ઘટાડો જોવા મળ્યો. સમગ્ર દેશમાં જયારે વર્ષ ૨૦૧૭ની તુલનાએ ૨૦૧૮માં આ મામલે ૬ ટકાનો વધારો જોવા મળ્યો છે. પરંતુ ગુજરાતમાં વાહન રજીસ્ટ્રેશનમાં ૩.૪૪ ટકાનો ઘટાડો નોંધાયો હતો.

માત્ર અમદાવાદ શહેરમાં વર્ષ ૨૦૧૭ના ૩.૧૮ લાખ વાહનોના રજીસ્ટ્રેશન સામે ૨૦૧૮માં માત્ર ૨.૯૨ લાખ વાહનો નોંધાયા. જે શહેરમાં ૮.૧૮ ટકાનો ઘટાડો છે. સરકારી વેબસાઈટ પરિવહનના રજીસ્ટ્રેશન ડેટા રિપોર્ટ મુજબ વર્ષે ૨૦૧૮માં ૧૬.૫૬ લાખ વાહનો ગુજરાતમાં રજીસ્ટર થયા હતા, જયારે વર્ષ ૨૦૧૭માં ૧૭.૧૫ લાખ વાહનો. જોકે સુરત, ખેડા અને આણંદ જિલ્લામાં રજીસ્ટ્રેશનમાં વધારો નોંધાયો છે.

ડેટા મુજબ, કારનું રજીસ્ટ્રેશન દેશમાં લાખની સંખ્યામાં વધ્યું છે, જયારે ગુજરાતમાં માત્ર ૧૯૦૦૦ કાર્સ ૨૦૧૮માં રજીસ્ટર થઈ. ટુ-વ્હીલર માર્કેટ ગણતા ગુજરાતમાં પણ ટુ-વ્હીલર રજીસ્ટ્રેશનમાં ઘટાડો થયો. સમગ્ર દેશમાં ટુ-વ્હીલર રજીસ્ટ્રેશનમાં ૯.૫૭ ટકાનો વધારો થયો, જયારે ગુજરાતમાં ૪.૯ ટકાનો ઘટાડો નોંધાયો.

સ્પષ્ટ આંકડાની વાત કરીએ તો ગુજરાતમાં ૫૯,૦૦૦ વાહનોના રજીસ્ટ્રેશનમાં ઘટાડો નોંધાયો છે. દેશમાં આ મામલે સૌથી વધારે ઘટાડો કર્ણાટકામાં (૨.૪૨ લાખ વાહનો) નોંધાયો છે. ટકાવારીના ઘટાડાની દ્રષ્ટિએ ગુજરાત આ લિસ્ટમાં ચોથા ક્રમે આવે છે. આ લિસ્ટમાં કર્ણાટકા ૪૦ ટકા ડ્રોપ સાથે પહેલા ક્રમે છે, ત્યાર બાદ ગોવા ૬.૮૯ ટકા અને પોંડીચેરી ૪.૩૫ ટકા છે.

સીનિયર ટ્રાન્સપોર્ટ ઓફિસરે જણાવ્યું કે, કૃષિ ક્ષેત્રમાં સમસ્યા અને નબળા વરસાદના કારણે ૨૦૧૮માં ગુજરાતમાં ગ્રામીણ વિસ્તારોમાં ઓટો વેચાણને અસર થઈ છે. ગુજરાત ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડિલર્સ એસોસિયેશનના રિજલન ડિરેકટર પ્રણવ શાહ કહે છે કે, નવરાત્રિ સીઝન પહેલા જ પેટ્રોલની કિંમત ૮૦ રૂપિયા પ્રતિ લીટર સુધી પહોંચી જતા વર્ષ ૨૦૧૮માં ફેસ્ટિવ સિઝન દરમિયાન વાહનોના વેચાણમાં ઘટાડો જોવા મળ્યો હતો.(૨૧.૮)

(10:00 am IST)