Gujarati News

Gujarati News

News of Thursday, 3rd January 2019

પાલનપુરના સાસમ ગામે મકાનની દિવાલ ધરાશાયી: ચાર મજૂર દટાયા :ત્રણના મોત

જૂના પુરાણા મકાનને ઉતારવાનું કામ વેળાએ દુર્ઘટના

બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના સાસમ ગામમાં એક મકાનની દિવાલ ધરાશાયી થતા ચાર  મજૂરો દટાયા હતા. જેમાંથી ત્રણ મજૂરના ઘટના સ્થળ પર મોત નિપજ્યા છે, જ્યારે એક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

 મળતી માહિતી મુજબ બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના સાસમ ગામમાં એક જૂના પુરાણા મકાનને ઉતારવાનું કામ ચાલી રહ્યું હતું. આ કામગીરી દરમિયાન મકાનની દિવાલ અચાનક ધરાશાયી થઈ હતી. જેના કારણે મકાન ઉતારવાની કામગીરી કરી રહેલા ચાર મજૂર ઘરની અંદર જ દિવાલના કાટમાળ નીચે દટાઈ ગયા હતા.

દિવાલ ધરાશાયી થવાની ઘટનામાં ત્રણ મજૂરના ઘટના સ્થળ પર જ મોત નિપજ્યા છે, જ્યારે એક મજૂરને ગંભીર ઈજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

સાસમ ગામમાં અચાનક દિવાલ ધરાશાયી થતા રાહત બચાવની ટીમે સ્થાનિકોની મદદથી કાટમાળ હટાવી મૃતક મજૂરો અને ઈજાગ્રસ્ત મજૂરને કાટમાળ નીચેથી બહાર કાઢ્યા હતા. હાલમાં પોલીસ પણ ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે, મૃતકોને પીએમ માટે સરકારી હોસ્પિટલમાં લઈ જવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

નાનકડાં એવા આ સાસમ ગામમાં દિવાલ ધરાશાયી થવાની ઘટનામાં ત્રણ મજૂરના મોત નીપજયા છે. જેના કારણે ગામમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.

(8:48 pm IST)