Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd December 2020

સુરતમાં પ્રેગનન્ટ મહિલાનું નાક નીચે માસ્ક હોવાથી પોલીસે એક હજારનો દંડ ફટકાર્યો :માથાકૂટ થતા કારને લાત મારી

હોસ્પિટલ જતા મહિલાએ કહ્યું મારે ત્રણ માસનો ગર્ભ છે, ગભરામણ થાય અને શ્વાસ સરખો આવે એટલે માસ્ક થોડુ નીચે ઉતારર્યું: મારા પતિ અને બે બાળકોએ તો માસ્ક પહેર્યા છે: મહિલાએ આજીજી કરી પણ પોલીસ ના માની અંતે પતિએ દંડ ભરવો પડ્યો

સુરતમાં કોરોના સંક્રમણનું પ્રમાણ વધ્યુ છે ત્યારે કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવતા પોલીસ કર્મીઓની દાદાગીરી વધતી જાય છે. નેતાઓ ખુલ્લેઆમ લગ્નનું આયોજન કરી રહ્યા છે બીજી તરફ સામાન્ય જનતાને દંડના નામે અત્યાચાર કરવામાં આવી રહ્યો છે. સુરતમાં પ્રેગનન્ટ મહિલાએ શ્વાસ લેવા માટે નાક નીચે માસ્ક ઉતારતા પોલીસે કાર અટકાવી હતી અને બન્ને વચ્ચે માથાકુટ થઇ હતી અને પોલીસ કર્મીએ કારને લાત પણ મારી હતી.

સુરત પોલીસ કમિશનર કચેરી સામેથી પસાર થતી કારને પોલીસે અટકાવી હતી. 35 વર્ષીય મહિલાનું માસ્ક નાક નીચે હોવાથી પોલીસ કર્મીએ તેને દંડ ફટકાર્યો હતો. મહિલાએ પોલીસને આજીજી કરી કે, મારે ત્રણ માસનો ગર્ભ છે, ગભરામણ થાય અને શ્વાસ સરખો આવે એટલે માસ્ક થોડુ નીચે ઉતાર્યુ છે. કારમાં સવાર મારા પતિ અને બે બાળકોએ તો માસ્ક પહેર્યા છે. પોલીસ મહિલાની આ વાત સંભાળીને ઉશ્કેરાઇ ગયો હતો અને ગાડીને લાત મારી હતી. અંતે મહિલાના પતિએ 1 હજારનો દંડ ભરવો પડ્યો હતો

પૂણા કુંભારીયા ખાતે રહેતી મહિલાએ કહ્યુ કે, “અમે હોસ્પિટલ જઇ રહ્યા હતા, આ દરમિયાન પોલીસે અમને રોક્યા હતા. માસ્કનો દંડ ના ભરતા પોલીસે કારને લોક કરવાની ધમકી આપી હતી, અમે ઘણી વિનંતી કરી છતા અમારી એક પણ વાત પોલીસ કર્મીએ સાંભળી નહતી. અંતે માથાકુટ થતા પતિ-પત્નીએ દંડ ભરવો પડ્યો હતો.”

(11:09 pm IST)