Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd December 2020

સુરતના રિંગરોડ પર એડવાન્સમાં 5 ટકા ઓછા ભાવની લાલચ આપી 65.47 લાખનો ચૂનો લગાવનાર વેપારીની પોલીસે ફરિયાદના આધારે ધરપકડ કરી

સુરત: શહેરના રીંગરોડ આદર્શ માર્કેટના કાપડ વેપારીને ગ્રે-કાપડના એડવાન્સ પેમેન્ટ પેટે 5 ટકા ઓછા ભાવની લાલચ આપી રૂ.65.47 લાખ એડવાન્સ લઇ છેલ્લા ત્રણ વર્ષથી ગ્રે-કાપડની આજ દિન સુધી ડિલીવરી નહીં આપી જાનથી મારી નાંખવાની ધમકી આપનાર કર્ક ઇમ્પેક્ષ પેઢીના માલિક દંપત્તિ પૈકી મહિલા વેપારીની સલાબતપુરા પોલીસે ધરપકડ કરી છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના રીંગરોડ સ્થિત આદર્શ માર્કેટમાં ચંચલ ફેશન નામે પેઢી ધરાવતા પ્રમોદકુમાર મહેશચંદ જૈન (ઉ.વ. 66 રહે. 1102, નંદનવન એપાર્ટમેન્ટ, વેસુ) નો વર્ષ 2014-15માં પાંડેસરાના ભીડભંજન ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં કર્ક ઇમ્પેક્ષ નામે યાર્ન પ્રોસેસીંગનું કારખાનું ધરાવતા પરિમલ સક્કઇ સાથે થયો હતો. 

પરિમલે પોતાની પેઢીના માલિક પત્ની બિનીતા અને પોતે વહીવટકર્તા છે એમ કહી ગ્રે-કાપડના ઓર્ડરના એડવાન્સ પેમેન્ટ સામે બજાર ભાવથી 5 ટકા ઓછા ભાવે માલ આપવાની લાલચ આપી હતી. દરમ્યાનમાં એપ્રિલ 2017માં પ્રમોદ જૈને પેઢીના સુરત પીપલ્સ બેંકમાંથી રૂ. 29.25 લાખ અને સુટેક્ષ બેંકમાંથી રૂ. 36.47 લાખ મળી કુલ રૂ. 65.47 લાખ આરટીજીએસથી ગ્રે-કાપડ ખરીદવા એડવાન્સ પેમેન્ટ ચુકવ્યું હતું. પરંતુ પરિમલ સક્કઇએ નિયત સમયમાં ગ્રે-કાપડની ડિલીવરી કરી ન હતી અને વાયદા પર વાયદા કર્યા હતા.

(5:12 pm IST)