Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

અંબાજી-દાંતા વચ્ચે ત્રિશુળીયા ઘાટમાં અકસ્માત નિવારવા ચાર માર્ગીય બનાવવાની કામગીરી છતાં વાહન વ્યવહારઃ ડુંગરો કાપવાની કામગીરી દરમિયાન પથ્થરો પડે છે રોડ ઉપર

બનાસકાંઠા : અંબાજી-દાંતા વચ્ચે ત્રિશુળીયા ઘાટમાં અકસ્માત નિવારવા રસ્તાને ચાર માર્ગીય બનાવવાની ચાલી રહેલી કામગીરીને લઇ અંબાજી-દાંતા વચ્ચે ગઈકાલથી વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. જેને લઇને જિલ્લા કલેકટર દ્વારા પણ માર્ગ ઉપર વાહન વ્યવહાર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આથી માર્ગ પર દાંતા અને અંબાજીથી બંને જગ્યાએ રૂટ ઉપર વાહન વ્યવહાર જવા આવવા માટે પ્રતિબંધ ફરમાવતા બોર્ડ મૂકી દેવામાં આવ્યા હતા. અને કેટલીક જગ્યાએ પોલીસ પણ તૈનાત કરવામાં આવી હતી, જે વાહનોને ડાયવર્ટ કરી રહ્યા છે. જોકે વાહનવ્યવહાર બંધ કરાવવા છતા પણ કેટલાક વાહનચાલકો નિર્ભય રીતે બેખોફ માર્ગ ઉપર અવરજવર કરતા નજરે પડ્યા હતા.

          ત્રિશુલીયા ઘાટ ઘેરાવદાર વળાંકો ધરાવતો પહાડી વિસ્તાર છે. જે મુસાફરો તથા વાહનચાલકો માટે અત્યંત જોખમી છે. તેથી હાલ ડુંગરો કાપવાની કામગીરી ચાલી રહી છે. ચાલી રહેલી ડુંગરો કાપવાની કામગીરીમાં મોટા તોતિંગ પત્થરો રોડ ઉપર તૂટીને આવી રહ્યા છે, તેમ છતા કેટલાક વાહનચાલકો નિર્ભય રીતે બેખોફ રીતે ગઈકાલે પહેલા દિવસે માર્ગ ઉપર અવરજવર કરતા નજરે પડ્યા હતા. જાણે કોઈ પણ જાતનો ડર હોય તે રીતે લોકો ગાડીઓ લઈને પસાર થતા જોવા મળ્યા.

         એક વાહનચાલકે એવી પણ દલીલી હતી કે, રસ્તા ઉપર કોઈ બોર્ડ લગાવવામાં આવ્યા નથી. પરંતુ હકીકત તો છે કે, અંબાજી અને દાંતા બંને જગ્યાએ બોર્ડ મારી વાહનવ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. છતાં વાહનચાલકો પોતાની મનસુફી રીતે વાહન વ્યવહાર કરતા નજરે પડ્યા હતા. જે કામગીરી કરી રહેલા કામદારો પણ ભારે અસમંજસ અનુભવી રહ્યા છે. હવે બંન્ને માર્ગો ઉપર પોલીસ તૈનાત કરી રસ્તો બંધ કરાય તો કામગીરી સરળતાથી અને સલામત રીતે વહેલી તકે પૂરી કરી શકાય તેમ કામદારો જણાવી રહ્યાં છે.

        અનેકવાર તંત્ર અને પોલીસ પોતાની કામગીરી બખૂબી કરતી હોય છે, પરંતુ લોકો પોતાનો જીવ જોખમમાં મૂકતા હોય છે. રસ્તા પર રોજ લાખો-કરોડો લોકો ટ્રાફિકના નિયમોનું ભંગ કરે છે.

(4:57 pm IST)