Gujarati News

Gujarati News

News of Saturday, 2nd December 2017

ગુજરાત મોડલ દેશભરમાં સ્વીકૃત થયુ હોવાનો દાવો

ઉત્તરપ્રદેશની વિજયી પરંપરા ગુજરાતમાં દોહરાવાશેઃ ગુજરાત મોડેલ એ સૌનો સાથ સૌનો વિકાસનું મોડલ છે

અમદાવાદ, તા.૨, ઉત્તરપ્રદેશના નાયબ મુખ્યમંત્રી ડૉ.દિનેશજી શર્માએ આજરોજ ભાજપાના થલતેજ સ્થિત મીડિયા સેન્ટર ખાતે પત્રકારોને સંબોધતાં જણાવ્યું હતું કે, ઉત્તરપ્રદેશની જનતાએ લોકસભાની ચૂંટણીમાં, વિધાનસભા ચૂંટણીમાં અને નગરપંચાયતની ચૂંટણીમાં ભાજપાને લગલગાટ ત્રીજો વિજય અપાવીને ગુજરાત અને ભારતના ગૌરવ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સક્ષમ ભારત બનાવવાં માટેનું સમર્થન આપ્યું છે. ભારત આજે દેશ અને દુનિયામાં ગૌરવ પામી રહ્યું છે, તેના પાયામાં ગુજરાતવાસીઓએ દેશની સેવામાં આપેલા બે રાષ્ટ્રભક્તો રાજનિતીના ચાણક્ય ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને ભારતના ગૌરવ વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે, તેઓ ગુજરાતની જનતાને રાષ્ટ્રની અદભૂત સેવા કરવાં બદલ અભિનંદન આપ્યાં છે. તેઓએ જણાવ્યું હતું કે, ઉત્તરપ્રદેશની જનતાએ ભાજપાનો કેસરીયો લહેરાવ્યો, લોકસભામાં અમારી અપેક્ષાથી વધારે બેઠકો આપી, વિધાનસભામાં પણ અમારી અપેક્ષાથી વધુ બેઠકો આપી, નગર નિગમની ચૂંટણીઓમાં પણ અમારી અપેક્ષાથી વધુ બેઠકો આપીને ગુજરાત મોડેલને સ્વીકૃત કર્યું છે. ગુજરાત મોડેલ એ વિકાસનું પ્રતીક છે. ગુજરાત મોડેલ એ હ્ય્દયનું મોડલ છે. ગુજરાત મોડેલ એ સૌનો સાથ સૌનો વિકાસનું મોડલ છે. ગુજરાત મોડેલ એ આધ્યાત્મિકતા, સાંસ્કૃતિકતા, દિવ્યતા, ભવ્યતા, અને ભારત ભક્તિનું મોડેલ છે. આ મોડેલના પાયામાં કમીટમેન્ટ છે. વાતો નથી. વાસ્તવિકતા છે, ગુજરાતની જનતા આ બધુ જ જાણે છે. તેઓએ અંતમાં જણાવ્યું હતું કે, ગુજરાત મોડેલ સામે પ્રશ્નો કરનાર કોંગ્રેસ અમેઠીને સંભાળી શકતી નથી. કોંગ્રેસ ગુજરાતના યુવાનો, કિસાનો અને મહિલાઓને ગુમરાહ કરવાના પ્રયાસ કરે છે તેનાથી ગુજરાત બદલવાનું નથી. રાષ્ટ્ર વિરોધીઓ, ભારત વિરોધીઓને વડાપ્રધાન નરેન્દ્ર મોદી નેતૃત્વ પચતું નથી તેની પાછળ ગુજરાત વિરોધી માનસ કામ કરે છે. ગુજરાત અને ગુજરાતનું નેતૃત્વ ઉત્તરપ્રદેશને રાહ આપી શકતું  હોય, દેશ અને દુનિયાને રાહ આપી શકતું હોય તે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ૩/૪ બેઠકો પર ભાજપાને જીતાડી પુનઃદેશનું રાહબર બનશે અને ઉત્તરપ્રદેશનું પુનરાવર્તન કરશે.

 

(10:42 pm IST)