Gujarati News

Gujarati News

News of Saturday, 2nd December 2017

ગુજરાત : ૧૨.૫૦ લાખ ગેસ કનેકશન મહિલાઓને અપાયા

અમેઠીમાં માત્ર ૨૭ ટકા લોકો પાસે ગેસ કનેક્શનઃ પોતાના મતક્ષેત્રમાં ગરીબોની ચિંતા ન કરનાર લોકો હવે ગુજરાતમાં આવી મોટી મોટી વાતો કરે છે : ધર્મેન્દ્ર પ્રધાન

અમદાવાદ, તા.૨, આજરોજ થલતેજ ભાજપા મીડિયા સેન્ટર ખાતે કેન્દ્ર સરકારના પેટ્રોલીયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પત્રકાર પરીષદ સંબોધતા જણાવ્યું હતું કે, ગુજરાતની ચૂંટણીના પહેલા તબક્કામાં અંતિમ ચરણ પર આપણે આગળ વધી રહ્યાં છીએ. થોડા દિવસોથી રાહુલ ગાંધી ગુજરાતની અંદર તેમજ ગુજરાત બહાર એવી વાતો કરે છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ શું કર્યું હું તમારા માધ્યમથી એક બે વાતો ગુજરાત અને દેશની જનતાને પહોંચાડવા માંગુ છું. ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું હતું કે, ડબ્લ્યુએચઓના અહેવાલ પ્રમાણે ભારતમાં દર વર્ષે પાંચ લાખ મહિલાઓના મૃત્યું લાકડા, કાચા ઇંધણ વગેરેના ચુલાના ધુમાડાના પ્રદુષણના કારણે થાય છે. ૨૦૧૪માં કેન્દ્રમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકાર આવી ત્યારથી આ વિષયને અગ્રતા આપી તેના માટે અસરકારક યોજના બનાવવાનું નક્કી કરવામાં આવ્યું. છેલ્લા દોઢ વર્ષથી પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ ૩ કરોડથી વધુ મહિલાઓને સરકારના ખર્ચે એલ.પી.જી કનેકશન આપવામાં આવ્યા છે. દેશભરમાં ૧૯૫૫થી ૨૦૧૪ સુધીમાં કુલ ફક્ત ૧૩ કરોડ એલ.પી.જી કનેકશનો હતાં. જ્યારે આજે ફક્ત સાડા ત્રણ વર્ષની અંદર સાડા આઠ કરોડ નવા એલ.પી.જી કનેકશન આપવામાં આવ્યા છે, આજે કુલ ૨૧.૫૦ કરોડ એલ.પી.જી કનેકશન આપવામાં આવ્યા છે, આજે કુલ ૨૧.૫૦ કરોડ એલ.પી.જી કનેકશન ભારતમાં છે, તેમાંથી ૩ કરોડ જેટલા કનેકશન દેશની ગરીબ મહિલાઓને સરકારી ખર્ચે આપવામાં આવ્યા છે. ગુજરાતમાં પણ ૧૨.૫૦ લાખ ગેસ કનેકશન ગરીબ મહિલાઓને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ આપવામાં આવેલા છે. ધર્મેન્દ્ર પ્રધાને વધુમાં જણાવ્યું હતું કે, થોડા દિવસો પહેલાં હું આ યોજના શરૃ કરાવવા માટે અમેઠી ગયો હતો, ત્યાં જઇને મને ખુબ જ ચોંકાવનારી માહિતી મળી હતી. મિત્રો હું ઓરીસ્સાથી આવું છું, ઓરીસ્સા સમગ્ર દેશમાં સૌથી વધુ પછાત અને ગરીબ રાજ્ય તરીકે ઓળખાય છે.  પરંતુ અમેઠીની હાલત ઓરીસ્સાના સૌથી પછાત વિસ્તાર કરતાં પણ વધારે ખરાબ જોઈ મને ખુબ જ આશ્ચર્ય થયું.

 

 

(10:42 pm IST)