Gujarati News

Gujarati News

News of Saturday, 2nd December 2017

આતંકવાદી તો દુરની વાત, દારૂના ટ્રકો પણ ન છટકી શકે તેવો ચક્રવ્યુહ રચીશું: પ્રમોદકુમાર

બીજી વખત ગુજરાતના ઇન્ચાર્જ ડીજીપી બનેલા સીનીયર મોસ્ટ આઇપીએસ અધિકારી સાથે અકિલાની વિશેષ વાતચીત : પોલીસનું મનોબળ વધારી ન્યાયી અને ભયમુકત ચુંટણીઓ યોજાય તે રીતે બંદોબસ્તના મેદાને જંગમાં ઉતારીશું

રાજકોટ, તા., ૨: ગુજરાતના પોલીસ તંત્રનું મનોબળ વધારી તેમને સંપુર્ણ સજજ કરી વિધાનસભાની ચુંટણીમાં ન્યાયી અને ભયમુકત રીતે યોજાય તે માટે પુર્ણ તૈયારી સાથે ચુંટણી મેદાનમાં પોલીસદળને ઉતારીશું તેવું ગુજરાતના ઇન્ચાર્જ ડીજીપી તરીકે જેમને બીજી વખત ચાર્જ સંભાળવાની તક સાંપડી છે  તેવા ૧૯૮૩ બેચના સિનીયર મોસ્ટ આઇપીએસ પ્રમોદકુમારે અકિલા સાથેની વિશેષ વાતચીતમાં જણાવ્યું છે.

હરીયાણા રાજયમાંથી બી.એસ.સી. તથા એલ.એલ.બી.ની ડીગ્રી મેળવનાર આ અનુભવી આઇપીએસ અધિકારીએ બેંગ્લોરમાંથી ઉચ્ચ કક્ષાની ટેકનીકલ ડીગ્રી પણ હાંસલ કરી છે. પ્રમોદકુમારે રાજયના વિવિધ જીલ્લાઓ, શહેરો, રેન્જો, સીઆઇડી ક્રાઇમ, ગુપ્તચર તંત્ર અને એસીબી વિભાગમાં ફરજ બજાવી બહોળો અનુભવ મેળવ્યો છે. તેમના આ અનુભવના આધારે જ ર૦૧૩ ની સાલમાં તત્કાલીન ડીજીપી અમિતાભ પાઠકનું નિધન થતા તેઓને તેમના સિનીયરોને બાજુએ રાખી ઇન્ચાર્જ ડીજીપી તરીકે ચાર્જ સોંપવામાં આવેલ. આમ તેઓને આ બીજી તક મળી છે.

અકિલા સાથેની વાતચીતનો દોર આગળ વધારતા પ્રમોદકુમારે જણાવેલ કે આપણી સરહદો પાકિસ્તાનને સંલગ્ન છે.  દરીયા કિનારો પણ વિશાળ છે. પોલીસ સ્ટાફ ચુંટણી બંદોબસ્તમાં રોકાયો હોવાથી આવી પરિસ્થિતિનો દુશ્મન દેશ લાભ ન ઉઠાવે કે જાસુસોને સરહદ કે દરીયા મારફત ન ઘુસાડે તેની સાથોસાથ સ્ફોટક પદાર્થ વિગેરે ઘુસતો રોકવા માટે ગુજરાત પોલીસ અનુક્રમે બીએસએફ તથા નેવી અને ગુજરાત મરીન કમાન્ડો દળ સાથે સંકલન કરી હાલના પેટ્રોલીંગને વધુ સજ્જ કરી દેશે.

રાજકોટ રેન્જ બોર્ડર રેન્જ સહિતના રેન્જ વડાઓ તથા સરહદી વિસ્તારો અને દરીયાઇ સીમાઓ જે શહેર કે જીલ્લાઓને સ્પર્શે છે તેમના ઉચ્ચ અધિકારીઓ તથા એસપીઓને સમયાંતરે દરીયા કિનારા, વિવિધ ટાપુઓ તથા દરીયા કિનારે રહેતા માચ્છીમારોમાં ઇન્ટેલીજન્સ નેટવર્ક વધારવા માટે ખાસ સ્કીમ તૈયાર કરી અપાશે. માચ્છીમારોને પણ પોલીસના નંબરો આપી રખાશે. જેથી શકમંદ પ્રવૃતિઓની તુરંત જાણ થઇ શકે.

ચુંટણી સંદર્ભે ગુજરાત આવતા વિવિધ પક્ષોના મહાનુભાવોની સુરક્ષા બંદોબસ્તમાં કોઇ જાતની ખામી ન રહે તે માટે સમગ્ર બંદોબસ્ત સ્કીમ ફુલપ્રુફ બનાવવામાં આવશે. આઇબીને પણ આવા ડાબુરીયા તત્વો પર નજર રાખવા માટે સુચનાઓ આપી ડેઇલી રીપોર્ટ આઇબીની હેડ ઓફીસને મળે તેવી વ્યવસ્થા ગોઠવાશે.

અત્રે એ યાદ રહે કે પ્રમોદકુમાર સરહદી જીલ્લા કચ્છમાં હતા તે સમયે આરડીએકસનું વિશાળ કન્સાઇનમેન્ટ તેઓએ આગવી કુનેહથી ઝડપી પાડયું હતું. ગાંધીનગરના અક્ષરધામ સમયે તેઓએ સંભાળેલ નેતૃત્વ આજે પણ યાદ કરાઇ છે. સરહદી વિસ્તારોમાં આધુનીક સાધનો સાથે અનુભવીઓનું સંકલન સાધી જાસુસી નેટવર્ક ભેદવાની તેમની આગવી પધ્ધતી પણ કચ્છમાં જુની પેઢીના અમલદારો આજે પણ કોઇ ચર્ચા નીકળે ત્યારે અચુક યાદ કરે છે. (૪.૯)

સરહદ પર બીએસએફ - દરીયાઇ સીમામાં નેવી સાથે સંકલન  કરી સંયુકત પેટ્રોલીંગ કરાશે

રાજકોટઃ રાજયના ઇન્ચાર્જ ડીજીપી તરીકે બીજી વખત ચાર્જ સંભાળનાર ૧૯૮૩ બેંચના સીનીયર મોસ્ટ આઇપીએસ અધિકારી પ્રમોદકુમારે પોતાના વિશાળ અનુભવ આધારે ભુતકાળમાં આતંકવાદીઓએ ઘુસણખોરી કરવા માટે રાજયની વિવિધ સરહદો સાથે ગુજરાતના વિશાળ દરીયા કિનારાનો ઉપયોગ કર્યો હોય તે બાબત ધ્યાને રાખવા સાથે પોતાના ગુપ્તચર બ્યુરોના વડા તરીકેના અનુભવ તથા ભુતકાળમાં કચ્છમાં એસપી તરીકે બજાવેલ ફરજ આધારે જણાવેલ કે ચુંટણીઓ દરમિયાન પોલીસ ચુંટણી બંદોબસ્તમાં વ્યસ્ત હોય છે. આવા સંજોગોમાં સરહદો પરથી દેશમાં ઘુસવા માટે કચ્છ બનાસકાંઠા સરહદનો ઉપયોગ કરવા ઉગ્રવાદીઓની દાઢ ડળકે નહિ તે માટે સરહદી સુરક્ષા માટે બીએસએફ તથા અન્ય એજન્સીઓ સાથે સંકલન કરી ચુસ્ત પેટ્રોલીંગ વ્યવસ્થા ગોઠવાશે. આજ રીતે દરીયા કિનારા પરથી ઘુસણખોરી  ન થાય કે બીજા સ્ફોટક પદાર્થો ઘુસાડવામાં સફળતા ન મળે તે માટે નેવી, મરીન કમાન્ડોને સાથે રાખી પેટ્રોલીંગ સ્કીમ ચુસ્ત કરાશે.(૪.૯)

અક્ષરધામમાં થયેલ આતંકી  હુમલા સમયે પ્રમોદકુમારના નેતૃત્વમાં જ મુકાબલો થયેલ

રાજકોટઃ ગાંધીનગરના વિશ્વ પ્રસિધ્ધ અક્ષરધામ ખાતે ર૦૦રની સાલમાં થયેલ આતંકી હુમલા સમયે ગુજરાતમાં જે તે સમયે કમાન્ડો ન હોવાથી દિલ્હીથી કમાન્ડો  ગાંધીનગર આવે ત્યાં સુધી ટાંચા સાધનોથી એ ઉગ્રવાદીઓનો મુકાબલો કરવાનું ભગીરથ કાર્ય હાથ ધરવામાં આવેલ. હાલના ઇન્ચાર્જ ડીજી પ્રમોદકુમાર તે સમયે ગાંધીનગર રેન્જ વડા હોવાથી તેઓએ આતંકી હુમલાનો જવાબ આપવા આખી વ્યુહરચના કરી તેનું સુકાન સંભાળ્યું હતું.

આજ રીતે પ્રમોદકુમાર સરહદી વિસ્તાર કચ્છમાં એસપી હતા તે સમયે કચ્છમાં  આતંકવાદીઓની અવરજવર તથા કેટલાક જાસુસો ઘુસી રહયાની બાતમી મળતા જ આવા દેશદ્રોહી તત્વોનું પગેરૂ મેળવવા આધુનીક સાધનો સાથે ભુતકાળમાં અપનાવાતી પગલા પારખું પગીઓની સેવાઓ મેળવી આવા દેશદ્રોહી તત્વોનું પગેરૂ મેળવી તેઓને આબાદ રીતે ઝડપી લેવામાં તેમને જે તે સમયે સફળતા સાંપડી હતી. જે આજે પણ યાદ કરવામાં આવે છે.

(4:32 pm IST)