Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

સુરતથી રાજકોટ, ભાવનગર, અમરેલી માટે ૯ બેઠકોની ક્ષમતાની હવાઈ સેવા

૫ શહેરોમાં માત્ર ૪૫ મીનીટમાં પહોંચી શકાશેઃ મંત્રી પૂર્ણેશ મોદીની અકિલા સાથે વાતચીત : અમદાવાદથી સુરત અને ભૂજ વચ્ચે પણ ફલાઈટઃ ભાડુ હવે જાહેર થશે

રાજકોટ, તા. ૨ :. રાજ્ય સરકાર જનતાને દીપોત્સવીની ભેટ સ્વરૂપે ૬ મોટા શહેરો વચ્ચે એકદમ ટૂંક સમયમાં જ ફલાઈટ સેવા શરૂ કરવા આગળ વધી રહી છે. જેના માટે ખાનગી કંપની સાથે એમ.ઓ.યુ. કરવામાં આવ્યા છે. રાજ્યમાં વ્યવસાયિક અન્ય હેતુથી ઝડપી મુસાફરી કરવા ઈચ્છતા લોકો માટે આ ૯ બેઠકોની ક્ષમતાવાળુ પ્લેન આશીર્વાદરૂપ સાબિત થશે. સમયપત્રક અને ભાડા સહિતની વિગતો હવે પછી જાહેર થશે.

ગુજરાતના નાગરિક ઉડ્યન અને માર્ગ-મકાન મંત્રી શ્રી પૂર્ણેશ મોદીએ આજે અકિલા સાથેની વાતચીતમાં જણાવેલ કે સુરતથી ભાવનગર, સુરતથી અમદાવાદ, સુરતથી રાજકોટ અને સુરતથી અમરેલી તથા અમદાવાદથી ભૂજ તે પાંચ રૂટમાં ૯ સીટના પ્લેનની સેવા શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવેલ છે. દરેક રૂટ પર જવા-આવવાનો સમય ૪૫ મીનીટનો થશે. સરકાર અઠવાડિયામાં જ આ સેવા શરૂ કરવામાં માંગે છે. જેનુ ભાડુ ટૂંક સમયમાં નક્કી કરીને જાહેર કરવામાં આવશે. મુસાફરોની સંખ્યા વધશે તેમ જરૂરિયાત મુજબ હવાઈ સેવાનું વિસ્તરણ કરવામાં આવશે. રાજ્યમાં એક સાથે સુરતને ૪ શહેરો સાથે જોડતી અને અમદાવાદથી ભૂજને જોડતી જવા-આવવાની બન્ને તરફની ઉડયન સુવિધા પ્રથમ વખત શરૂ કરવામાં આવી રહી છે. ઝડપી મુસાફરી ઈચ્છતા લોકોને ખૂબ ઉપયોગી થવાની આશા છે.

(4:32 pm IST)