Gujarati News

Gujarati News

News of Monday, 2nd November 2020

અમૃતલાલ રાણિંગાઃ ગુજરાતી સાહિત્યના સાધકની વિદાય

પ૦થી વધારે સાહિત્યિક ગ્રંથોનું આલેખનઃ રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સન્માનો પ્રાપ્ત કર્યાઃ નિવૃત્તિમાં પણ સાહિત્યિક સાધનામાં વ્યસ્ત રહ્યા

અનેક વિદ્યાર્થીઓનું સાર્થક જીવન ઘડતર કરનારા વિદ્યાર્થી પ્રિય વિદ્વાન પ્રાધ્યાપક અને સાહિત્ય સર્જક પ્રો. ડો. શ્રી અમૃતભાઇ રાણીંગા તા. ૩ સપ્ટેમ્બર ર૦ર૦ના રોજ ૮૯ વર્ષની ઉંમરે સ્વર્ગલોક પામ્યાં, તેનો ઘેરો શોક પરિવારજનો તથા તેમના વિશાળ વિદ્યાર્થી વૃંદ અને ચાહકવર્ગ પામ્યાં.

ગિરનારની ગોદમાં આવેલા નાનકડા ગામ વડાલમાં, પરજિયા સોની પરિવારમાં તા. ર૦ ઓગષ્ટ ૧૯૩ર ના રોજ જન્મ થયો. પ્રબળ પુરૂષાર્થ અને તેજસ્વી પ્રતિભા વડે એમ.એ., એલ.એલ.બી., પી.એચ.ડી.ની પદવી પામ્યાં. વેરાવળ, કેશોદ, ભાયાવદર અને બગસરાની હાઇસ્કૂલોમાં શિક્ષક તરીકે કાર્ય કર્યું. ડભોઇ કોલેજમાં પ્રોફેસર તરીકે સેવા આપી પછીથી ઉપલેટાની મ્યુનિસિપલ આટ્ર્સ અને કોમર્સ કોલેજમાં ઇ.સ. ૧૯૬૩ થી ૧૯૯ર સુધી નિવૃત્ત પર્યંત કાર્યરત રહ્યાં. શૈક્ષણિક સેવાઓના આ સમયગાળા દરમ્યાન અનેક વિદ્યાર્થીઓનું યશસ્વી જીવન ઘડતર કાર્ય કર્યું. ગુજરાતી વિષયના આ વિદ્વાન પ્રોફેસરની સાહિત્ય સાધના સમાંતરે ચાલતી રહી.

નવલકથા, સંશોધન, ચરિત્ર, વિવેચન, અનુવાદ, સંપાદન, પ્રેરણાદાયક ગ્રંથો અને વ્યકિતત્વ વિકાસના પુસ્તકો-પચાસથી વધુ મૂલ્યવાન પુસ્તકોનું પ્રદાન યાદગાર રહેશે.

પ્રો. ડો. રાણીંગા સાહેબને તેમની સાહિત્યિક સેવાઓ માટે ત્રણ રાષ્ટ્રીય કક્ષાના અને એક આંતર રાષ્ટ્રીય કક્ષાના પુરસ્કારો પ્રાપ્ત થયા હતા.

જીવનના છેલ્લા દિવસ સુધી સાહિત્ય સર્જન સેવાનો દીપ અખંડ જલતો રહ્યો.

સાત્વિકતા, સાદગી, સરળતા, સૌજન્ય સેવા, સતત સાધના તેમના આદર્શ જીવનના તરી આવતા ગુણો હતા. સેવા નિવૃત્તિ પછી પણ સાવ અજાણ્યા વિદ્યાર્થીઓને તેમનું પ્રોત્સાહક માર્ગદર્શન મળતું રહ્યું. એમના ભવ્ય-દિવ્ય જીવન સંદર્ભે કહીશું ''કુલમ પવિત્રમ્ જનની કૃતાર્થા વસુંધરા પુણ્યવતી ચ યેર્ન!!

સંપર્કઃ શ્રી સંદીપભાઇ અમૃતભાઇ રાણિંગા મો. ૯૮રપ૬ ૬૪૮૯૬

 સંકલન

પ્રા. ડો. મહેન્દ્ર છત્રારા

(2:50 pm IST)