Gujarati News

Gujarati News

News of Saturday, 2nd November 2019

‘મહા’ વાવાઝોડાના ખતરાના કારણે હજારો બોટો થંભી જતા કરોડો રૂપિયાની થશે નુકશાની

અમદાવાદ :મહા વાવાઝોડાની અસર સમગ્ર ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયા કિનારા પર મોટાપાયે જોવા મળી રહી છે. મહા વાવાઝોડાની દેહશત અંગે ફિઝરીશ સહિતનાં વિભાગ એલર્ટ મોડ પર આવી ગયા છે. ગુજરાતના તમામ બંદરો પર 2 નંબરનું સિગ્નલ લગાવી દેવાયું છે. ગુજરાતના દરિયા કાંઠાનાં અનેક બંદરોએ માછીમારોને ઊંડે સુધી દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. તો માછીમારો એ પોતાની માછીમારીનો સામન સલામત સ્થળે ખસેડાવાની તજવીજ હાથ ધરી છે. આ કારણે મોટાભાગના બંદરોનાં કાંઠે માછીમારોની હોડીઓનું મસમોટું પાર્કિંગ જોવા મળ્યું છે.

મહા વાવાઝોડુાની મહા અસરથી સાવચેત થઈને ગુજરાતના અનેક બંદરોના માછીમારો એલર્ટ મોડ પર આવી ગયા છે. માછીમારો સલામત સ્થળે પોતાની બોટ પાર્કિંગ કરી રહ્યા છે. મહા વાવાઝોડાને કારણે દરિયામાં કરંટ જોવા મળ્યો છે. તો બીજી તરફ, દરિયામાં દૂર સુધી માછીમારી કરવા જવા પર પ્રતિબંધનાં કારણે માછીમાર સમુદાય આર્થિક મુશ્કેલીમાં મૂકાયો છે. તેઓએ દરિયા કાંઠે પોતાની હોડીઓ લાંગરી દીધી છે. મહા નામનાં વાવાઝોડાથી માછીમારો પણ ભયભીત બન્યા છે.

રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા મહા વાવાઝોડાના સંદર્ભે સૂચનાઓ આપવાની શરૂઆત કરાઈ છે. મહા વાવાઝોડું તારીખ 6 નવેમ્બર થી ૮ નવેમ્બર દરમિયાન ગુજરાતના દરિયા કિનારા પાસે અસર કરે તેવી સંભાવનાઓને ધ્યાનમાં રાખી સ્થાનિક કક્ષાએ બેઠકો બોલાવી તકેદારીના પગલા ભરવા આદેશ કર્યા છે. દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના દરિયા કિનારાઓના જિલ્લાઓ અને મધ્ય ગુજરાતમાં પણ 40 થી 50 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાની શક્યતાઓને ધ્યાનમાં રાખી બચાવ રાહત કામગીરી માટે જરૂરી તમામ પગલાં ભરવાના આદેશો કર્યા છે. રાજ્ય સરકારે દરિયા કિનારાના તમામ કલેકટરોને આદેશ કર્યા છે.

ઉનામાં બોટની જળસમાધિ

ઉનાના સૈયદ રાજપરા ગામ ના દરીયા કિનારે પરત ફરી રહેલ બોટે જળ સમાધિ લીધી છે. લ્લેખનીય છે મહા વાવાઝોડાની અસર દીવ તથા ઉનાના દરિયામાં જોવા મળી રહી છે. ત્યારે આ બોટે જળસમાધિ લીધી હતી. આ બોટને બચાવવાના અનેક પ્રયાસો કરવામાં આવ્યા હતા, છતાં તે ડૂબી હતી. બોટમાં સવાર 8 ખલાસીઓનો અન્ય બોટ દ્વારા બચાવ થયો હતો.

માછીમાર ઉપરાંત દરિયાકાંઠા વિસ્તારોમાં રહેતા લોકોને પણ એલર્ટ કરાયા છે. પહેલા વાયુ, પછી કયાર અને ત્યાર બાદ હવે મહા નામનું વાવાઝોડું ગુજરાતના ખેડૂતો અને સાગર ખેડૂતો (માછીમારો)ની કમર તોડશે. મહા વાવાઝોડાની અસરને કારણે ગુજરાતના અનેક જિલ્લાઓમાં માવઠાનો માર સહન કરવો પડશે.

(5:04 pm IST)