Gujarati News

Gujarati News

News of Friday, 2nd November 2018

આદિવાસી લોકોનો યોગીની મુલાકાત વેળા જ ઉગ્ર વિરોધ

વિરોધ કરતાં આદિવાસી કાર્યકરોની અટકાયત : યોગી આદિત્યનાથના આગમન સમયે વિવિધ બાબતોને લઇ વિરોધ : આદિવાસીઓ દ્વારા વિરોધ પ્રદર્શનનો દોર

અમદાવાદ, તા.૨ :  ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે કેવડિયા ખાતે પહોંચ્યા હતા. જ્યાં તેઓએ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. જોકે યોગી આદિત્યનાથ અને વિજય રૂપાણીની મુલાકાત સમયે આદિવાસી સંગઠનોએ પોતાનો ઉગ્ર અને જોરદાર વિરોધ વ્યક્ત કર્યો હતો. જેને લઇ વાતાવરણ થોડા સમય માટે ડહોળાયું પરંતુ પરિસ્થિતિ વધુ વણસે તે પહેલાં જ ફરજ પર હાજર સ્થાનિક પોલીસે વિરોધ કરી રહેલા કેટલાક આદિવાસી કાર્યકરોની અટકાયત કરી હતી. જો કે, સરકાર અને પોલીસના આ પ્રકારના વલણ સામે આદિવાસીઓએ ભારે વિરોધ કરી સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્ટેચ્યૂ ઓફ યુનિટીના લોકાર્પણ કર્યા બાદ હવે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ રોજેરોજ કેવડિયા આવીને સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લેશે. જે અંતર્ગત આજે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે સવારે કેવડિયા ખાતે પહોંચ્યા હતા. જ્યાં તેઓ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. જેમાં તેઓ સરદાર પટેલની વિશાળ પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટી, વેલી ઓફ ફ્લાવર્સ, ટેન્ટ સિટી અને મ્યુઝિયમ સહિતના તમામ આકર્ષણો નિહાળ્યા હતા. આ મુલાકાત સમયે મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ તેમની સાથે રહ્યા હતા.

યોગી આદિત્યનાથના આગમન સમયે આદિવાસી સંગઠનોએ પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. પોલીસે વિરોધ કરી રહેલા આદિવાસી કાર્યકરોની અટકાયત કરીને રાજપીપળા પોલીસ સ્ટેશન ખાતે લઇ ગઇ હતી. જેને લઇ સમગ્ર આદિવાસી સમાજ અને પંથકમાં ઉગ્ર આક્રોશની લાગણી ફેલાઇ હતી. સરકારના ઇશારે પોલીસની દમનગીરી સામે આદિવાસી સંગઠનોએ ભારે રોષ વ્યકત કર્યો હતો અને આગામી દિવસોમાં વિરોધ પ્રદર્શન જારી રાખવાની ચીમકી ઉચ્ચારી હતી.

(10:07 pm IST)