Gujarati News

Gujarati News

News of Friday, 2nd November 2018

સ્ટેચ્યુ ઓફ યુનિટી : ટેન્ટનું ભાડું વધુ હોવાની ફરિયાદો

પ્રવાસીઓ સહિત રાજયના પ્રજાજનોમાં આક્રોશ : પ્રતિમા ખુલ્લી મૂકાતાંની સાથે સરકારના ધંધાકીય વલણ અને અભિગમને લઇ રાજયના પ્રજાજનોમાં ઉગ્ર આક્રોશ

અમદાવાદ, તા.૨ :  વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવાનો ખર્ચ કરતા ત્યાંની ટેન્ટ સિટીમાં રહેવાનો ખર્ચ ૧૦ ગણો છે ત્યારે સ્ટેચ્યૂ ઓફ યુનિટીને ટેન્ટ સિટીને ધંધો બનાવી દીધો હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. ૨૫૦ ટેન્ટ ધરાવતી આ ટેન્ટ સિટીનો કોન્ટ્રાક્ટ ભાજપના નજીકના મનાતા લોકોને આપવામાં આવ્યો છે. પરિણામે ટેન્ટ સિટીનું ભાડું ફાઈવ સ્ટાર હોટલ કરતા પણ વધુ નક્કી કરવામાં આવ્યું છે. ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા આપવામાં આવેલા આ ખાનગી કોન્ટ્રાક્ટને જોતા હવે સવાલો ઉઠી રહ્યા છે કે પ્રવાસન નિગમે પણ પોતાના મળતીયાઓને પ્રવાસીઓને લૂંટવા માટેનો પરવાનો આપી દીધો હશે કે શું? જો કે, સ્ટેચ્યુ ઓફ યુનિટીને ખુલ્લુ મૂકતાંની સાથે જ આ પ્રકારે ઉઘાડી લૂંટ ચલાવવાનું શરૂ કરાતાં આવનાર પ્રવાસીઓ સહિત રાજયના પ્રજાજનોમાં સરકારના ધંધાકીય વલણ અને અભિગમને લઇ ઉગ્ર આક્રોશ ફેલાવા પામ્યો છે. આશ્ચર્યની વાત છે કે, ટેન્ટ સિટીમાં ભાડાનો દર રૂ.૪૫૦૦થી રૂ.૨૪,૦૦૦ હજાર સુધીનો રાખવામાં આવ્યો છે. એટલું જ નહીં સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં આવેલા ટેન્ટ સિટીમાં કાફેટેરિયાનો નાસ્તાના દર પણ ખુબ જ વધુ રાખવામાં આવ્યા છે. જેમાં એક ચાના ૨૦ રૂપિયા તેમજ ૧૨૫ ગ્રામ ખમણના ૫૦ રૂપિયા રાખવામાં આવ્યા છે. આ સાથે  એમઆરપી ઉપર જીએસટી લાગુ પડાઇ રહી છે. ગઈકાલથી પ્રવાસીઓ માટે શરૂ થયેલા સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં ટેન્ટ સિટી અને કેફેટેરિયાના ભાવ સામે વિરોધનું વાતાવરણ ઉભુ થયુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સ્ટેચ્યૂ ઓફ યુનિટી ૩૧મી ઓક્ટોબરના રોજ અનાવરણ કરી દેવામાં આવ્યું હતું. તે પછી ગઈકાલથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા માટે પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકવામાં આવ્યું હતું, જેમાં પ્રવાસીઓના રહેવા માટે બનાવામાં આવેલા ટેન્ટનું ભાડું ખુબ જ ઊંચુ રાખવામાં આવ્યું છે. તો ચા- નાસ્તાનો ભાવ પણ ખુબ વધુ રાખવામાં આવ્યો છે. જેને લઇ સામાન્ય પ્રવાસીઓથી માંડી હવે રાજયના પ્રજાજનોમાં ઉગ્ર રોષની લાગણી ફેલાવા પામી છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે તળાવ કિનારે ટેન્ટ સિટી તૈયાર કરવામાં આવી છે. વીઆઇપી અને જનરલ બે પ્રકારના ટેન્ટ બનાવવામાં આવ્યા છે. વીઆઇપી ટેન્ટ જેમાં એસી અને ડીલક્ષ એસી ટેન્ટ છે. જ્યારે જનરલ ટેન્ટ એસી વગરનો છે. એક નાઈટ અને બે દિવસનું પેકેજ છે તેમાં નોન સ્ટાન્ડર્ડ નોન એસી ટેન્ટમાં એક વ્યક્તિનું રહેવાનું ભાડું રૂ.૪૫૦૦ છે જેમાં ૧૮ ટકા જીએસટી લાગુ થશે. જ્યારે બે વ્યક્તિઓને રહેવા માટે રૂ.૬૦૦૦ ચૂકવવા પડશે તેમજ ૧૮ ટકા જીએસટી અલગથી ચૂકવવો પડશે. ડીલક્ષ એસીમાં એક વ્યક્તિનું ભાડુ ૬૭૫૦ રૂપિયા છે, તેમજ કપલ માટે રૂ.૯૦૦૦ છે. જ્યારે પ્રિમીયમ એસી ટેન્ટમાં એક વ્યક્તિ માટે ૯૦૦૦ અને બે માટે રૂ.૧૨૦૦૦નું ભાડુ નક્કી કરવામાં આવ્યું છે. આ સાથે જીએસટી પણ ચુકવવો પડશે. બે દિવસ અને ત્રણ રાત માટે પ્રિમીયમ એસી ટેન્ટનું ભાડુ એક વ્યક્તિ માટે રૂ.૧૮૦૦૦ પ્લસ જીએસટી છે. જ્યારે કપલ માટે રૂ.૨૪,૦૦૦ હજાર ભાડુ પ્લસ ૧૮ ટકા જીએસટી ચૂકવવો પડશે. આમ, આટલા બધા ઉંચા ભાવ અને તેની પર પાછા જીએસટીની આંધળી લૂંટને લઇ લોકો હવે રીતસરની બૂમરાણ મચાવી રહ્યા છે.

(10:06 pm IST)